Fri Jul 17 2026

Logo

સોનામાં રૂ. 228થી 229નો ઘસરકો, ચાંદી રૂ. 2277 ગબડી

2026-07-16 20:11:06
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવ સાથે ક્રૂડતેલના ભાવ વધી આવતાં વૈશ્વિક સ્તરે ફુગાવો વધવાની ભીતિ અને તેને કારણે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના આરંભમાં હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હોવાના નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 228થી 229નો ઘસરકો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 2277 ગબડી ગયા હતા. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને ભાવઘટાડાના માહોલમાં જ્વેલરી ઉત્પાદકો અને ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી પણ મર્યાદિત રહેતાં વેરારરહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2277 ગબડીને રૂ. 2,17,434ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ભાવમાં નરમાઈનું વલણ રહેવાની સાથે રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાર્ન્ડર્ડ સોનાના ભાવ રૂ. 228 ઘટીને રૂ. 1,41,112 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 229 ઘટીતાતને રૂ. 1,41,679ના મથાળે રહ્યા હતા. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા ઘટીને આૈંસદીઠ 4032.19 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 0.4 ટકા ઘટીને 4037.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંઘ સામે 1.7 ટકા તૂટીને આૈંસદીઠ 56.82 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

અમેરિકાના ઈરાન પર હુમલાઓ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ વિક્ષેપિત થવાથી ફુગાવાલક્ષી દબાણમાં વધારો થવાથી સોનાના વૈશ્વિક ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હોવાનું જેફરીઝની માલિકીની ટ્રેડુ ડૉટ કૉમના વિશ્લેષક ઝેબુરાસે જણાવતાં ઉમેર્યું હતું કે તાજેતરમાં અમેરિકાના ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અને પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિ જોવા મળી હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ તાત્કાલિક ધોરણે વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા નબળી પડી હતી. તેમ છતાં તાજેતરમાં ક્રૂડતેલના ભાવ ફરી વધી આવ્યા હોવાથી ગત જૂન મહિનાના ફુગાવામાં જોવા મળેલી ઓછી વૃદ્ધિ કામચલાઉ પુરવાર થાય તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. 

વધુમાં અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ કેવિન વાર્શે કેન્દ્રવર્તી બૅન્ક ફુગાવો અંકુશમાં રાખવા પ્રતિબદ્ધ હોવાનું જણાવતા ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં વધારો કરે તવી 51 ટકા શક્યતા સીએમઈ ફેડવૉચ ટૂલ પર રોકાણકારો વ્યક્ત કરી રહ્યા હતા.