Sat Jul 11 2026

Logo

ફરી જૉકોવિચનું સપનું તૂટ્યું: યાનિક સિનરે ઈટલી માટે આ નવો ઇતિહાસ રચ્યો

London   2026-07-11 11:55:00
Author: Ajay Motiwala
Article Image

લંડન: 25મા વિક્રમજનક ગ્રેન્ડ સ્લૅમ ટાઈટલની થોડા વર્ષોથી તલાશ કરી રહેલા સર્બીયાના નોવાક જૉકોવિચે શુક્રવારે ફરી એકવાર નિરાશ થવું પડ્યું હતું. વિમ્બલડનની સેમિ ફાઇનલમાં ઈટલીના વર્લ્ડ નંબર વન યાનિક સિનરે તેને હરાવીને સતત બીજી વખત આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. વિમ્બલડનની સિંગલ્સની ફાઇનલમાં એક કરતાં વધુ વખત પહોંચનાર સિનર (Sinner) પ્રથમ ઈટાલિયન ખેલાડી બન્યો છે.

2025ની સાલના વિજેતા 24 વર્ષીય સિનરનો 39 વર્ષીય જૉકોવિચ (Djokovic) સામે શુક્રવારે 6-4, 6-4, 6-4થી વિજય થયો હતો. રવિવારની ફાઇનલમાં સિનરનો મુકાબલો જર્મનીના 29 વર્ષીય ઍલેક્ઝાન્ડર ઝવેરેવ સામે થશે. ઝવેરેવે સેમિ ફાઈનલમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીથી વિમ્બલડનમાં રમનાર બ્રિટનના આર્થર ફેરીને 7-6 (7-0), (6-2), (6-4)થી હરાવ્યો હતો.

સિનર સામે હારી જવાને કારણે જૉકોવિચ વિક્રમજનક આઠ વખત વિમ્બલ્ડનનું સિંગલ્સનું ટાઈટલ જીતવાના રોજર ફેડરરના રેકૉર્ડની બરાબરી કરવાથી પણ વંચિત રહી ગયો હતો.

ઝવેરેવ સામે સિનરનો રેકૉર્ડ ખૂબ સારો

ચાર ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલા સિનરની શુક્રવારે 99મી ગ્રેન્ડ સ્લૅમ મૅચ હતી. રવિવારની ફાઈનલ તેની 100મી ગ્રેન્ડ સ્લૅમ મૅચ બનશે. ઝવેરેવ સામે સિનરનો રેકૉર્ડ બહુ સારો છે. સિનરે તેને 14માંથી 10 મૅચમાં હરાવ્યો છે.

મહિલાઓમાં આજે ચેક રિપબ્લિકની બે ખેલાડી વચ્ચે ફાઈનલ

વિમ્બલડન ચેમ્પિયનશિપમાં આજે મહિલાઓની ફાઇનલમાં ચેક રીપબ્લિકની બે ખેલાડી (કૅરોલિના મુહોવા અને લિન્ડા નોસ્કૉવા) એકમેક સામે રમશે. ચેક રિપબ્લિકના ઈતિહાસમાં આવું પહેલી વખત બની રહ્યું છે. ચેક રિપબ્લિક વતી અગાઉ રમી ચૂકેલી નામાંકિત મહિલા ખેલાડીઓમાં માર્ટિના નવરાતિલોવા, હાના માંડલિકોવા, યાના નોવોટના, પેટ્રા ક્વિટોવા, માર્કેટા વોન્દ્રોસૉવા અને બાર્બોરા ક્રેચિકોવાનો સમાવેશ હતો.