Sat Jul 18 2026

Logo

પ્રદૂષણથી બચાવવા ગુજરાત હાઇ કોર્ટનો મોટો આદેશઃ ઈકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકો

2026-07-17 22:31:39
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદઃ ગુજરાતના પ્રખ્યાત પ્રકૃતિધામ અને યાયાવર પક્ષીઓના આશ્રયસ્થાન ગણાતા નળ સરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય હવે પ્રવાસીઓના પ્લાસ્ટિકના કચરાથી મુક્ત બનશે. ગુજરાત હાઇ કોર્ટમાં દાખલ કરાયેલી એક જાહેર હિતની (પીઆઈએલ) અરજી પર સુનાવણી કરતા અદાલતે સરકારને આ ઈકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો કડક આદેશ કર્યો છે. કોર્ટના આ આદેશ બાદ હવે અહીં આવતા પર્યટકોએ મોજમસ્તીની સાથે પ્રકૃતિ પ્રત્યે જવાબદારી પણ નિભાવવી પડશે.

પક્ષીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં નહીં ચલાવી લેવાય

હાઇ કોર્ટે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને ખૂબ જ મહત્વની ટકોર કરી હતી. સામાન્ય રીતે પ્રવાસીઓ પક્ષી અભ્યારણ્યમાં પિકનિક મનાવવા જાય ત્યારે પોતાની સાથે લાવેલી ખાણીપીણીની વસ્તુઓ પક્ષીઓને ખવડાવતા હોય છે, જે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. કોર્ટે આ અંગે લાલ આંખ કરતા જણાવ્યું છે કે, "લોકોને જમવાની ના નથી, પરંતુ પક્ષીઓને બહારની વસ્તુઓ ખવડાવવાનું તદ્દન બંધ થવું જોઈએ અને ખાવા-પીવાની પ્રવૃત્તિને આ ઈકો સેન્સિટિવ ઝોનથી દૂર રાખવી પડશે."

બોટિંગ કરાવતા નાવિકોને ફરજિયાત લાઇસન્સ લેવું પડશે

આ પર્યાવરણીય સુધારાનો હેતુ પ્રવાસન કે બોટિંગ બંધ કરવાનો નથી, પરંતુ તેને વધુ સુરક્ષિત અને નિયમિત બનાવવાનો છે. આ સરોવરોમાં બોટિંગ કરાવતા નાવિકો માટે લાઇસન્સ ફરજિયાત કરવા અને મુલાકાતીઓએ પોતાની સાથે પ્લાસ્ટિકની બોટલો લાવવાને બદલે ફરજિયાત સ્ટીલની બોટલનો ઉપયોગ કરે તેવી અપીલ કરી છે. 

કોર્ટના આદેશ બાદ GPCB અને સરકારી તંત્રો જાગ્યાં

કોર્ટના કડક વલણ બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને સરકારી તંત્રો સફાળા જાગ્યા છે. સરકારે કોર્ટને ખાતરી આપી છે કે તેઓ આ અંગે એક વ્યાપક પોલીસી બનાવી રહ્યા છે. બીજી તરફ થોળ પક્ષી અભ્યારણ્યની આસપાસ પ્રદૂષણ ફેલાવતી ઔદ્યોગિક વસાહતો સામે બોર્ડે સપાટો બોલાવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરતી ફેક્ટરીઓને ક્લોઝર નોટિસ ફટકારીને સીલ કરી દેવામાં આવી છે. 

આ સાથે સરકારી અધિકારીઓ દ્વારા ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક પણ યોજવામાં આવી હતી, જેમાં હવે ગુજરાત હાઈ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો પ્રમાણે કામગીરી શરૂ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.