નવી દિલ્હી: દેશના ચોમાસાની શરૂઆત થયા બાદ ગત વર્ષની સરખામણીએ અનેક રાજ્યોમાં ઓછા પડેલા વરસાદે ચિંતા વધારી છે.જેમાં સેન્ટ્રલ વોટર કમિશનના તાજેતરના અહેવાલ મુજબ દેશભરના 166 મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર ગત વર્ષની સરખામણીમાં નોંધપાત્ર રીતે ઓછું છે. તેમજ દેશના 17 મુખ્ય જળાશયોમાં પાણી સંગ્રહનું સ્તર સામાન્ય ક્ષમતાના 50 ટકા કરતા ઓછું નોંધાયું છે.
આ ડેમોમાં ચંદન ડેમ (બિહાર), કોલ ડેમ (હિમાચલ પ્રદેશ), કૃષ્ણરાજ સાગર, નારાયણપુર, તાતીહલ્લા અને તુંગભદ્ર (કર્ણાટક), પેરિયાર (કેરળ), તાવા (મધ્ય પ્રદેશ), અલિયાર, નીચલી ભવાની અને વૈગાઈ (તમિલનાડુ), કદ્દમ, નાગાર્જુન સાગર અને સિંગુર (તેલંગાણા), મૌદહા (ઉત્તર પ્રદેશ), અને કંગસબતી (પશ્ચિમ બંગાળ)નો સમાવેશ થાય છે.
166 મુખ્ય જળાશયોમાં 3.249 અબજ ઘન મીટર પાણીનો સંગ્રહ
16 જુલાઈના અહેવાલ મુજબ 166 મુખ્ય જળાશયોમાં કુલ 63.249 અબજ ઘન મીટર પાણીનો સંગ્રહ છે. જે તેમની કુલ ક્ષમતાના આશરે 34.46 ટકા છે. જુલાઈની શરૂઆતથી પાણીનું સ્તર ચોક્કસપણે વધ્યું છે. પરંતુ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં સંગ્રહ હજુ પણ ઘણો ઓછો છે.
બિહાર, તેલંગાણા, કર્ણાટક, પંજાબ, પશ્ચિમ બંગાળમાં સ્થિતી ગંભીર
જેમાં બિહાર, તેલંગાણા, કર્ણાટક, પંજાબ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન જેવા રાજ્યો માટે પાણીનું સંકટ ઘેરાયું છે. રાજસ્થાનમાં તેના 693 બંધોમાં પાણીનું સ્તર ક્ષમતાના માત્ર 45.54 ટકા છે. જેમાં ફક્ત સાત બંધ ઓવરફ્લો થયા છે.
અપૂરતા વરસાદને કારણે જળાશયો ભરાઈ શક્યા નથી.
આ દરમિયાન, કેટલાક રાજ્યોમાં ઘણા મુખ્ય જળાશયો તેમના સામાન્ય પાણીના સ્તરના માત્ર 10 થી 30 ટકા જળસ્તર ધરાવે છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ વર્ષે ચોમાસું યોગ્ય રીતે અનેક રાજ્યોમાં નથી પહોંચ્યું. તેમજ અનેક કેચમેન્ટ વિસ્તારોમાં અપૂરતા વરસાદને કારણે જળાશયો ભરાઈ શક્યા નથી.
બિહારના ત્રણ મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર ઓછું
બિહારના ત્રણ મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર સામાન્ય કરતાં ઘણું ઓછું છે. ચંદન જળાશયની સ્થિતિ સૌથી ચિંતાજનક છે. તેમાં સામાન્ય પાણીના સ્તરના માત્ર 5.5 ટકા જેટલું જ બાકી છે. આનાથી સિંચાઈ અને પીવાના પાણીના પુરવઠા બંને પર અસર પડી શકે છે.
નાગાર્જુન સાગરમાં 28 ટકા જળસંગ્રહ
તેલંગાણાના કડમ, નાગાર્જુન સાગર અને સિંગુર જેવા મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર સામાન્ય કરતાં ઘણું ઓછું છે. કડમ ખાતે પાણીનું સ્તર સામાન્ય કરતાં લગભગ 17 ટકા અને નાગાર્જુન સાગરમાં લગભગ 28 ટકા નોંધાયું છે. આ ઉપરાંત કર્ણાટક, પશ્ચિમ બંગાળ, પંજાબ અને ઝારખંડમાં ઓછો જળસંગ્રહ છે.