ગાંધીનગરઃ નવ સર્જિત વાવ-થરાદ જિલ્લાને આગામી દિવસોમાં નવું અદ્યતન જિલ્લા સેવા સદન મળશે. આ નવું નિર્માણ થનારું સેવા સદન જિલ્લાના સર્વાંગી વિકાસ ને નવી દિશા આપશે. ૭૭માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીના પ્રથમવાર યજમાન બનેલા વાવ-થરાદ જિલ્લામાં આ મહત્વપૂર્ણ વિકાસ કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે થરાદ ખાતે અંદાજે રૂપિયા ૭૦ કરોડના ખર્ચે ૩૯ એકરના વિસ્તારમાં નિર્માણ થનારા જિલ્લા સેવા સદનનું ભૂમિ પૂજન અને તકતી અનાવરણ સંપન્ન કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી તથા રાજ્ય પ્રધાન સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના દ્રષ્ટિકોણ અનુસાર નાગરિકોને તમામ સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી જિલ્લા મથકોએ જિલ્લા સેવા સદનના નિર્માણનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા આ અભિગમને આગળ ધપાવતા નવ સર્જિત વાવ-થરાદ જિલ્લામાં આ આધુનિક સેવા સદનનું નિર્માણ કરવામાં આવશે.
આ નવા જિલ્લા સેવા સદનમાં જિલ્લા કલેક્ટર કચેરી સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોની 30 થી વધુ જિલ્લા સ્તરીય કચેરીઓ કાર્યરત કરવામાં આવશે. તેના પરિણામે જિલ્લાના નાગરિકોને એક જ સ્થળેથી સરકારના વિવિધ વિભાગોની સેવાઓ સરળતાએ પ્રાપ્ત થશે અને તેમના સમય અને સંસાધનોની બચત થશે તેમજ વહીવટી કાર્યક્ષમતામાં વધારો થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે થરાદ ખાતે અંદાજે ₹70 કરોડના ખર્ચે 39 એકરના વિસ્તારમાં નિર્માણ થનારા જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા રાજ્યમંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન કર્યું હતું.
— CMO Gujarat (@CMOGuj) January 25, 2026
આ નવા જિલ્લા… pic.twitter.com/2Sfd92QWCw
કેવી હશે સુવિધાઓ
વાવ-થરાદ જિલ્લાના આ સેવા સદનનું નિર્માણ ગ્રીન બિલ્ડિંગના ધોરણે કરવામાં આવશે. તેમાં સોલાર રૂફ ટોપ, વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા, વિશાળ મિટિંગ હોલ, અદ્યતન લિફ્ટ તથા બેઝમેન્ટ પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.