શિવ રહસ્ય - ભરત પટેલ
ચંપારણ્ય રાજા ભદ્રાયુ અને રાણી કીર્તિમાલીનીની ધર્મમાં દૃઢતા અને શરણાગતોનું પાલન કરવાની કેટલી ક્ષમતા છે તે જાણવા ભગવાન શિવે એક લીલા રચી. માતા પાર્વતી અને ભગવાન શિવે એ બ્રાહ્મણ અને બ્રાહ્મણીરૂપે પ્રગટ થયાં અને એક માયાવી વાઘનું નિર્માણ કરી રાજા ભદ્રાયુ સામે આવી પહોંચ્યા. વાઘે બ્રાહ્મણીને બળપૂર્વક ઘસડતો ઘસડતો ત્યાંથી દૂર નીકળી ગયો. રાજા ભદ્રાયુ કંઈ કરી ન શક્યા. બ્રાહ્મણે રડતાં રડતાં કહ્યું, ‘હે રાજન! દુ:ખીઓની રક્ષા કરનારું તમારું એ વિશાળ ધનુષ્ય ક્યાં ગયું? તમારી સામે મારી પત્નીને વાઘ ભક્ષણ કરવા ઘસડી ગયો તમે કંઈ ન કરી શક્યા.’ રાજા ભદ્રાયુએ માફી માગી અને કહ્યું હું આપને આધિન છે, બોલો આપ શું ચાહો છો.
’ બ્રાહ્મણ બોલ્યા, હે રાજન! મારી પત્નીને વાઘ ભક્ષણ કરી ગયો મારી પત્ની જતી રહી, મેં કયારેય કામભોગનો ઉપયોગ કર્યો નથી. એટલે કામભોગને માટે તમે તમારી આ રાણી મને આપી દો. રાજા ભદ્રાયુએ તેમને સમજાવતાં કહ્યું, ‘પારકી સ્ત્રીનો સ્પર્શ પુણ્યને નાશ કરનાર અને સ્વર્ગનો દરવાજો બંધ કરનાર કાર્ય છે. આ પાપકર્મ કોઈપણ ધોઈ શકતું નથી. શું તમારે આ આયખું બરબાદ કરવું છે?’ બ્રાહ્મણના વેશમાં ભગવાન શિવે કહ્યું, ‘હે રાજન, હું મારી તપસ્યા અને દૈવીક શક્તિથી બ્રહ્મહત્યા અને મદિરાપાન જેવાં પાપનો પણ નાશ કરી શકીશ, પછી પરસ્ત્રી-સંગમની તો વાત જ ક્યાં રહી. આપ તમારી ભાર્યા મને આપી દો અન્યથા તમે પોતે નિશ્ર્ચિત જ નરકમાં જશો અને બ્રહ્મહત્યાનું પાપ તો ખરું જ!’ આટલું સાંભળતાં જ રાજા ભદ્રાયુએ કીર્તિમાલીનીને બ્રાહ્મણને સોંપી આગ પ્રજ્વલિત કરી. અગ્નિની પરિક્રમા કરી એકાગ્રચિત્તે ભગવાન શિવનું ધ્યાન ધર્યું અને કહ્યું,
‘હે દેવાધિદેવ મહાદેવ! હું મારા જીવનમાં એક પરાક્રમી રાજા તરીકે નિષ્ફળ થયો છું, મારી આંખ સામે બ્રાહ્મણ પત્નીને વાઘ પોતાનો કોળિયો બનાવી ગયો. હું તેને બચાવી ન શક્યો, બ્રાહ્મણ દેવતાની ઇચ્છાને માન આપી મારી પત્ની એમને સોંપી રહ્યો છું. પત્નીને બીજાને સોંપી આ દુનિયામાં રહેવા હું ઇચ્છતો નથી. મને અગ્નિ દેવતાની શરણે જવા અનુમતિ આપો.’ આ રીતે અગ્નિમાં સમાવા તૈયાર થયેલા રાજા ભદ્રાયુને જોઈ ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા અને વરદાન માગવા કહ્યું. રાજા ભદ્રાયુએ કહ્યું, ‘હું ઈચ્છું છું કે હું મારી રાણી, મારા માતા-પિતા, પુત્ર સનય સહિત સૌને આપના અંતેવાસી સેવક બનાવી લો.’ ત્યારબાદ કીર્તિમાલીનીએ તેના પિતા ચંદ્રાંગ અને માતા સીમિન્તને પણ અંતેવાસી સેવક બનાવી લેવાનું વરદાન માંગ્યું.
