Tue Aug 25 2026

Logo

ફડણવીસ કેન્દ્રમાં જશે તો મહારાષ્ટ્રને મળશે નવા સીએમઃ રાઉતનો ચોંકાવનારો દાવો

2026-07-17 19:31:00
Author: Mumbai Samachar Team
ફડણવીસ કેન્દ્રમાં જશે તો મહારાષ્ટ્રને મળશે નવા સીએમઃ રાઉતનો ચોંકાવનારો દાવો

નાગપુરઃ મહારાષ્ટ્રના રાજકારણમાં દર અઠવાડિયે નેતા એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની અટકળો જોર પકડે છે, ત્યાર પછી નેતા પણ પક્ષપલટો પણ કરે છે. મહાયુતી અને મહાવિકાસ આઘાડીના સંગઠનને લઈને નેતાઓ ચર્ચામાં રહે છે ત્યારે તાજેતરમાં  શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રના રાજકારણને લઈ સૌથી મોટો દાવો કરતા કહ્યું હતું કે પ્રધાનમંડળના ફેરફાર બાદ દેવેન્દ્ર ફડણવીસ કેન્દ્રમાં જઈ શકે છે અને રાજ્યમાં ભાજપના નવા સીએમ આવી શકે છે

શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે આજે સૌથી મોટો દાવો કર્યો હતો કે જો આગામી મહિનાઓમાં પ્રધાનમંડળમાં ફેરફાર કરવામાં આવે તો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કેન્દ્રમાં જઈ શકે છે અને રાજ્યમાં તેમના સ્થાને ભાજપના કોઈ પ્રધાન આવી શકે છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સેના (યુબીટી) દ્વારા અહીં યોજાનારા 'રામ રક્ષા આંદોલન' અગાઉ નાગપુરની મુલાકાત દરમિયાન સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું હતું.

આગામી એક-બે મહિનામાં કેન્દ્ર તેમ જ રાજ્યમાં સંભવિત પ્રધાનમંડળમાં ફેરફાર અંગે પૂછવામાં આવતા રાઉતે કહ્યું કે તે સંજોગોમાં મહારાષ્ટ્ર સરકારમાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે.

રાઉતે જણાવ્યું હતું કે અયોધ્યાના રામ મંદિરમાં દાનની કથિત ઉચાપત સામે સેના (યુબીટી)એ આવતીકાલે ૧૮ જુલાઈના નાગપુરમાં 'રામ રક્ષા' વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સહિત તમામ "હિંદુત્વવાદી" સંગઠનોને આમંત્રણ આપવામાં આવ્યા છે. 

રાઉતે જણાવ્યું કે વિદર્ભ ક્ષેત્રના વિવિધ ભાગો જેમાં નાગપુર સહિત ૧૧ જિલ્લાઓનો સમાવેશ થાય છે, રામ ભક્તો અને સેના (યુબીટી)ના કાર્યકરો 'રામ રક્ષા' વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે.