સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોએ જગાવી ચર્ચા...
નવી દિલ્હી: રાજકીય પાર્ટીઓના નેતાઓ સતત પોતાના પક્ષની નીતિનું સમર્થન અને સામેના પક્ષની નીતિના કટ્ટરભાવે વિરોધ કરતાં હોય છે. જો કે પણ અમુક વખત એવા કિસ્સાઓ બને કે જેમાં પક્ષ અને વિપક્ષના નેતાઓ એક મંચ પર દેખાઈ આવે ત્યારે આ મુદ્દો પણ ચર્ચામાં આવતો હોય છે. આજે આવી એક જ ઘટના રાજકીય ઓટલે ખૂબ ચર્ચાઇ રહી છે.
આજે ચંદીગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાં આયોજિત કાર્યક્રમમાં 4,700 કરોડ રૂપિયાથી વધુની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. જોકે, મુખ્ય આકર્ષણનું કેન્દ્ર મંચ પરની બેઠક વ્યવસ્થા રહી હતી, જ્યાં વડાપ્રધાનની બાજુમાં કેન્દ્રીય પ્રધાનો સાથે કોંગ્રેસના સ્થાનિક સાંસદ મનીષ તિવારીની હાજરીએ સૌને ચોંકાવી દીધા હતા.
पंजाब में चन्नी और रंधावा का आपस में कलेश होते देख
— Hardik Bhavsar (@Bitt2DA) July 17, 2026
मोदी जी ने मौके पे चौका लगाते हुए जालंधर की रेली
में कट्टर कांग्रेसी मनीष तिवारी को हैक कर लिया 😂 pic.twitter.com/slcaVzhNZD
સામાન્ય રીતે પ્રોટોકોલ મુજબ વડાપ્રધાનના પ્રવાસમાં સ્થાનિક સાંસદની ઉપસ્થિતિ રહેતી હોય છે, પરંતુ અગાઉના અનેક પ્રસંગોએ વિરોધ પક્ષના સાંસદોની ગેરહાજરી જોવા મળી હતી. આ દ્રષ્ટિએ જોઇએ તો મનીષ તિવારીનું મંચ પર બેસવું અને ત્યારબાદ વડાપ્રધાન મોદી સાથેની તેમની હસતાં મોઢાની મુલાકાત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ મુલાકાતનો વીડિયો વાયરલ થતાં જ પંજાબના રાજકારણમાં અનેક ચર્ચાઓ તેજ બની છે.
આ મુલાકાત મુદ્દે થઈ રહેલી રાજકીય ચર્ચાઓ એટલે પણ થઈ રહી છે કારણ કે તાજેતરમાં જ મનીષ તિવારીએ પંજાબ કોંગ્રેસમાં પોતાની ઉપેક્ષા થતી હોવાનો પરોક્ષ રીતે ઇશારો કર્યો હતો. સંગઠનાત્મક ફેરફારોમાં જવાબદારી ન મળવાથી નારાજ તિવારીએ પાર્ટીની આંતરિક સ્થિતિ પર ટિપ્પણી કરી હતી, જેનો ભાજપે પણ ભરપૂર લાભ લીધો હતો. બીજી તરફ, તાજેતરમાં અન્ય કોંગ્રેસી નેતાઓની કેન્દ્રીય નેતૃત્વ સાથેની મુલાકાતો બાદ તિવારીનું વડાપ્રધાન સાથે આ રીતે જોવા મળવું રાજકીય દ્રષ્ટિએ અત્યંત સૂચક માનવામાં આવી રહ્યું છે.
તો બીજી બાજુ ભાજપ માટે પંજાબ આગામી સમયમાં સૌથી મોટો રાજકીય પડકાર બની ગયો છે, જેના માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોતે મોરચો સંભાળી લીધો છે. પંજાબમાં ભાજપ સંગઠનને મજબૂત બનાવવા માટે રણનીતિ ઘડી રહ્યું છે અને અન્ય પક્ષોના નેતાઓ સાથે સંપર્કમાં છે. 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી વહેલી યોજાવાની અટકળો વચ્ચે, મનીષ તિવારી અને વડાપ્રધાન મોદીની આ મુલાકાતને માત્ર પ્રોટોકોલ તરીકે જોવી મુશ્કેલ છે, જે આવનારા સમયમાં પંજાબના રાજકારણમાં કોઈ મોટા ભૂકંપના સંકેત હોઈ શકે છે.