ભગવાન શિવ અને માતા પાર્વતી ‘તથાસ્તુ’ કહી અંતર્ધાન થઈ ગયા. માનવ જીવન દરમિયાન રાજા ભદ્રાયુ અને કીર્તિમાલીનીએ ભગવાન શિવ અને માતા પાર્વતીની ભક્તિપૂર્વક પૂજા-અર્ચના કરી એક હજાર વર્ષ રાજ્ય કર્યું, ત્યારબાદ પોતાના પુત્રને રાજ્ય આપીને ભગવાન શિવના શિવગણ તરીકે પરમ પદને પ્રાપ્ત કરી શિવ ધામને પ્રાપ્ત કર્યું. આ પરમ પવિત્ર, પાપનાશક અને અત્યંત ગોપનીય ભગવાન શિવના વિચિત્ર ગુણાનુવાદને જે વિદ્વાનોને સંભળાવે છે અથવા સ્વયં પણ શુદ્ધચિત્ત થઈને વાંચે છે, ભણે છે તે આ લોકમાં ભોગ-ઐશ્ર્વર્યને પ્રાપ્ત કરીને અંતે ભગવાન શિવને પ્રાપ્ત
થાય છે.
*
અરણ્યકનાં જંગલોમાં ઋષિ મૃગંદુ અને તેની પત્ની સુતપા એક કુટિર બનાવી રહેતા હતા. ઋષિ મૃગંદુ પ્રખર શિવભક્ત હતા. તેમને શિવદર્શનની ઇચ્છાથી વિશેષ કંઈ નથી. તેઓ શિવદર્શનના એટલા ઇચ્છુક થઈ ગયા હતા કે તેમને શિવભક્તિ સિવાય કંઇ જ સૂઝતું નથી. સવાર-બપોર-સાંજ-રાત કયાં વીતી જતી એ તેમને ખબર નહોતી પડતી. પત્ની સુતપા એકાંકી જીવન વ્યતીત કરી રહી હતી. એક રાત્રે સુતપાને પતિ સહવાસની ઇચ્છા થઈ આવી પણ પતિ ત્યારે પણ શિવલિંગ સમક્ષ બેસી શિવ આરાધનામાં મગ્ન હતા. લગ્નને ઘણાં વરસો વીતી ગયા હોવા છતાં પતિ ઋષિ મૃગંદુએ પતિ ધર્મ નિભાવ્યો નહોતો. સમય વિતતો જતો હતો. એક તેજસ્વી અને શિવભક્ત પુત્રની ઇચ્છા ધરાવતી સુતપા મનથી દુ:ખી થવા લાગી. એને ઘણી વખત વિચાર આવતો હતો કે આવા પ્રખર શિવભક્તને પરણીને પુત્રની કામના કદાય કયારેય પૂરી નહીં થાય. મનમાં ને મનમાં એ દુ:ખી થવા લાગી. એક રાત્રીએ સુતપા ઋષિ મૃગંદુ સમક્ષ આવી.
સુતપા: ‘પતિ પરમેશ્ર્વરાય નમો: નમ: આંખ ખોલો સ્વામી’.
ઘણી વખત બોલાવ્યા બાદ પણ ઋષિ મૃગંદુએ પોતાની આરાધનામાંથી બહાર ન આવ્યાં. કંટાળીને સુતપાએ ઋષિ મૃગંદુનો હાથ પકડી ખેંચી નાખ્યો. ઝટકાથી હાથ ખેંચાતા ઋષિ મૃગંદુનું ધ્યાન સુતપા પર પડયું.
ઋષિ મૃગંદુ: ‘સુતપા તમે આ શું કરી રહ્યાં છો?’
સુતપા: ‘સ્વામિ હું તમને ક્યારનીય બોલાવી રહી છું.’
ઋષિ મૃગંદુ: ‘સુતપા તમને ખબર છે હું ભગવાન શિવના દર્શન માટે આરાધના કરી રહ્યો છું. વચ્ચે વચ્ચે પડી રહેલા વિક્ષેપો યોગ્ય નથી. મારી આરાધના લંબાતી રહેશે.’
સુતપા: ‘સ્વામિ મારી દુર્દશા તો જુઓ. મન-કર્મ-વચનથી ઋષિ સમાજ સમક્ષ તમે મારું વરણ કર્યું છે. લગ્ન બાદ હું એકાંકી અને એકલવાયું જીવન વિતાવી રહી છું. તમે ફક્ત શિવ આરાધનામાં જ વ્યસ્ત છો. જો તમારે બ્રહ્મચર્ય જીવન જ જીવવું હતું તો મારી સાથે લગ્ન શું કામ કર્યાં.’
