Mon Jul 20 2026

Logo

હોસ્પિટલમાં દાખલ કરાયેલા સોનમ વાંગચૂકની તબિયત કેવી છે? લેટેસ્ટ અપડેટ જાણો

2026-07-19 16:27:19
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હીમાં જંતર-મંતર ખાતે આંદોલન કરી રહેલા સોનમ વાંગચૂકની તબિયત બગડતા પોલીસ દ્વારા તેમને તાત્કાલિક અસરથી સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની ભૂખ હડતાળનો આજે 22મો દિવસ છે અને હોસ્પિટલમાં પણ તેમણે કોઈ પણ પ્રકારની ડ્રિપ, ORS કે દવા લેવાનો ઇનકાર કરી દીધો છે. આ દરમિયાન, તેમની પત્નીએ દિલ્હી હાઈ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમને કોઈ ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની માંગ કરી છે, જ્યારે બીજી તરફ જંતર-મંતર પર પ્રદર્શન ચાલુ છે અને 20 માર્ચના રોજ સંસદ ભવન સુધીના માર્ચ માટે દિલ્હી પોલીસે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે.

વીએમએમસી (VMMC) અને સફદરજંગ હોસ્પિટલ દ્વારા 19 જુલાઈ, 2026ના રોજ જાહેર કરાયેલા હેલ્થ બુલેટિન મુજબ, સોનમ વાંગચુકની હાલની સ્થિતિ સ્થિર છે. જોકે, લાંબા સમયથી ચાલી રહેલા ઉપવાસને કારણે તેમના બ્લડ પેરામીટર્સમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યા છે. હોસ્પિટલના નિવેદન અનુસાર, તેમના શરીર પર પડેલા આ લાંબા ઉપવાસના તણાવ અને તેની અસરોને ધ્યાનમાં લેતા, તેમને નિષ્ણાતોની એક મલ્ટી-ડિસિપ્લિનરી ટીમની સતત દેખરેખ અને ક્લિનિકલ મોનિટરિંગ હેઠળ રાખવામાં આવ્યા છે.

હોસ્પિટલ અને એઈમ્સ (AIIMS)ના તબીબોની ટીમનું માનવું છે કે, તેમની સ્થિતિ હાલ સ્થિર હોવા છતાં, ભવિષ્યમાં ઉદ્ભવી શકે તેવી કોઈ પણ જટિલતાઓને સમયસર પારખવા અને તેનું સંચાલન કરવા માટે સતત તબીબી હસ્તક્ષેપ અને ચોવીસ કલાક ક્લિનિકલ દેખરેખ અત્યંત આવશ્યક છે. આથી, તેમને તમામ જરૂરી તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે અને તેમના લોહીના પેરામીટર્સ સહિતની ક્લિનિકલ સ્થિતિનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

બીજી તરફ સોનમ વાંગચૂકના પત્ની ગીતાંજલિ જે. આંગ્મોએ સફદરજંગ હોસ્પિટલની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલ વહીવટીતંત્ર તેમને તબીબી સ્થિતિ વિશે અધૂરી અને અપારદર્શક માહિતી આપી રહ્યું છે. આ પરિસ્થિતિને જોતા તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને સોનમ વાંગચૂકને કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની તાત્કાલિક મંજૂરી માંગી છે.