ધાર: મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ભોજશાળા સંકુલની બહાર નમાઝ પઢવાના નિર્ધારિત સ્થળ અંગે વિવાદ ઉભો થયો છે. જેમાં કોર્ટના આદેશ અનુસાર, વહીવટીતંત્ર દર શુક્રવારે મુસ્લિમ સમુદાયને નમાઝ પઢવા માટે ભોજશાળા સંકુલની નજીક જમીન પૂરી પાડવાનો છે. જોકે, વહીવટીતંત્રે આ હેતુ માટે બે કિલોમીટર દૂર જમીન ફાળવી છે. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે.
જમીન બે કિલોમીટર દૂર આપ્યાનો આક્ષેપ
આ અંગે મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જિલ્લા વહીવટીતંત્રે મુસ્લિમ સમુદાયને શુક્રવારની નમાઝ માટે ચાલીસ પીર સંકુલની અંદર જમીન ફાળવી છે. જોકે, મુસ્લિમ સમુદાયનો દાવો છે કે કોર્ટે ભોજશાળા સંકુલની નજીક પ્રાર્થના સ્થળની જોગવાઈ કરવાનો આદેશ આપ્યો હતો.પરંતુ તેમને ફાળવવામાં આવેલી જમીન બે કિલોમીટર દૂર આવેલી છે. મુસ્લિમ પક્ષે ચાલીસ પીર દરગાહમાં નમાઝ પઢવાનો ઇનકાર કર્યો છે અને સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કહી છે.
જમીન ચાલીસ પીર નજીક સ્થિત
આ અંગે ધાર જિલ્લા વહીવટીતંત્ર અને મુસ્લિમ સમુદાય વચ્ચે થયેલી બેઠક બાદ, વહીવટીતંત્રે ચાલીસ પીર સંકુલ પરિસરને શુક્રવારની નમાઝ માટે બપોરે 1:00 થી 3:00 વાગ્યા સુધી ફાળવવાનો નિર્ણય લીધો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન થયેલી ચર્ચાના આધારે, માલીવાડા ગામમાં સર્વે નંબર 664 તરીકે નિયુક્ત જમીન જે ચાલીસ પીર નજીક સ્થિત છે. જે નમાઝ માટે આપવામાં આવી છે.
300 મીટરની મર્યાદામાં કોઈ જમીન ઉપલબ્ધ નથી
ધારના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જણાવ્યું હતું કે, તેમની જાણકારી મુજબ આ જમીન 300 મીટર ત્રિજ્યાની બહાર છે. તેમજ 300 મીટરની મર્યાદામાં કોઈ જમીન ઉપલબ્ધ નથી. તેમજ આ અંગે મુસ્લિમ સમુદાયને જાણ કરવામાં આવી હતી.