Sun Aug 23 2026

Logo

મેયરના સોશિયલ મિડિયાના પ્રમોશન માટે ૨૫ લાખ ખર્ચવાને મુદ્દે સત્તાધારી ભાજપ અને શિંદેસેના સામ-સામે

2026-08-19 20:31:00
Author: Mumbai Samachar Team
Article Image

PTI


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા હવે મેયર રિતુ તાવડેના સોશિયલ મીડિયા પ્રમોશન માટે ૨૫ લાખ રૂપિયા ખર્ચ કરવાની છે. મેયરના સોશિયલ મીડિયાનું સંચાલન કરવા માટે  સ્થાયી સમિતિમાં ગુરુવારે પ્રસ્તાવ  રજૂ કરવામાં આવવાનો છે. આ પ્રસ્તાવને લઈને  પાલિકામાં વિરોધપક્ષ દ્વારા તો મેયરની  ટીકા થઈ રહી છે પણ   મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપના સાથીદાર શિંદેસેનાએ પણ આ પ્રસ્તાવને લઈને મેયરની ટીકા કરીને તેમને સલાહ આપતા મેયર તેમને કોઈની સલાહની આવશ્યકતા ન હોવાનું કહ્યું હતું. સોશિયમ મિડિયા પાછળ ૨૫ લાખ ખર્ચવાના પ્રસ્તાવનેે લઈને ભાજપ અને શિંદેની શિવસેના સામ-સામે થઈ ગયા હોવાનું જણાઈ આવ્યું છે.

મુંબઈના મેયર તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી રીતુ તાવડે તેમની વિવાદાસ્પદ કાર્યશૈલી માટે સમાચારમાં છે. મેયરના સોશિયલ મીડિયાનું સંચાલન કરવા માટે  સ્થાયી સમિતિમાં ગુરુવારે પ્રસ્તાવ  રજૂ કરવામાં આવશે, તેથી પ્રસ્તાવને લઈને  મેયરની  રીતુ તાવડેની ફરી ટીકા થઈ રહી છે. એક વર્ષના પ્રમોશન માટે ૨૫ લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવશે.  ઓગસ્ટ, ૨૦૨૬ થી ૩૧ જુલાઈ, ૨૦૨૭ સુધીના એક વર્ષના સમયગાળા માટેે પાલિકા  મેયરના પ્રમોશન માટે ૨૫,૧૨,૭૮૬ લાખ રૂપિયા ખર્ચ કરશે. 

અગાઉ મેયરના જનસંપર્કનું સંચાલન કરવાના પ્રસ્તાવ પર ભારે ટીકા થઈ હતી. તે પછી પણ સોશિયલ મીડિયા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. આનો વિરોધ તેમના સાથી પક્ષ શિવસેના જૂથના નેતા અમેય ઘોલે દ્વારા પણ કરવામાં આવ્યો છે. ચોતરફથી વિરોધ થતા મેયરે સ્પષ્ટતા કરી હતી કે કોઈ મહિલા આગળ વધે તો કોઈ પગ ખેંચવાના પ્રયાસ કરવામાં આવે છે. મેયરના કાર્યાલયના પ્રચાર માટે ૨૫ લાખના પ્રસ્તાવનનું ટેન્ડર આજનું નથી.  આ કરાર બે વર્ષથી અમલમાં છે. અત્યાર સુધી બધા મેયરોને આ વ્યવસ્થા આપવામાં આવી હતી. વારંવાર મેયરનું નામ લઈને રાજકારણ ન કરો. 

આ દરમ્યાન ભાજપના સાથી પક્ષ શિવસેના (શિંદે) ના જૂથ નેતા અમેય ઘોલેએ આ પ્રસ્તાવનો વિરોધ કરતા કહ્યું હતું કે  મુંબઈગરાના  પૈસા મુંબઈગરાના વિકાસ માટે વાપરવા જોઈએ. એટલા માટે અમે સત્તામાં આવ્યા છીએ. અમે મહાગઠબંધનમાં હોવાથી અમે મેયરને સારી સલાહ આપી રહ્યા છીએ સલાહ લેવી કે નહીં તે તેમનો પ્રશ્ર્ન છે. સાથે જ ઘોલેએ કહ્યુંં હતું કે શિવસેનાની માગણી છે કે  મેયરના સોશિયલ મીડિયા પ્રસ્તાવ પર પુનર્વિચાર કરવામાં આવે. જોકે શિવસેનાની સલાહને પગલે રિતુ તાવડે તેમને સલાહ આપવાનો અધિકાર કોઈને ન હોવાનું કહીને ભડકી ગયા હોવાનું કહેવાય છે.