Sun May 17 2026

Logo

સર્જકના સથવારે: મરીઝનો અંદાઝે-બયાન બેમિસાલ છે...

2026-05-17 08:56:00
Author: Ramesh Gohil
Article Image

 

ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર દુનિયાના લોક કેવા મિલનસાર છે 

-રમેશ પુરોહિત

મરીઝ

મરીઝનો લહેજો એવો હતો કે જે ક્યારેય સાંભળવા મળ્યો ન હતો કે કોઈએ ગઝલની વાત આ રીતે માંડી હતી,  અબ્બાસ અબ્દુલઅલી વાસી ‘મરીઝ’ એક એવી હસ્તીનું નામ છે જેના થકી ગુજરાતી ગઝલ હંમેશાં રૂડી દેખાશે. ગુજરાતી ગઝલમાં જે કેટલાક શાયરોએ ગઝલને ગૌરવભર્યું સ્થાન અપાવ્યું એમાં મરીઝના નામ વિશે કોઈ બેમત નથી. જે લોકો મરીઝને મળ્યા છે એ લોકો વ્યક્તિ મરીઝ માટે એક વાત પર સતત સંમત થયા છે કે મરીઝમાં બાળક જેવી નિખાલસતા અને સરળતા છે. શીલ એવી શૈલીની વાત સાચી હોય તો મરીઝની ગઝલમાં પણ આ સરળતા અને નિખાલસતાની બુલંદી છે. સરળતા સાચવીને ચોટ લાવવાની કળા એકલા મરીઝ પાસે જ છે.

મરીઝમાં એક ઘૂટન છે, વ્યથા છે, પીડા છે, વ્યાકુળતા છે પણ આ બધાની અભિવ્યક્તિમાં સરળતા, ગહનતા અને વહનતા હોવાથી આપણે ક્યારેક એમની વાતને હળવાશથી લઈ લેતા હોઈએ છીએ. મરીઝને સમજવાનો પ્રયત્ન કરીએ તો જ એની વ્યાકુળતા રડાવી શકે.
દરેક સર્જકની પોતાની વિશેષતા, ખૂબીઓ અને ખામીઓ હોવાની એટલે સરખામણી કરવાની વાત બાજુ પર રાખીએ. મરીઝ અને ઉર્દૂ કવિઓની વાત આવે ત્યારે કેટલાક ગાલીબ સુધી પહોંચી જાય છે. સર્જનની વાત કરીએ તો મરીઝને મહદ્ અંશે ઉર્દૂ શાયર અખ્તરુલ ઈમાન સાથે સરખાવી શકાય.

અખ્તરુલ ઈમાનને આધુનિક ઉર્દૂ કવિતાના આખરી સરદાર કહેવામાં આવે છે. બધા જાણીતા સર્જકોથી એમની  કવિતામાં પોતાનો એક વિશેષ રંગ છે. એમનામાં આધુનિક પરિસ્થિતિઓ અને ચેતના તથા જીવનદર્શન હોવા છતાં પ્રગતિવાદીઓએ એમને હાંસિયામાં ધકેલી દીધા હતા. ઉદાસી, બેબસી, ડર અને દર્દના વાતાવરણનું પ્રતીક બનીને કવિતા આવે છે. આ સમાનતા બંને શાયરોમાં છે.

મરીઝની વ્યથા અને પીડા પોતે પોષેલી અને અપનાવેલી હોવાથી મરીઝ દર્દના રોદણાં નથી રડતા પણ દર્દ ખમવાની ખુમારી બતાવે છે:

આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન
દે એક મહાન દર્દ અને પારાવાર દે.
શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે.

મરીઝ વાસ્તવિકતાથી દૂર રહીને કલ્પનાના અશ્ર્વો પર સવારી કરનારા શાયર નહતા. એમની રચનાઓમાં સીધી વાત છે. જિંદગીની દાસ્તાન ભાસી અને આભાસી રંગોને ઝળહળાટ નથી પણ નક્કર અને નરી યર્થાથતા મરીઝનું સર્જન બને છે. કોઈ દાદ આપે છે ત્યારે મરીઝ શિકાયત કરે છે અને આ ફરિયાદ સાચી હોવાથી ચોટ સાધે છે.

દાદનો આભાર કિંતુ શિકાયત છે મને મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી. 

મરીઝની નિખાલસતા પારદર્શક છે. આવી નિખાલસતાના દાખલારૂપે ‘આગમન’ની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં છે. એ પ્રારંભમાં કહે છે કે ‘ગઝલના ક્ષેત્રમાં હું મહામહેનતે તે ગોઠવાયો છું. એક તો ઓછું ભણેલો, ભાષા, વ્યાકરણ અને જોડણીનું ખાસ જ્ઞાન નહીં માત્ર ઊર્મિ સંવેદન, અનુભૂતિ અને અવલોકનના બળ પર મેં ગઝલોનું સર્જન કરેલું છે અને તે તમારી સન્મુખ હાજર છે.’

મરીઝ વિશે કોઈએ આલોચના ન કરવી પડે એવો એકરાર એમની વાણીમાં છે:

સંગાથી શાયરો આગળ વધી ગયા કેવા?

જુઓ ‘મરીઝ’ને, જેવો હતો એવો રહ્યો.

