Sun Sep 13 2026

Logo

ગુજરાતના ચાર સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજનામાં સમાવેશ, કુલ 22 સ્ટેશન  થયા

2026-07-17 22:24:56
ગુજરાતના ચાર સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજનામાં સમાવેશ, કુલ 22 સ્ટેશન  થયા

વડોદરા: ભારતીય રેલવેના આધુનિકીકરણની દિશામાં વધુ એક ઐતિહાસિક કદમ માંડતા પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી આજે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના 75  પુનઃવિકસિત રેલવે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે. 

પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું ઈ-લોકાર્પણ

આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે ગુજરાતમાં કુલ રૂ. 109 કરોડના માતબર ખર્ચે ચાર નવા પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં વડોદરાના પ્રતાપનગર, ગોધરા, પોરબંદર અને ભક્તિનગર રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા

વડોદરા મંડળના પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. મુખ્ય કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રીએ પ્રતાપનગરના જૂના સ્ટેશન અને અત્યાધુનિક સુવિધાઓ સાથે સજ્જ નવા સ્ટેશનના કાયાકલ્પને દર્શાવતા વિશેષ પ્રદર્શનને બારીકાઈથી નિહાળ્યું હતું.

અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આજે પ્રતાપનગર, ભક્તિનગર, પોરબંદર અને ગોધરા  એમ ચાર નવા સ્ટેશનો લોકસમર્પિત થવાની સાથે જ ગુજરાતમાં હવે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા અમૃત ભારત સ્ટેશનોની કુલ સંખ્યા ૨૨ થઈ ગઈ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મે-2025માં પણ વડાપ્રધાન દ્વારા રાજ્યના 18 પુનઃવિકસિત સ્ટેશનોનું લોકાર્પણ કરીને ગુજરાતમાં રેલવે માળખાના સતત વિકાસ અને આધુનિકીકરણને નવી ગતિ પ્રદાન કરવામાં આવી હતી. 

87 રેલવે સ્ટેશનોનું પુનઃવિકાસ કાર્ય પ્રગતિ હેઠળ

ગુજરાતમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદ્રઢ કરવા માટે હાલમાં અન્ય 87 રેલવે સ્ટેશનોનું પુનઃવિકાસ કાર્ય પ્રગતિ હેઠળ છે. જે ભારતની રેલવેને આધુનિક બનાવવાના અભિયાનમાં રાજ્યની અગ્રેસર ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે.