Tue Jan 27 2026

Logo

White Logo

કટ ઑંફ જિંદગી - પ્રકરણ-27 સોલંકીના ચહેરા પર જીતની ખુશી નહીં, ફરજ પરસ્તીનું એક ઠંડુ સૂકુન હતું.

1 week ago
Author: Mumbaisamachar Team
Video

સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ

રસિકભાઈ ઉંઘતા ઝડપાઇ ગયા. રંગે હાથ પકડાઇ ગયા. આંખના પલકારામાં આ શું થઇ ગયું? આંખો આંજી નાખતી કેમેરાની લાઇટથી બચવા એમણે મોં ફેરવી લીધું. કાતિલ નજરે ટીવી કેમેરાની સામે વિજય સ્મિત ફરકાવી રહેલા કિસનને જોયો. પોતે શિયાળ જેવો ચાલાક હોવા છતાં સસલા જેવા કિસને ગોઠવેલા છટકામાં સપડાઇ ગયા હોવાનો રંજ અને રોષ એના ચહેરા પર ધસી આવ્યો, પણ ક્ષણભરના વિચાર બાદ એમના ચહેરા પર લુચ્ચાઇ લિપાઇ ગઇ.  

‘જોગલેકર સા’બ, એક ફોન કર સકતા હું?’ એમણે પૂછ્યું.

જોગલેકરે નાર્વેકરની સામે જોયું. નાર્વેકરે સહેજ મુંડી હલાવીને સંમતિ આપતાં જ એમણે ફોન જોડ્યો.

‘કાળે સા’બ, મૈં રસિકભાઈ. ઇધર બાત કિજિયે.’ એમણે જોગલેકરને ફોન પકડાવ્યો.

‘કૌન...?’ સામેથી સવાલ થયો.

‘જોઇન્ટ કમિશનર ફૂડ એન્ડ ડ્રગ્સ-વિજિલન્સ ડિપાટર્મેન્ટ અભય જોગલેકર.’   

‘મેં ચીફ મિનિસ્ટર આકાશ બિનસાળે...’

‘જી જી સર......’ જોગલેકર થોથવાયો.

‘રસિકભાઇ કો ગિરફતાર કરો...કડક સજા કરો....છોડના નહીં ઉસકો.’ ચીફ મિનિસ્ટરનો કડક અવાજ આવ્યો. જે સંભળાયું એ જોગલેકરની કલ્પનાની બહારનું હતું. ફોન કટ થવાનો અવાજ આવ્યો ને દવાની દુકાનમાં સન્નાટો છવાઇ ગયો. જોગલેકરે બધાની સામે એક નજર ફેરવી. રસિકભાઈને ઉપરથી આવેલા આદેશનો અંદેશો નહતો.

‘ચલો ઉઠાઓ અપને મોત કા સામાન ઔર ચલો પોલીસ સ્ટેશન. તુમ્હારે આકાને બોલા હૈ.’ જોગલેકરની આંખોમાં અલગ ચમક હતી.

રસિકભાઈનું મોં કડવી દવાનો ઘૂંટડો પીવડાવ્યો હોય એવું થઇ ગયું. રાજ્યના હેલ્થ મિનિસ્ટર સુભાષ કાળેએ મને સપડાવી દીધો. એમણે સંમતિ માગ્યા વિના ફોન લગાવ્યો. ‘કાળે સા’બ યે અચ્છા નહીં કિયા આપને. ખુદ કો બચાને કે લિયા મુઝે બલિ કા બકરા બનાયા.’

‘ચીફ મિનિસ્ટર બોલ રહા હું...કાળે કા ફોન મેરે પાસ હૈ ઔર વો નકલી ઇન્જેક્શન કા ડિબ્બા ગોદ મેં લે કર મેરે સામને બૈઠા હૈ....’ સાંભળીને રસિકભાઈનો માત્ર ચહેરો જ નહીં આખેઆખંબ શરીર પીળું પડી ગયું. કોઇ મોટી ગેમ થઇ ગઇ હોવાનું સમજીને એમણે ફોન કાપી નાખ્યો. નાર્વેકરે એના હાથમાંથી મોબાઇલ આંચકી લીધો.

સીએમ આકાશ બિનસાળે હેલ્થ મિનિસ્ટર સુભાષ કાળેના સરકારી બંગલામાં બેઠા હતા. એની સાથે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર મિસિસ સુહાસિની જોશી અને ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-1) અભય સાબડે ખુદ હાજર હતા. એક સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અને હવાલદારે કબાટમાંથી કાઢીને ટેબલ પર મૂકેલા નકલી ઇન્જેક્શનોના ચાર મોટાં બોક્સ પર નજર કરતાં સીએમ બોલ્યા: ‘ઇતના નીચા ગીર સકતા હૈ તુ કાળે. તુ રાજ્ય કા હેલ્થ મિનિસ્ટર હૈ...લોગોં કી હેલ્થ તેરે હાથોં મેં હૈ....તુને....તુને એસા ઘીનૌના કામ કિયા?’ કાળે નીચું મોં કરીને સાંભળી રહ્યો હતો.

‘જોશી મેડમ, સાબડે, સોડુ નકો.....લોગોં કી જિંદગી સે ખેલા હૈ... કડક સઝા મિલના ચાહિયે જો કોઇ ભી ઇન્વોલ્વ હૈ સબકો....’
સંજય બાગ્વેના ફ્લેટમાં ફૂડ અને ડ્રગ ડિપાર્ટમેન્ટની કાર્યવાહી ચાલુ હતી ત્યારે સોલંકી એક ખુણામાં ખુરસી પર બેસીને તમાશો જોયા કરતો હતો. એને ખુદને અંદાજ નહતો કે એણે ઘડી કાઢેલું અને તાબડતોબ અમલમાં મૂકેલું ઓપરેશન તોસિલિઝુમેબ ઝડપથી પાર પડશે....પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના મોટા અધિકારીઓ દરોડા પાડશે....પરંતુ આ બધું સીએમ આકાશ બિનસાળેને કારણે થયું.  

સોલંકીએ બહુ વિચારીને સીએમ બિનસાળેને સમગ્ર કૌભાંડ કહી દેવાનો નિર્ણય કર્યો હતો. જોકે એને શંકા હતી કે હેલ્થ ડિપાર્ટમેન્ટના એક અદના કર્મચારીને સીએમ મુલાકાત આપશે ખરા....અને ખુદ સીએમ આમાં સંડોવાયેલા હશે તો....એણે જોખમ ઉઠાવીને સીધો સીએમને કોલ કરીને મુલાકાત માગી. કોરોનાની સારવાર માટેના નકલી ઇન્જેક્શનોનું કૌભાંડ જાણવાની જિજ્ઞાસાને લીધે સીએમએ એને બંગલે બોલાવી લીધો.

કોરોનાની સારવાર આપતી જી. જી. ભોય હોસ્પિટલમાંથી આવેલા સોલંકીને સીએમ બિનસાળેએ દૂર બેસાડ્યો. પોતે મોં પર બે માસ્ક લગાવીને બેઠા.

સોલંકીએ એમની સામે નકલી ઇન્જેક્શનો મૂક્યા....અસલી અને નકલી ઇન્જેક્શન પરનું લખાણ સરખાવી બતાવ્યું. હોસ્પિટલમાં બનેલી ઘટનાથી વાકેફ કર્યા. અને અંતે સંજય બાગ્વે અને રસિકભાઈની સીધી સંડોવણી વિશે કહ્યું ત્યારે સીએમ બિનસાળેની માસ્ક ઉપર સ્પષ્ટ જોઇ શકાતી મોટી આંખો લાલ થઇ ગઇ. પણ સોલંકીએ જ્યારે હેલ્થ મિનિસ્ટર સુભાષ કાળેનું નામ લીધું ત્યારે એમણે દલીલ કરતા કહ્યું કે ‘સુભાષ નહીં હો સકતા...વો મેરા ખાસ આદમી હૈ.’

‘સર, મેરે પાસ ઇન્ફર્મેશન હૈ.’ હકીકતમાં એની પાસે સુભાષ કાળે સામેના કોઇ પુરાવા નહતા. પણ એને ખાતરી હતી કે રાજ્યના હેલ્થ મિનિસ્ટરના આશીર્વાદ સિવાય બાગ્વે નામનું બકરીનું બચલું આટલું બેં બેં ન કરે. એણે માત્ર હેલ્થ મિનિસ્ટર સુભાષ કાળે નામનું પત્તું ફેંક્યું હતું. એણે ઉઠાવેલું બીજું જોખમ ફળ્યું. એ સાચો પડ્યો. રસિકભાઇ એવા ગુમાનમાં રાચતા હતા કે કાળે બચાવી લેશે, પણ કાળેનો કાળ કદાચ ખરાબ ચાલતો હતો. એ ખુદ કાળનો કોળિયો બની ગયો. રસિકભાઈએ પોતાને બચાવવા મેડિકલ સ્ટોરમાંથી કાળેને જ ફોન લગાડ્યો ને સીએમ સાહેબે જ ઉપાડ્યો અને નકલી ઇન્જેક્શનોની આખી ચેનલ ખુલ્લી પડી ગઇ. સીએમને ખાતરી હતી કે રસિકભાઇ મેડિકલ સ્ટોરમાંથી કાળેને ફોન કરશે જ...એટલે જ એમણે મોબાઇલ કોલનું રેકોર્ડીંગ ચાલુ રાખ્યું હતું. રસિકભાઈ, બાગ્વે અને સુભાષ કાળેના પુરાવાઓ ખુદ સીએમ પાસે હતા. કિસનની દવાની દુકાનનું સીસીટીવી ફુટેજ મોટો પુરાવો હતો.

