રાજકોટ: હાલ આખા દેશમાં લદ્દાખના પર્યાવરણ અને શિક્ષણવાદી સોનમ વાંગચૂકના દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલી અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળની સૌથી વધુ ચર્ચા છે. NEET પેપર લીક મુદ્દે નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્ર સરકારના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે. ત્યારે આ દરમિયાન ઘણા રાજનેતાઓએ ગાંધીજીના ઉપવાસ આંદોલનની ચર્ચા કરી રહ્યા છે.
મહાત્મા ગાંધીની રાષ્ટ્રીય આંદોલનમાં ભૂમિકા રહી છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીયો માટે શરૂ કરેલા આંદોલનમાં સફળ થયા બાદ મહાત્મા ગાંધી ભારત પરત ફર્યા અને તેમણે ભારતમાં પણ અંગ્રેજ સત્તાની સામે અહિંસક આંદોલનની શરૂઆત કરી હતી. ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, બોરસદ કે બારડોલી સત્યાગ્રહ સહિતના આંદોલન કરેલા. જો કે આ તમામ આંદોલન સીધી રીતે અંગ્રેજ સરકારની સામેના હતા પણ મહાત્મા ગાંધીએ રાજકોટમાં દેશી રાજ્યોના પ્રશ્ન પર જ રજવાડાની સામે મોરચો માંડ્યો હતો.
રાજકોટ અને ગાંધીજીનો ખૂબ જ જૂનો નાતો રહ્યો હતો. કારણ કે ગાંધીજીએ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં તેમનું માધ્યમિક શિક્ષણ લીધું હતું. અંગ્રેજ શાસન દરમિયાન રાજકોટ સમગ્ર કાઠિયાવાડ માટે એક મહત્વનું કેન્દ્ર બની ગયું હતું. દેશમાં આઝાદીની ચળવળ જોર પકડી રહી હતી તે દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ જાગૃતિનો સંચાર થયો હતો. ત્યારે વર્ષ 1938-39 ના વર્ષમાં લોકો ઉપર અત્યાચારો થવાથી જવાબદાર રાજ્યતંત્ર મેળવવા માટે થયેલ એક સત્યાગ્રહ શરૂ થયો હતો.
રાજકોટના ઠાકોર લાખાજીરાજ આમ પ્રજાપ્રેમી અને પ્રગતિશીલ વિચારો ધરાવતા રાજવી હતા. તેમના શાસનકાળ દરમિયાન રાજકોટમાં પ્રજાપ્રતિનિધિ સભાની સ્થાપના કરવામાં આવી હતી અને તે ઉપરાંત અંગ્રેજોની સત્તા હોવા છતાં તેમણે ગાંધીજીનાં રચનાત્મક કાર્યોને આવકાર્યા હતા. પરંતુ તેમના અવસાન બાદ તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહજીને ગાદી મળી અને રાજ્યનો કારભાર દીવાન દરબાર વીરાવાળાને હાથ આવી. તેમણે કરવેરા જીવનજરૂરી વસ્તુઓ પર વેરા નાખ્યા, જુગારના પરવાના આપ્યા અને આથી પ્રજામાં તેનો વિરોધ ફાટ્યો હતો.
આ દરમિયાન રાજ્યની માલિકી હેઠળની મિલમાં મજૂરો પાસેથી દસથી બાર કલાક જેટલું કામ લેવામાં આવતું હતું. પ્રજામાં જાગેલા અસંતોષને ડામવા માટે દીવાન વીરાવાળાની વાતમાં આવીને ઠાકોરસાહેબે પોલીસને છૂટો દોર આપેલો. તેનો વિરોધ થયો અને અંતે રાજ્યએ માંગણીઓ સ્વીકારીને લડત પૂરી કરી દીધી. જો કે કાઠિયાવાડ રાજકીય પરિષદે દીવાનની કામગીરી અંગે મુંબઈના દૈનિકોમાં જાગૃતિ ફેલાવી, બાદમાં ફરી રાજકોટમાં આગેવાનો પર દમન થયું, જેલમાં પુરાયા અને અંતે સરદાર પટેલે આંદોલનને સમર્થન આપ્યું. આથી વિરા વાળાએ સ્થિતિને સમજીને આગેવાનોને જેલમાંથી છોડી મૂક્યા. જો કે બાદમાં પ્રજા અને રાજ્ય વચ્ચે ફરીથી સંઘર્ષ ઊભો થયો હતો.
ધીમે ધીમે રાજકોટણો પ્રશ્ન આખા હિન્દનો પ્રશ્ન બની રહ્યો હતો, રાજકોટની પરિસ્થિતિની ગંભીરતાને જોઈને ગાંધીજીએ રાજકોટ આવીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને પ્રજાને ન્યાય અપાવવા માટે 1939માં ઉપવાસ શરૂ કર્યા હતા. આ ઘટનાથી દેશભરમાં ચિંતા પ્રસરી હતી, જેના અંતે વાઇસરૉયની મધ્યસ્થીથી મુખ્ય ન્યાયમૂર્તિ મૉરિસ ગ્વાયર દ્વારા આ બાબતે ચુકાદો આપવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ પણ કોઇ સર્વ સંમત ચુકાદો નહોતો મળ્યો. આ સત્યાગ્રહમાં ખૂબ જ કાવાદાવા ખેલાયા, સમાધાનો થયા, શરતોનો સ્વીકાર કરીને ભંગ કરાયો. અંતે આખી અંગ્રેજ સરકાર સામે ક્યારેય હાર નહિ માનનારા મહાત્મા ગાંધીને ‘હું હાર્યો’ એમ કહેવાની ફરજ પડી હતી.