Thu Jul 09 2026

Logo

અમદાવાદને મળી હાઈટેક RTO ઓફિસ! AI ટ્રેક અને ફુલ AC સુવિધા, જાણો નવી ઓફિસમાં શું હશે ખાસ?

2026-07-09 18:17:27
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ઘણા સમય સુધી અમદાવાદ શહેરના સુભાષ બ્રિજ નજીક જૂની ઇમારતમાં કામગીરી કર્યા બાદ હવે નવી અને અત્યાધુનિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની (RTO) કચેરી કાર્યરત થઈ ગઈ છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદની નવી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની (RTO) કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

નવી કચેરીમાં શું શું હશે નવું?

ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે નિર્માણ પામેલી આ આધુનિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની (RTO) કચેરી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેમાં વાહનના નોન-ટ્રાન્સપોર્ટ અને ટ્રાન્સપોર્ટ સંબંધિત કામો, નવા વાહનની નોંધણી, પરમિટ, ફિટનેસ, બ્લેકલિસ્ટ, લાઇસન્સ, ડી.એલ./ચલણ શાખા, આર.એમ.એ., AMC ટેક્સ તથા કેશ શાખા સહિતની વિવિધ સેવાઓ માટે અલગ-અલગ ટેબલો દ્વારા ખૂબ જ સરળતાથી સેવાઓ મળી રહે તેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. 

AI આધારિત ટેસ્ટ ટ્રેક

તે ઉપરાંત આ નવી કચેરીમાં AI આધારિત ટેસ્ટ ટ્રેક અને આધુનિક કંટ્રોલ રૂમનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.નવા વાહનની નોંધણી, પરમિટ, ફિટનેસ અને લાઇસન્સ સહિતની તમામ સુવિધાઓ હવે એક જ છત નીચે સુવ્યવસ્થિત રીતે મળશે. આ સાથે જ નવી કચેરીમાં પોતાના કામ માટે આવનાર અરજદારોને રાહત મળી રહેશે કારણ કે આખી કચેરી એર-કન્ડિશન્ડ છે. 

એક જ છત નીચે અનેક સેવાઓ 

કુલ ત્રણ માળની આ કચેરીમાં ડ્રાઈવિંગ લાઇસન્સ, વાહન રજિસ્ટ્રેશન, માલિકી પરિવર્તન, પરમિટ સહિતની મોટાભાગની જાહેર સેવાઓ સરળતાથી મળી શકશે. તે ઉપરાંત વિશાળ વેઇટિંગ એરિયા, ડિજિટલ ટોકન સિસ્ટમ, આધુનિક કાઉન્ટરો, લિફ્ટ, ફાયર સેફ્ટી સિસ્ટમ, દિવ્યાંગોને અનુકૂળ રેમ્પ અને પૂરતી પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કારવવામાં આવી છે. 

લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોને ટેકનોલોજી આધારિત, પારદર્શક અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. નવી આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની વિવિધ સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે. 

ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકથી લાઇસન્સ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા આવશે અને માત્ર યોગ્યતા ધરાવતા અરજદારોને જ ડ્રાઇવિંગ લાયસન્સ મળશે. સરકારની તમામ સુવિધાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે તે માટે જનપ્રતિનિધિઓ અને તંત્રે સંકલનથી કાર્ય કરવું જરૂરી છે.

આ સાથે જ તેમણે નાગરિકોને નવી આરટીઓ કચેરીને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા અપીલ કરતાં જણાવ્યું કે જાહેર સંપત્તિનું જતન કરવું એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે.