મુંબઈ: સંગીતકાર અને દિગ્દર્શક પલાશ મુચ્છલ સાથે ભરમાંડવે લગ્ન તોડી નાખવાને કારણે ચર્ચામાં આવેલી જાણીતી મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાનું નામ હવે ફરી ઊછળ્યું છે. સ્મૃતિના નાનપણના મિત્રએ મુચ્છલ વિરુદ્ધ સાંગલી પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને કારણે સ્મૃતિ ફરી ચર્ચામાં આવી છે અને મુચ્છલની મુશ્કેલી વધવાની શક્યતા ઊભી થઈ છે.
મળતી માહિતી અનુસાર પલાશ મુચ્છલ વિરુદ્ધ સાંગલીના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પાસે આર્થિક છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે. સ્મૃતિ મંધાનાના મિત્ર વિજ્ઞાન માનેએ આ ફરિયાદ કરી હતી.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઍક્ટર માનેએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે મુચ્છલે તેની સાથે 40 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. એક ફિલ્મનું દિગ્દર્શન પોતે કરવાનો હોવાથી તેના પ્રોડ્યુસર તરીકે નાણાં રોકવાની સલાહ મુચ્છલે આપી હતી. આ ફિલ્મ ઓટીટી પ્લૅટફોર્મ પર રિલીઝ થયા પછી પચીસ લાખ રૂપિયાના રોકાણ પર 12 લાખ રૂપિયા સુધીનું વળતર આપવાની ખાતરી મુચ્છલે આપી હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
મુચ્છલની એ ફિલ્મમાં માનેને અભિનયની તક હતી. આ અંગે મુચ્છલે તેને રોલ આપવાની વાત કરી હતી. આ રીતે મુચ્છલે વિશ્ર્વાસ કેળવીને માને પાસેથી 40 લાખ રૂપિયા લીધા હતા. રૂપિયા લીધા પછી મુચ્છલે તેનું વચન પાળ્યું ન હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
આ પ્રકરણે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનું કહેવું છે કે આ મામલે તેમને ફરિયાદ મળી છે, પણ ગુનો નોંધવામાં આવ્યો નથી. પ્રાથમિક તપાસને આધારે ખાતરી કરવામાં આવ્યા પછી વધુ કાર્યવાહી કરવામાં આવશે.