ઋષિ મૃગંદુ: ‘સુતપા હું પહેલેથી જ લગ્ન ઇચ્છુક નહોતો. તમારી જીદ અને મારી પત્ની બનવાનું ઝુનૂને મને તમારી સાથે લગ્ન કરવા ફરજ પાડી. મારી પત્ની બનવાની તમારી પ્રબળ ઈચ્છા જોઈ તમારા પિતાએ મને તમારી સાથે લગ્ન કરવાનું કહ્યું. તમારા પિતા અને મારા ગુરુને દુ:ખ ન થાય એ માટે મેં તમારી સાથે વિવાહ કર્યા, મારા જીવનનો પ્રથમ અને એકમાત્ર ઉદ્દેશ ભગવાન શિવના દર્શન છે અને ગૃહસ્થાશ્રમ તો ફક્ત વિકલ્પ છે.’
સુતપા: ‘સ્વામિ મેં મારા પિતા સાથે તમને જોયાં તમારામાં એવા ગુણો જોયા કે તમારી સાથે ગૃહસ્થાશ્રમ નિભાવતા એક તેજસ્વી અને શિવભક્ત એવો પુત્ર પ્રાપ્ત કરી શકું, પણ તમે હંમેશાં મારી ઇચ્છાનો અનાદર કર્યો છે. શું એક દિવસ મારી ભાવના સમજી પતિ ધર્મ નિભાવશો?’
ઋષિ મૃગંદુ: ‘સુતપા મેં તને પહેલા જ કહ્યું કે , મારા જીવનનો પ્રથમ અને એકમાત્ર ઉદ્દેશ ભગવાન શિવના દર્શન છે અને ગૃહસ્થાશ્રમ બીજો વિકલ્પ છે. હવે મારી આરાધના પૂર્ણતાના આરે આવી પહોંચી છે. એકાદ મહિનામાં મારી આરાધના પૂર્ણ થઈ જશે. વિશ્ર્વાસ રાખ તારી ઇચ્છા જરૂર પૂર્ણ થશે.’
ક્રોધિત સુતપા ત્યાંથી નીકળી ફરી પોતાની કુટિરમાં જતી રહે અને ઋષિ મૃગંદુ પોતાની આરાધનામાં વ્યસ્ત થઈ જાય છે.
*
કૈલાસ ખાતે માતા પાર્વતી ભગવાન શિવની નિત્ય પૂજામાં વ્યસ્ત હોય છે. નંદી સહિત શિવગણો માતા પાર્વતીને શિવ પૂજામાં મદદ કરતાં હોય છે. એ જ સમયે એક સ્ત્રીનો અવાજ આવે છે. ‘હે શક્તિ સ્વરૂપા માતા પાર્વતી મારી પીડાનો અંત કરો, મારી અતૃપ્ત ઇચ્છાને શાંત કરો માતા, મારી રક્ષા કરો માતા, મારી પીડાનો અંત કરો માતા જગદંબા.’
માતા પાર્વતી: ‘આ તો સુતપાનો સ્વર છે, સ્વામિ મારે તુરંત તેની રક્ષા હેતુ ત્યાં જવું પડશે. મને આજ્ઞા આપો.’
ભગવાન શિવને નમસ્કાર કરી માતા પાર્વતી ત્યાંથી અદૃશ્ય થાય છે.
*
પોતાની કુટિરમાં સુતપાને પોતાની આરાધના કરતી જોઈ માતા ત્યાં પહોંચે છે.
માતા પાર્વતી: ‘શું થયું દીકરી સુતપા, આંખ ખોલો હું તારી સમક્ષ છું.’
સુતપા: ‘મારા પતિ ઋષિ મૃગંદુએ સમસ્ત ઋષિ સમાજ સમક્ષ મારી વરણી કરી હતી, માતા ઘણાં વરસો વીતી ગયાં, મારી ઇચ્છા એક તેજસ્વી અને કલ્યાણકારી પુત્ર પ્રાપ્ત કરવાની છે પણ મારા પતિ મારી ભાવના સમજી શકતા નથી. આટલા વરસો વીતી ગયા હોવા છતાં તેઓ હજી બ્રહ્મચારી છે. માતા મને પુત્રરત્નની પ્રાપ્તિ થાય એવો માર્ગ દેખાડો.’
માતા પાર્વતી: ‘પુત્રી તારે ઋષિ મૃગંદુની આરાધના સમાપ્ત થાય તેની પ્રતીક્ષા કરવી પડશે.’
સુતપા: ‘માતા હવે પ્રતીક્ષા કરવી અસહ્ય થઈ રહી છે.’
માતા પાર્વતી: ‘પુત્રી થોડા જ સમયમાં ઋષિ મૃગંદુની આરાધના સમાપ્ત થશે અને તું એક તેજસ્વી અને જગતનું કલ્યાણ કરનાર એવા પુત્રની માતા બનશે. પ્રતીક્ષાના સમયને અસહ્યથી સુગમ બનાવવાં તું પણ પતિ સાથે ભગવાન શિવની આરાધનામાં વ્યસ્ત થઈ જા. ભગવાન શિવ તારું કલ્યાણ કરશે, તારી મનોકામના પૂર્ણ થશે.’
(ક્રમશ:)