IPC કલમ 294 હેઠળ ગુનો નોંધવા અંગે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી; કહી આ મોટી વાત
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ફક્ત ગાળો બોલવી, અપમાનજનક અથવા અશ્લીલ શબ્દોના ઉપયોગને અશ્લીલતા ગણી શકાય નહીં. ભલે તે શબ્દો ગમે તેટલા આપત્તિજનક અથવા અસભ્ય કેમ ના હોય.
જસ્ટિસ સંજય કરોલ અને વિપુલ એમ. પંચોલીની બેન્ચે એક વ્યક્તિની અરજી પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. અરજીમાં હાઈકોર્ટના એ આદેશને પડકારવામાં આવ્યો હતો જેમાં નીચલી કોર્ટ દ્ધારા ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 294 હેઠળ આપવામાં આવેલી સજાને યથાવત રાખવામાં આવી હતી.
બેન્ચે જણાવ્યું હતું કે અપમાનજનક અથવા અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવો પોતે જ આઈપીસીની કલમ 294 હેઠળ અશ્લીલતાનો ગુનો નથી. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, "કોઈ નિવેદનને અશ્લીલ ગણવા માટે તે સાબિત કરવું આવશ્યક છે કે તે કામુક સ્વભાવનું હોય, જાતીયતાને પ્રોત્સાહન આપે છે અને જે લોકો તેને સાંભળે છે કે જુએ છે તેમના મનને દુષિત અને ભ્રષ્ટ કરવાની પ્રકૃતિ ધરાવે છે."
કોર્ટે કહ્યું હતું કે, "જો ફરિયાદમાં લગાવવામાં આવેલા તમામ આરોપો પહેલી નજરે સંપૂર્ણપણે સાચા માનવામાં આવે તો પણ તેમને અશ્લીલ કહી શકાય નહીં." બેન્ચે કહ્યું કે આવા શબ્દો ભલે ગમે તેટલા અપમાનજનક, અપ્રિય અથવા અભદ્ર હોય, ભારતીય દંડ સંહિતાની કલમ 294(B) ની જરૂરી શરતોને પૂર્ણ કરતા નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, "એવો કોઈનો કેસ નથી કે આવા શબ્દોના ઉપયોગથી જાહેર સ્થળે અન્ય લોકોને મુશ્કેલીઓ થઈ, જે આ કલમ લાગુ કરવા માટે જરૂરી શરત છે. ફરિયાદી સામે પણ આવો કોઈ આરોપ નથી. તેથી અમને લાગે છે કે ભારતીય દંડ સંહિતાની કલમ 294(B) હેઠળ ગુનો બનતો નથી."
આ કેસ ઓગસ્ટ 2017માં તમિલનાડુમાં એક કૃષિ જમીન વિવાદ સાથે સંબંધિત છે, જેમાં અરજદાર અને તેના સાળા વચ્ચે વિવાદ થયો હતો. બે દિવસ પછી અરજદારનો ફરિયાદીના ભત્રીજા સાથે પણ તે જ જમીન વિવાદ પર ઝઘડો થયો હતો. ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ, જ્યારે ફરિયાદી દરમિયાનગીરી કરવા આવ્યો ત્યારે અરજદારે તેને ગાળો આપી હતી અને જાતિવાદી ટિપ્પણી કરી હતી.