શિંકાનસેન પ્રોજેક્ટમાં વિલંબ માટે ભારતને જવાબદાર ગણાવતા જાપાની નેતાના દાવાને વિદેશ મંત્રાલયે પાયાવિહોણો ગણાવ્યો
નવી દિલ્હી/ટોકિયોઃ ભારતીય રેલવેમાં એક પછી એક નવી નવી સેમી હાઈ સ્પીડ ટ્રેનની એન્ટ્રી થઈ રહી છે, ત્યારે સરકાર બુલેટ ટ્રેન દોડાવવા માટે તૈયારીઓ હાથ ધરી છે. ભારતીય રેલવેના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેનના પ્રકલ્પને પાર પાડવા માટે અનેક પ્રકારના અવરોધો આવી રહ્યા છે, તેનાથી ટ્રેન પ્રકલ્પને સાકાર કરવામાં નિર્ધારિત ડેડલાઈનમાં પાર પાડવાની મુશ્કેલી છે, ત્યારે એના અંગે જાપાનના પૂર્વ પ્રધાનના દાવાને લઈ બંને દેશ વચ્ચે અરસપરસ નવા વિવાદનું નિર્માણ થયું છે.
ભારતે જાપાનના એક ભૂતપૂર્વ મંત્રીના એ નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો, જેમાં તેમણે હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું. ભારતે તેને એક વ્યક્તિગત અભિપ્રાય ગણાવ્યો, જે હકીકતોથી ઘણો દૂર છે. જાપાનના ભૂતપૂર્વ ન્યાય પ્રધાન અને શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય હિદેકી માકિહારાએ ઈન્ડો-જાપાની શિંકાનસેન પ્રોજેક્ટમાં વિલંબ માટે ભારતને દોષિત ઠેરવ્યું હતું.
તેમણે લખ્યું હતું કે ભારતમાં શિંકાનસેન પ્રોજેક્ટ એક એવી બાબત છે જેમાં હું વ્યક્તિગત રીતે સામેલ હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય બેઠકો અને વાટાઘાટોમાં જે બહાર આવ્યું તે ભારતીય પક્ષની સંપૂર્ણ બેદરકારી હતી, જે વારંવાર કરવામાં આવી હતી. તેઓ વચનો પાળતા નથી પછી ભલે ગમે તે થાય. જો તેઓ વચન આપે તો પણ તેઓ તરત જ તેને પલટી દે છે." માકિહારાએ પ્રભારી મંત્રી પર ખૂબ જ ખરાબ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ અંત સુધી પોતાના ફાયદા માટે કામ કરતા રહ્યા. ઈન્ચાર્જ મંત્રી તો ખૂબ જ ખરાબ હતા. જો ટોચની વ્યક્તિ આવી હોય તો કોઈ સારો સોદો થઈ શકે નહીં. એ તમામ જાપાની લોકોના સન્માનમાં જેમણે ખૂબ દિલથી કામ કર્યું. મારે એ કહેવું પડશે કે મને 100 ટકા લાગે છે કે આનું આગળ ન વધવા પાછળનું કારણ સંપૂર્ણપણે ભારતીય પક્ષ છે.
વિદેશ મંત્રાલયે આજે હિદેકી માકિહારાના દાવાઓને ફગાવી દેતા કહ્યું કે તે તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે અને હકીકતોથી તદ્દન અલગ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું કે અમે પોસ્ટ જોઈ છે. આ તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે અને હકીકતોથી તદ્દન અલગ છે. મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ ટ્રેન પર ભારત-જાપાન વાટાઘાટો સારી રીતે આગળ વધી રહી છે.
MEA statement on MAHSR Project : India Japan discussions on Mumbai Amdavad high speed train are progressing well.
— NHSRCL (@nhsrcl) July 17, 2026
Japan will provide E10 series train in early 2030s. The train is still under development.
Meanwhile construction work has rapidly progressed. First section will… pic.twitter.com/wztxfIK6Rf
નોંધનીય છે કે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે ભારત તેની પ્રથમ બુલેટ ટ્રેન સેવાના પ્રથમ તબક્કાનું સંચાલન 15 ઓગસ્ટ, 2027થી શરૂ કરશે. વૈષ્ણવે જણાવ્યું હતું કે સ્પીડ રેલ કોરિડોર તબક્કાવાર ખુલશે, જેની શરૂઆત સુરત-બિલીમોરા સેક્શનથી થશે. બાદમાં એક લેખિત નિવેદનમાં વિદેશ મંત્રાલયે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કર્યો હતો.