Thu May 14 2026

Logo

જાણો કોણ હતા દેશના એ વડા પ્રધાન કે જેમણે સોમનાથ મંદિરના પ્રોજેક્ટને 'જોખમી' ગણાવીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રહ્યા ગેરહાજર!

2026-05-11 14:21:00
Author: Darshana Visaria
Article Image

આજે 11મી મે, 2026નો દિવસ હિંદુ સનાતનીઓ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. આજે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં આવેલા હિંદુઓના આસ્થાના કેન્દ્રબિંદુ સમાન સોમનાથ મંદિરની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં તેમણે 'સોમનાથ અમૃતપર્વ'માં ભાગ લીધો હતો. પરંતુ શું તમને ખબર છે કે ભારતના એક વડા પ્રધાન એવા પણ હતા કે જેઓ બરાબર આજના જ દિવસે 75 વર્ષ પહેલાં યોજાયેલા સોમનાથ મંદિરના ઉદ્ઘાટનમાં નહોતા ગયા અને તેમણે એનો વિરોધ પણ કર્યો હતો. ચાલો જોઈએ આખરે જોઈએ કોણ હતા એ વડા પ્રધાન આ પાછળનું કારણ શું હતું... 

1947માં ભારત આઝાદ થયો અને ત્યાર બાદ 11મી મે, 1951ના રોજ સોમનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેને આજે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને આ નિમિત્તે 'સોમનાથ અમૃતપર્વ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ખાસ પ્રસંગે વડા પ્રધાન 11 પવિત્ર તીર્થોના પવિત્ર જળથી ભગવાનનો અભિષેક કર્યો હતો. 

નવમી નવેમ્બર, 1947ના જ્યારે ગુજરાતના રોજ જૂનાગઢ રિયાસતનું ભારતમાં વિલીનીકરણ થયું ત્યારે તત્કાલીન ગૃહ પ્રધાન સરદાર પટેલે સમુદ્રનું પાણી હાથમાં લઈ જર્જરિત મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો હતો. જોકે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સરદારના આ વિચાર સાથે સહમત હતા, પરંતુ તેમણે આ સમયે એવો આગ્રહ રાખ્યો હતો કે મંદિરના નિર્માણમાં સરકારી નાણાં નહીં પણ લોકોના દાનનો ઉપયોગ થવો જોઈએ.

સોમનાથ મંદિરના નિર્માણ મુદ્દે તત્કાલીન વડાપ્રધાન પંડિત નેહરુ અને રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ વચ્ચે મતભેદ સર્જાયા હતા અને આ પણ એક કારણ હતું કે તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ 75 વર્ષ પહેલાં યોજાયેલા સોમનાથ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી નહોતી. 

પંડિત નેહરુની એવી માન્યતા હતી કે આ એક પ્રકારનો 'હિંદુ પુનરુત્થાનવાદ' છે અને તેનાથી ભારતની સેક્યુલર ઈમેજને ઈન્ટરનેશનલ લેવલ પર નુકસાન પહોંતી શકે છે. એટલું જ નહીં પણ એ સમયે તેમણે વિદેશી રાજદૂતોને પત્ર લખીને સ્પષ્ટતા કરી હતી કે સરકારનો આમાં કોઈ હાથ નથી.

વાત આટલેથી જ નથી અટકતી પણ પંડિત નેહરુએ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદને પણ સોમનાથ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં નહીં જવા માટે વિનંતી કરી હતી, પરંતુ ડો. રાજેન્દ્ર પ્રસાદ માન્યા નહીં અને 11મી મે, 1951ના રોજ તેમણે જ સોમનાથના નવનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. 

તમારી જાણકારી માટે કે આ વર્ષ સોમનાથ મંદિરના ઈતિહાસમાં બે અત્યંત મહત્વપૂર્ણ ઘટનાઓનું સાક્ષી બની રહ્યું છે. બરાબર 1000 વર્ષ પહેલાં એટલે કે સન 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કરી તેને લૂંટ્યું હતું અને ઈતિહાસમાં મળતી નોંધ અનુસાર સોમનાથ પર અત્યાર સુધીમાં કુલ 7 વખત હુમલા થયા અને સાત વખત તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું.