Sat Jul 18 2026

Logo

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ પ્રોજેક્ટ અંગે સૌથી મોટી અપડેટ: આ વર્ષથી શરૂ થશે દેશની પહેલી બુલેટ ટ્રેન

2026-07-17 18:06:37
Author: Mumbai Samachar Team
Article Image

ભારત અને જાપાન વચ્ચેના ખાસ કરારથી મુસાફરોને મળશે મોટી ભેટ

નવી દિલ્હીઃ દેશમાં હાઈડ્રોજન ટ્રેનને વિધિવત્ રીતે શરુ કરવામાં આવ્યા પછી હવે સૌથી પહેલી બુલેટ ટ્રેનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે ગુડ ન્યૂઝ છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટટ્રેન વર્ષ 2027માં શરૂ થાય એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. બુલેટ ટ્રેન મુદ્દે ભારત અને જાપાન વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ છે. આ પ્રોજેક્ટનું પહેલું સેક્શન વર્ષ 2027માં શરૂ થઈ શકે છે. 

આ માટે તૈયાર થનારા હાઈસ્પીડ કોરિડોરનું કામ ધીમે ધીમે અંતિમ તબક્કામાં છે અને આ માટે ભારત અને જાપાને બુલેટ ટ્રેનનું સંચાલન કરવા માટે નિર્ણય કર્યો છે. બન્ને દેશે સાથે રહીને પ્રોજેક્ટની ટાઈમલાઈનને લઈ નિર્ણય કર્યો છે. આ એક પોલિસી આધારિત ફેરફાર હોવાનું માનવામાં આવે છે જેનો સીધો ફાયદો ગુજરાત અને મહારાષ્ટ્રને થવાનો છે. 

પહેલા તબક્કામાં કઈ ટ્રેન દોડશે?

જાપાનથી મળનારી ટ્રેન વર્ષ 2030માં આવશે તો વર્ષ 2027માં શરૂ થનારા પહેલા તબક્કામાં કઈ ટ્રેન દોડશે? આ સવાલનો જવાબ આખરે સ્પષ્ટ થયો છે. કેટલીક ભૌગોલિક પરિસ્થિતિની અડચણ દૂર કરવા ભારત અને જાપાન બન્નેએ સાથે મળીને એક મોટી સમજૂતી કરી છે. આ સમજૂતી પર બન્ને દેશો સહમત થયા છે. શરૂઆતના તબક્કામાં ભારતીય હાઈસ્પીડ ટ્રેનને ગ્રીન સિગ્નલ આપીને શરૂ કરવામાં આવશે. બન્ને દેશ હાઈસ્પીડ રેલ કોઈ પ્રકારના વિલંબ વગર શરૂ કરવા માગે છે. 

જાપાન E10 સિરીઝની બુલેટ ટ્રેન આપશે

બન્ને દેશે કરેલા સંકલ્પથી દેશના વિકાસને વધુ વેગ મળી રહેશે અને રેલવેનું આંતરમાળખું મજૂબત બનશે સાથે ક્નેક્ટિવિટી પણ મળશે. મેગા પ્રોજેક્ટ અંતર્ગત ભારતને મળનારી ટ્રેનને લઈને કેટલીક ટેક્નિકલ બાબતો પર કામ ચાલું છે. એક રિપોર્ટ અનુસાર જાપાન ભારતને પોતાની અતિ આધુનિક E10 સિરીઝની બુલેટ ટ્રેન આપશે. ખાસ વાત એ છે કે, આ એડવાન્સ E10 સિરીઝની ટ્રેન હજુ પણ ચાલું કંડિશનમાં છે. હજુ પણ ટ્રેક પર દોડી રહી છે.

 

જાપાનની બુલેટ ટ્રેન આવતા કેટલો સમય?

આ જ કારણ છે કે, જાપાન દ્વારા ભારતને વર્ષ 2030 બાદ આ ટ્રેન આપી શકાશે.ટેકનિકલ કારણોસર જાપાન મૂળની આ ટ્રેન ભારત આવતા હજું વર્ષો લાગશે.બુલેટ ટ્રેનને લઈને જે પાયાનું માળખું છે એ હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે. ગ્રાઉન્ડ લેવલ પર આનું કામ ચાલી રહ્યું છે. સરકારી એજન્સીના રિપોર્ટ અનુસાર આ યોજનાએ ગતિ પકડી છે ખાસ કરીને ટેક્નિકલ પાસાને પ્રાથમિકતા આપીને કામ કરવામાં આવી રહ્યું છે. 

વર્ષ 2027માં હાઈ સ્પીડ રેલ અંતર્ગત પહેલું સેક્શન લોકો માટે પણ ખુલ્લુ મૂકી દેવામાં આવશે. આ માટે મહારાષ્ટ્ર સેક્શનમાં કામ ચાલી રહ્યું છે અને ગુજરાત સેક્શનમાં કામ ખતમ થવાની દિશામાં છે. જાપાન ભારતને પહેલી ટ્રેનની ડિલિવરી આપશે. એ પછી આ ટ્રેન મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડશે.