નવી દિલ્હીઃ મોદી સરકારે દેશના 'જેન-ઝી' (Gen-Z) યુવાનો સુધી પહોંચવા માટે એક મહત્વપૂર્ણ 'એક દિવસ, એક યુનિવર્સિટી' કાર્યક્રમની યોજના બનાવી છે. મોદી સરકાર 'જેન-ઝી' સુધી પહોંચવાના એક વ્યાપક પ્રયાસ હેઠળ દરરોજ એક કેન્દ્રીય પ્રધાનને એક યુનિવર્સિટીની મુલાકાત લેવા મોકલવાની યોજના ઘડી રહી છે. જેનો ઉદ્દેશ્ય યુવાનો સાથે જોડાવાનો, તેમની ચિંતાઓ પર ચર્ચા કરવાનો અને દેશ સામે ખડા મુદ્દાઓ અંગે તેમના દ્રષ્ટિકોણથી વધુ સારી રીતે સમજવાનો છે.
'એક દિવસ, એક યુનિવર્સિટી'ની જાહેરાત
આ પહેલ દિલ્હીના જંતર-મંતર અને દેશના અન્ય ભાગોમાં નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે શરૂ કરવામાં આવી રહી છે. આ પહેલથી પરિચિત સૂત્રોના જણાવ્યા અનુસાર 'એક દિવસ, એક યુનિવર્સિટી' કાર્યક્રમ હેઠળ એક કેન્દ્રીય પ્રધાન મુકરર કરેલી યુનિવર્સિટીની મુલાકાત લેશે. તેઓ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે, વિવિધ વિષયો પર તેમના અભિપ્રાયો સાંભળશે અને તેમને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપશે. ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ માટેની યોજનાઓ વિશે માહિતી આપશે.
પીએમના વડપણ હેઠળની બેઠકમાં ચર્ચા
આ મુલાકાતો માટે શિક્ષણ પ્રધાન પ્રહલાદ જોશી અને યુવા બાબતો અને રમતગમત પ્રધાન મનસુખ માંડવિયાને યુનિવર્સિટી અને પ્રધાનો વચ્ચે સંકલન સાધવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે. સૂત્રોએ જણાવ્યું કે આ પ્રસ્તાવિત પહેલ અંગે બુધવારના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેન્દ્રીય પ્રધાન મંડળની બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી હતી.
દેશમાં કુલ ૧,૩૦૦ યુનિવર્સિટી આવેલી છે
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(યુજીસી) અનુસાર દેશમાં કુલ ૧,૩૦૦ યુનિવર્સિટીઓ છે. જેમાં ૫૭ કેન્દ્રીય યુનિવર્સિટી અને ૫૨૨ રાજ્ય યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. જ્યારે બાકીની ડીમ્ડ-ટુ-બી અથવા ખાનગી યુનિવર્સિટીઓ છે.
25 જુલાઇના ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું
ગત ૨૦ જુલાઇના દિલ્હીમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી બાદ ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા તેમ જ વિપક્ષે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી હતી. વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનને ૨૫ જુલાઇના રોજ શિક્ષણ પ્રધાન પદેથી રાજીનામું ધરવાની ફરજ પડી હતી.