Thu Nov 19 2026

Logo

દિયા મિર્ઝાના દિવાળી વીડિયો અંગે હાઇ કોર્ટનો આદેશ ન્યાયતંત્રમાં વિશ્વાસ મજબૂત કરે છે: એનસીપી (એસપી)

2026-11-03 17:52:19
Author: Mumbai Samachar Team
દિયા મિર્ઝાના દિવાળી વીડિયો અંગે હાઇ કોર્ટનો આદેશ ન્યાયતંત્રમાં વિશ્વાસ મજબૂત કરે છે: એનસીપી (એસપી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા અભિનેત્રી દિયા મિર્ઝાનો પર્યાવરણ-અનુકૂળ દિવાળી અપીલ વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાના નિર્ણય સામે બોમ્બે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. મુંબઈ મહાનગરપાલિકાને અભિનેત્રી દિયા મિર્ઝાનો દિવાળી અપીલ વીડિયો ફરીથી અપલોડ કરવાનો નિર્દેશ આપતા બોમ્બે હાઈ કોર્ટના આદેશથી દેશની ન્યાયિક વ્યવસ્થામાં વિશ્વાસ વધુ મજબૂત થયો હોવાનું એનસીપી (એસપી)એ જણાવ્યું હતું.

બીએમસી દ્વારા મિર્ઝાની વીડિયો ક્લિપ દૂર કરવા અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે એનસીપી (એસપી)ના રાષ્ટ્રીય પ્રવક્તા અને સચિવ ક્લાઈડ ક્રાસ્ટોએ આરોપ કર્યો હતો કે ભાજપ, મુંબઈ એકમના પ્રમુખ અમિત સાટમ, શહેરના મેયર રિતુ તાવડે અને અન્ય લોકોએ બધા દ્વારા ઉજવાતા ધર્મનિરપેક્ષ તહેવારને સાંપ્રદાયિક મુદ્દામાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. હાઈ કોર્ટના નિર્ણયથી લોકોને ફરી બંધારણમાં વિશ્વાસ બેસશે.

બીએમસીના પર્યાવરણને અનુકૂળ અને ફટાકડા મુક્ત દિવાળી ઝુંબેશ માટે મિર્ઝાના વીડિયો પરના વિવાદ પ્રત્યે તીવ્ર દુઃખ નારાજગી વ્યક્ત કરી હાઈ કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને કેટલાક ભાજપના નેતાઓ અને મેયર તાવડે દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓને પગલે સોમવારે ડિલીટ કરાયેલી વીડિયો ક્લિપ ફરીથી અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સાટમના વાંધા અને તાવડેની ટિપ્પણીઓ બાદ બીએમસીએ આ વીડિયો દૂર કરી દીધો હતો.