જોકે હજી મોતના ઇન્જેક્શનોનું મેન્યુફેક્ચરિંગ ક્યાં થાય છે તેમ જ બીજો કોણ સંડોવાયેલા છે એનું રહસ્ય ખુલવાનું બાકી હતું. હા, એ માટે રસિકભાઈનું મોં ખોલાવવું પડે એમ હતું અને સીએમ બિનસાળેના ઓર્ડરથી હરકતમાં આવેલી પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કોઇ કસર છોડવા માગતા ન હતા.

મોડી રાતે રસિકભાઈ, સંજય બાગ્વે અને સુભાષ કાળેની ધરપકડ કરીને પોલીસ સ્ટેશને લવાયા ત્યારે રિપોર્ટર સંજુ તેમ જ એ ટુ ઝેડ ન્યૂઝ ચેનલના બીજા બે રિપોર્ટરો અને કેમેરામેન સ્વાગત માટે તૈયાર હતા. પોલીસ નકલી ઇન્જેક્શનોના બોક્સ તથા મેડિકલ સ્ટોરના સીસીટીવી કેમેરાના ફુટેજ સાથે આરોપીઓને લઇને ઉતરી...લાઇવ ટેલિકાસ્ટિંગ શરૂ થયું.....સુભાષ કાળે અને સંજય બાગ્વેએ રૂમાલથી મોં ઢાંકી દીધા. રસિકભાઇએ મોં છૂપાવવાની દરકાર કરી નહીં. એક સમયે મિસ એક્સના ન્યૂઝથી તહેલકો મચાવી દેવા માગતા રિપોર્ટર સંજુને સોલંકીએ દાયકાના મહાકૌભાંડને પ્રકાશમાં લાવવાની તક આપી હતી. એ ઉછળી ઉછળીને બોલી રહ્યો હતો. કિસન ગજેરા અને સોલંકી ફરિયાદી અને સાક્ષી તરીકેના સ્ટેટમેન્ટ લખાવીને બહાર નીકળ્યા. સોલંકીના કહેવાથી સારથી બનેલા કિસનના ચહેરા પર મહાભારતનું યુદ્ધ જીતવાની ખુશી હતી. બીજી તરફ સોલંકીના ચહેરા પર જીતની ખુશી નહીં, ફરજ પરસ્તીનું એક ઠંડુ સૂકુન હતું.

એ ટુ ઝેડ ન્યૂઝ ચેનલના નકલી ઇન્જેક્શનોના કૌભાંડના વિસ્ફોટની ધ્રૂજારીથી અન્ય ચેનલો સફાળી જાગી ગઇ હતી. લોક ડાઉનમાં અખબારો બંધ હોવાનો લાભ ન્યૂઝ ચેનલોને મળ્યો હતો. ન્યૂઝ ચેનલો પોલીસ સ્ટેશન અને રાજ્ય સરકાર પર રીતસર ત્રાટકી હતી. ટીવી રિપોર્ટરો જાહેર જનતા વતી જવાબ માગતા હતા...ખુલાસા ઇચ્છતા હતા... નિર્દોષોના જીવ સાથે ખેલનારાઓને આકરી સજા મળે એવી માગણી કરતા હતા.

મામલો નાનોસૂનો ન હતો...રાજ્ય સરકાર અને પોલીસ પર દબાણ વધ્યું હતું. એનો પડઘો અન્ય રાજ્યો અને છેક દિલ્હી સુધી પડ્યો હતો. સીએમ અને પોલીસ વડાઓ આ વાતથી વાકેફ હતા જ ને એટલે જ સીએમ આકાશ બિનસાળેએ સૂરજનું પહેલું કિરણ પથરાય તે પહેલાં જ હેલ્થ મિનિસ્ટર સુભાષ કાળે પાસેથી આરોગ્ય ખાતું આંચકી લઇને એને પાણીચું પકડાવી દીધું હતું. સંજય બાગ્વેને બરતરફ કર્યો. એમણે એક ખાસ ટેલિવિઝન પ્રસારણમાં કસૂરવારોને કડક સજા અપાવવાની જનતાને ખાતરી આપી હતી.

