Sat Jul 11 2026

Logo

સ્પેનમાં બિલ્લાર્ડા રમતની ટૂર્નામેન્ટ શરૂ થઈઃ અરે! આ તો આપણા ગિલ્લી-ડંડા

Madrid   2026-07-11 18:47:28
Author: Ajay Motiwala
Article Image

મૅડ્રિડઃ બે દિવસથી સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે સ્પેનમાં બિલ્લાર્ડા નામની ટૂર્નામેન્ટ શરૂ થઈ ચૂકી છે. જોકે આ વીડિયો ડાઉનલૉડ કર્યા પછી એમાંની એક સ્પર્ધકે હાથમાં જે ડંડો હતો એ નીચે રાખ્યો ત્યાં જ ખ્યાલ આવી ગયો કે આ તો ભારતની પ્રાચીન `ગિલ્લી-ડંડા'ની રમત છે અને એ ભારતના લગભગ દરેક નાગરિકે નાનપણમાં આ રમતની મોજ માણી હોય છે.

ગયા મહિને સ્પેનમાં `લિગા ગેલગા દ બિલ્લાર્ડા' નામની ચૅમ્પિયનશિપ શરૂ થઈ ત્યારે `એક્સ' પર અને બીજા મીડિયામાં એનો ખૂબ પ્રચાર થયો હતો અને જાણે એવો દાવો કરવામાં આવતો હતો કે આ નિર્દોષ રમત સ્પેનની ઉપજ છે. આ રમત જર્મની સહિત યુરોપના બીજા દેશોમાં પણ રમાય છે. કેટલાક વિદેશીઓનું એવું પણ કહેવું હતું કે `બિલ્લાર્ડા જેવી જ ગિલ્લી-ડંડા નામની રમત ભારતમાં પણ રમાય છે.' ભારતમાં ગિલ્લી-ડંડા ઇન્ટરનેશનલની પણ વર્ષોથી સ્થાપના થઈ છે.

ગિલ્લી-ડંડાનો ઇતિહાસ, પધ્ધતિ અને ફાયદા

જોકે પળવારમાં ભારતના કેટલાક ખેલકૂદપ્રેમીઓએ સ્પષ્ટતા કરી દીધી હતી કે આ રમત એટલે કે ગિલ્લી-ડંડા (Gilli-Danda)નો ભારતમાં જ ઉદભવ થયો હતો અને પછીથી એ સ્પેનમાં બિલ્લાર્ડા (Billarda) નામે પ્રચલિત થઈ હતી. કહેવાય છે કે ગિલ્લી-ડંડાની રમત 2,500 વર્ષથી (મૌર્ય સામ્રાજ્યના સમયકાળથી) ભારતમાં રમાય છે. એમાં સામાન્ય રીતે ડંડો 18થી 24 ઇંચનો અને ગિલ્લી ત્રણથી છ ઇંચની હોય છે. આ રમત સામાન્ય રીતે મેદાનોમાં અથવા ગલીઓમાં રમાય છે.

એમાં નાના ખાડામાં કે પથ્થર પર ગિલ્લી ગોઠવવામાં આવે છે, ડંડો એ ગિલ્લીના આગળના ભાગ પર ફટકારવામાં આવે છે અને હવામાં ઉછળેલી ગિલ્લી નીચે પડે એ પહેલાં એને ડંડાથી બને એટલી જોરથી ફટકારવામાં આવે છે કે જે વધુમાં વધુ દૂર જાય. ગિલ્લી જ્યાં પડે ત્યાં સુધીનું અંતર એ જ ડંડાથી માપવામાં આવે છે અને એ પૉઇન્ટને આધારે સ્પર્ધકોમાં વિજેતા નક્કી કરવામાં આવે છે. જૉ સ્પર્ધક ગિલ્લીને મારવામાં નિષ્ફ્ળ જાય કે તેની ગિલ્લીનો કૅચ ઝીલવામાં આવે તો તે આઉટ ગણાય છે. આ રમતમાં સ્પર્ધકે આંખ-હાથનો સારો તાલમેલ રાખવો પડે છે. આ રમત બાળકોને સક્રિય રાખવામાં મદદરૂપ થાય છે.

ગિલ્લી આવી ગઈ ક્રિકેટના ત્રણ સ્ટમ્પ્સ પર!

કેટલાકે તો ટી-20 ક્રિકેટની આઇપીએલની જેમ ગિલ્લી-ડંડા (બિલ્લાર્ડા)માં પણ લીગ ટૂર્નામેન્ટ શરૂ કરવાનું સૂચન કર્યું હતું. એક વાત તો અહીં ખાસ ઉલ્લેખ કરવાનો કે ક્રિકેટ, બેઝબૉલ અને સૉફ્ટબૉલ જેવી રમતના પાયામાં ગિલ્લી-ડંડાની રમત છે એમ કહીએ તો ખોટું નથી. જોકે ન ગમે એવી એક હકીકત એ છે કે હવે ભારતમાં ગિલ્લી-ડંડા ભાગ્યે જ રમાતા હશે. આ રોમાંચક રમત હવે માત્ર ક્રિકેટના ત્રણ સ્ટમ્પ્સ પરની બે બેલ્સ સુધી સીમિત થઈ ગઈ છે એમ કહીએ તો પણ ચાલે.