Sat Nov 07 2026

Logo

શૅર ટ્રેડિંગમાં આકર્ષક વળતરની લાલચે 1.29 કરોડ રૂપિયાનું ફ્રોડ: બે પકડાયા

2026-11-03 17:44:52
Author: Yogesh C. Patel
શૅર ટ્રેડિંગમાં આકર્ષક વળતરની લાલચે 1.29 કરોડ રૂપિયાનું ફ્રોડ: બે પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
શૅર ટ્રેડિંગમાં આકર્ષક વળતરની લાલચ બતાવી થાણેના રહેવાસી પાસેથી 1.29 કરોડ રૂપિયા કથિત રીતે પડાવવાના સાયબર ફ્રોડમાં પોલીસે નવી મુંબઈથી બે આરોપીને પકડી પાડ્યા હતા.

થાણે સાયબર પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ પ્રદીપ જૈસ્વાલ અને સ્વરાજ શર્મા તરીકે થઈ હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા બન્ને આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

આ રૅકેટમાં સંડોવાયેલા આરોપીએ વૉટ્સઍપ દ્વારા ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો. પછી તેને વિવિધ વૉટ્સઍપ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યો હતો, જેમાં શૅર ટ્રેડિંગમાં રોકાણ કરવાથી મોટો નફો મળવાની ખાતરી આપવામાં આવી હતી.

ફરિયાદીને સ્પેશિયલ ટ્રેડિંગ ઍપ્લિકેશન મોબાઈલ ફોનમાં ડાઉનલૉડ કરવાની ફરજ પડાઈ હતી. પછી આકર્ષક વળતરને નામે 1.29 કરોડથી વધુ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. ફરિયાદીએ નાણાં કઢાવવાનો પ્રયાસ કર્યો ત્યારે છેતરપિંડીની જાણ થઈ હતી.

આ પ્રકરણે થાણે સાયબર પોલીસે ગુનો નોંધી ફરિયાદીએ જે બૅન્ક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં તેની વિગતો પ્રાપ્ત કરી હતી. ઠગાઈ માટે વપરાયેલાં બૅન્ક ખાતાંમાંથી એક નવી મુંબઈની ખાનગી ફાઈનાન્સ બૅન્કમાં હોવાનું જણાયું હતું. તેને આધારે તપાસ કરી પોલીસ બન્ને આરોપી સુધી પહોંચી હતી.

પકડાયેલા આરોપીઓ પાસેથી 34 મોબાઈલ ફોન અને અનેક સિમ કાર્ડ્સ, વિવિધ બૅન્કની 15 ચેકબુક અને પાસબુક, 10 એટીએમ કાર્ડ તેમ જ બે લૅપટોપ જપ્ત કરવામાં આવ્યાં હતાં. એ સિવાય કંપનીને નામે નોંધણી કરાયેલા કેવાયસી દસ્તાવેજો, નોંધણી સર્ટિફિકેટ્સ, આધાર કાર્ડ સંબંધી દસ્તાવેજો પણ હસ્તગત કરાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

વધુ જુઓ...