અન્ય એક જોઇન્ટ ટીવી મુલાકાતમાં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર સુહાસિની જોશીએ લોકોને અને ખાસ કરીને ડોક્ટરોને અસલી અને નકલી ઇન્જેક્શનોને પારખવાની રીત બતાવી. જ્યારે ડેપ્યુટી પોલીસ કમિશનર અભય સાબડેએ પોલીસ તપાસ ચાલુ હોવાનો ચીલાચાલુ જવાબ આપ્યો ત્યારે પોલીસ સ્ટેશનમાં કોઇપણ જાતની કાનૂની પ્રોસીજર વિના રસિકભાઇ, સંજય બાગ્વે અને સુભાષ કાળેની રિમાન્ડ ચાલુ હતી....કેમ કે સવાલ લોકોના જીવનો હતો અને સીએમનો આદેશ હતો.   
*****
કેશુકાકાએ સવારે ઉઠીને રાબેતા મુજબ ન્યૂઝ જોવા ટીવી ઓન કર્યું. ટીવીમાં મેડિકલ સ્ટોરનું ફૂટેજ જોઇને દંગ રહી ગયા. કિસન ગજેરાએ ગોઠવેલા છટકામાં રસિકભાઇ સપડાઇ ગયા હોવાનું વારંવાર થતું પ્રસારણ જોતા જોતા એમણે બૂમ મારી: ‘કાશ્મીરા જલ્દી બહાર આવ.’
કાશ્મીરા બહાર દોડી આવી.
‘શું થયું પપ્પા?’
‘અરે આ જો તારા વરે કરેલું પરાક્રમ જો. હવે મને સમજાયું કે મારો બેટો મને દુકાને આવવાની ના કેમ પાડતો’તો. ઉઠાડ એને ને બતાવ મારો દીકરો ટીવીમાં ચમકી ગ્યો છે.’
‘પપ્પા. એ વહેલી સવારે આવ્યો છે.’
‘સાચું કહેજે તને એણે આ છટકાની વાત કરેલી ને...?’
‘ના પપ્પા....આજે વહેલી સવારે ઘરે આવીને કરી....’
‘એણે જે કયરું એનું મને અભિમાન છે....મારો દીકરો મારું અભિમાન.’ કેશુકાકા બોલ્યા....કાશ્મીરા હસી પડી.

નિર્મલના પપ્પા દર્શનભાઈએ ટીવી ઓન કર્યું..

જી. જી. ભોય હૉસ્પિટલમાં નકલી ઇન્જેક્શનોનો ભાંડો કઇ રીતે ફૂટ્યો... આવો જાણીએ હોસ્પિટલમાં નિમાયેલા બીએમસીના આરોગ્ય વિભાગના અધિકારી સોલંકી પાસેથી... રીપોર્ટર સંજુ બોલ્યો.

‘ગંભીર હાલત ધરાવતા એક દરદીને ઇન્જેક્શન આપતી વખતે હૉસ્પિટલના ડીન ડૉ. શાહનું ધ્યાન ગયું અને આખો મામલો બહાર આવ્યો....’ સોલંકીએ કહ્યું.

બરાબર એ જ વખતે રૂમમાં પ્રવેશેલી પવિત્રાએ સાંભળ્યું. સમગ્ર ટીવી ફુટેજ દરમિયાન એ ચૂપ રહી.

‘આ છે આપણી હૉસ્પિટલો.....આ છે આપણા નેતાઓ...આ છે લોકોની ભડભડતી ચિતાઓ પર ભાખરી શેકીને ખાતા રાક્ષસી ચહેરાઓ....’

‘આમાં દેવ જેવા ડૉ. શાહનો પણ એક ચહેરો છે...’ દર્શનભાઈએ કહ્યું.

‘ડૉ. શાહનું ધ્યાન ન ગયું હોત તો કોઇનો જીવ ગયો હોત એનું શું....? અને એ નિર્મલ હોત તો...?’

‘એ જે કોઇ પણ દરદી હતો....બચી ગયો એ વાતે આપણે શ્રીજીનો આભાર માનવો રહ્યો.....’ દર્શનાબેને પ્રવેશતાં કહ્યું.

‘હું નિર્મલને એ હૉસ્પિટલમાંથી કાઢીને પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવા માગું છું.’ પવિત્રાએ કહ્યું.  

 (ક્રમશ:)