શબ્દરમત, ઝાકમઝોળ, વાક્ચાતુરી અને ચમકદમક મરીઝમાં પહેલેથી જ હતી નહીં પણ સરળતાથી ચોટ સાધવાની ખૂબી બરકરાર હતી. મરીઝની ઊર્મિઓ કવિતાની કલામાં ઓતપ્રોત થતી હોવાથી ભાવકને મરીઝની વાત પોતાની વાત હોવાની પ્રતીતિ કરાવે છે:

કલાનું હાર્દ ફક્ત હોય છે નિખલાસતા
ને દાસ્તાન હો દિલની કે હો નજર બાબત

મરીઝ કહે છે કે વાત નજરની એટલે ઉપરછલ્લી હોય અથવા દિલની ગહરાઈઓમાંથી આવતી મર્મસભર હોય પરંતુ નિખાલસતાનો સ્પર્શ થાય તો એ કલા બની જાય છે. મરીઝ પોતાના આ વિચારોને ગઝલમાં રજૂ કરે છે ત્યારે એમની સરળતા કલાત્મક થઈ જાય છે.

એ તો ન બની ન શકતે જગતમાં કલા વિના
સમજાઈ જાય વાત અનુભવ થયા વિના

સાચો સર્જક જે વેદના અને વ્યથા પોતાને થાય છે એનો ખ્યાલ પારકાને કરાવી શકે છે.

ગુજરાતી ગઝલને ધારદર્શક અને પારદર્શક બનાવીને મૂલ્યની દૃષ્ટિએ મરીઝે માતબર પ્રદાન કર્યું છે. ભાષાની વાત કરીએ તો એમણે જાતે સ્વાધ્યાયથી જે કંઈ જાણ્યું તે બોલચાલની સાદી અને સરળ બાનીમાં રજૂ કર્યું. વાણીના વૈભવને નામે શબ્દોની ઝાકમઝોળ મરીઝ પાસે હતી નહીં, એટલે મર્યાદિત જ્ઞાનની મર્યાદા વિશેષતા બની ગઈ. કોઈ પણ સર્જન ચોટદાર, પાણીદાર અને મર્મલક્ષી સરળતાથી બની શકે છે એનું ઉત્તમ ઉદાહરણ મરીઝનું સર્જન છે. જીવનની દર્દનાક, ગજબનાક અને ખોફનાક વ્યથા અસહ્ય હતી એટલે એ ધર્મઉપદેશકને કહે છે:

ઝાહિદ મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ

આવા તબાહીના સીતમથી સુરા અને સુરાલય સુધીની સફરે એમના દુ:ખ દર્દોનો દમામ વધારી દીધો. 

પરંતુ મરીઝે પોતાની આગવી સર્જનશક્તિથી સુરાલય, સાકી, શરાબ વગેરે પરંપરાના પ્રતીકોને નવાનવા અર્થમાં પ્રયોજીને પોતાની સુરા આશિકીને ગુજરાતી ગઝલ માટે વરદાનમાં ફેરવી નાખી છે. મરીઝના આવા કેટલાક શેર જોઈએ:

મજા નથી છતાં પીધા વિના નહીં ચાલે
તરસ વધારી દીધી છે શરાબ આપીને

મરીઝ મજા નથી છતાં પીવાની વાત કરે છે તો એક વખત એ ઝાહિદને પૂછે છે કે મને શરાબ ગમે છે છતાં ક્યારેક કંટાળો આવે છે તો તને નમાઝ વગેરે ક્રિયાકાંડ કરવામાં કંટાળો નથી આવતો? ઝાહિદને શરારતી છતાં અર્થપૂર્ણ સવાલ પૂછીને આ શબ્દના અર્થને નવું પરિમાણ આપે છે:

કહે ઝાહિદ નમાઝ અંગેનો તારો શું અનુભવ છે?
કે અમને તો કદી ગુસ્સો આવે છે 
મદિરા પર

મરીઝનો સવાલ ચેન આપીને બેચેન બનાવે છે. શરાબ અને જિંદગી, નશાની ક્ષણભંગુરતા અને જીવનની પણ એવી જ સડસડાટ ગતિને જલથી શબ્દથી એક અદ્ભુત વહનતા આપીને મરીઝે કહેલો શેર અમર થઈ ગયો છે:
જિંદગીના રસને પીવામાં 
કરો જલદી મરીઝ
એક તો ઓછી મદિરા છે 
ને ગળતું જામ છે.
આ મરીઝ મૂળ સૂરતના નામ અબ્બાસવાસી. સૂરતી મિજાજ, સરળતા અને આડંબર વગરની જિંદગી અને એવું જ સરળ તથા ચોટદાર સર્જન. ગુજરાતી ગઝલ સૂરત-રાંદેરમાં પનપી રહી હતી. ગઝલનો એક માહોલ ઊભો થયો હતો. 

ગુજરાતમાં ગઝલ લોકપ્રિય થવા માંડી કારણ કે ‘મહાગુજરાત ગઝલ મંડળ’ ખૂબ જ સક્રિય હતું. ગામેગામ મુશાયરા થતા. તરહી મુશાયરા થાય જેમાં એક પંક્તિ આપવામાં આવતી અને ગઝલસર્જન થતું. એ અરસામાં મરીઝને ગઝલ લખવાનો વિચાર આવ્યો. મિત્ર અને શાયર અમીન આઝાદે પ્રોત્સાહન આપ્યું અને એક ધન્ય ક્ષણે મરીઝે ગઝલના રંગમંડપમાં પધરામણી કરી અને એક આખો યુગ સર્જાઈ ગયો.   

 (ક્રમશ:)