મહાન કૅરિબિયન બૅટ્સમૅન સર ગૅરી સોબર્સે પેસ અને સ્પિનના જાદુથી 235 વિકેટ લીધી હતીઃ પહેલી જ સેન્ચુરીમાં અણનમ 365 રન બનાવેલા
બાર્બેડોઝઃ ક્રિકેટ જગતના ગ્રેટેસ્ટ ઑલરાઉન્ડર, બૅટિંગ-લેજન્ડ અને વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ કૅપ્ટન સર ગારફીલ્ડ સોબર્સનું 89 વર્ષની વયે નિધન થયું છે. 28મી જુલાઈએ તેમણે જીવનનાં 90 વર્ષ પૂરાં કર્યાં હોત, પણ એના 10 દિવસ પહેલાં તેમણે ફાની દુનિયામાંથી વિદાય લીધી. 1950, 1960 અને 1970ના દાયકા દરમ્યાન તેમના પર્ફોર્મન્સ તથા પ્રભાવથી ક્રિકેટને અનેરી ઊંચાઈ મળી હતી. ક્રિકેટની દુનિયાને મળેલા સૌથી ટૅલન્ટેડ ખેલાડીઓમાં સોબર્સનું નામ અચૂક લેવામાં આવે છે. પાંચ સર્વોત્તમ ક્રિકેટરોમાં ઑસ્ટ્રેલિયાના સર ડોનાલ્ડ બ્રેડમૅન, સર ગૅરી સોબર્સ, સચિન તેન્ડુલકર, સર વિવિયન રિચર્ડ્સ અને સુનીલ ગાવસકરનો સમાવેશ છે.
સર ગૅરી સોબર્સનું અવસાન થયું હોવાના સમાચારને તેમના પુત્ર ડેનિયલે પુષ્ટિ આપી હતી. 1936ની 28મી જુલાઈએ બાર્બેડોઝ ટાપુમાં તેમનો જન્મ થયો હતો અને એ જ ટાપુમાં તેમનું નિધન થયું.

26 સેન્ચુરી, 235 વિકેટ
સોબર્સ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન હતા. તેઓ લેફ્ટ-આર્મ મિડિયમ પેસ બોલર, લેફ્ટ-આર્મ ઑર્થોડૉક્સ તેમ જ લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર હતા. તેઓ માર્ચ 1954થી એપ્રિલ 1974 દરમ્યાન 93 ટેસ્ટ મૅચ રમ્યા હતા જેમાં તેઓ 21 વખત અણનમ રહ્યા હતા. તેમણે અણનમ 365 રનના હાઇએસ્ટ સ્કોર સહિત કુલ 26 સેન્ચુરી અને 30 હાફ સેન્ચુરીની મદદથી 57.78ની સરેરાશે કુલ 8,032 રન બનાવ્યા હતા. તેઓ ફક્ત એક વન-ડે 1973માં રમ્યા હતા જેમાં તેમણે એક વિકેટ (ઇંગ્લૅન્ડના ક્રિસ ઑલ્ડ) મેળવી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 110 કૅચ ઝીલ્યા હતા. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 235 વિકેટ લીધી હતી. 1954માં તેમણે પહેલી જ ટેસ્ટમાં (ઇંગ્લૅન્ડ સામે) ચાર વિકેટનો તરખાટ મચાવ્યો હતો. વન-ડેનો પ્રથમ વર્લ્ડ કપ 1975માં રમાયો હતો, પણ એ પહેલાં જ સોબર્સની વન-ડે કરીઅર પર પડદો પડી ચૂક્યો હતો.

ડોમેસ્ટિક ક્રિકેટમાં 28, 314 રન
સોબર્સે ટેસ્ટ ક્રિકેટ સહિતની કુલ 383 ફર્સ્ટ ક્લાસ મૅચોમાં 86 સેન્ચુરી અને 121 હાફ સેન્ચુરીની મદદથી કુલ 28,314 રન બનાવ્યા હતા.
પાકિસ્તાનની ટીમ કરતાં સોબર્સના રન વધુ
સોબર્સે 1954માં પ્રથમ ટેસ્ટ-ઇનિંગ્સમાં ફક્ત 14 રન બનાવ્યા હતા. જોકે ટેસ્ટમાં તેમણે પહેલી જ સેન્ચુરીમાં અણનમ 365 રન બનાવ્યા હતા. તેમણે ત્યારે એ મહાન સિદ્ધિ 1958માં કિંગસ્ટનમાં પાકિસ્તાન સામે મેળવી હતી. પાકિસ્તાનની ટીમ 328 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને પછી સોબર્સે વનડાઉનમાં રમીને આખી પાકિસ્તાનની ટીમ કરતાં વધુ રન બનાવ્યા હતા. તેમણે 614 બૉલમાં 38 ચોગ્ગાની મદદથી એ અણનમ 365 રન કર્યા હતા અને ઓપનર કૉનરાડ હ્યુન્ટ (260 રન) સાથે બીજી વિકેટ માટે 446 રનની વિક્રમજનક ભાગીદારી કરી હતી. કૅરિબિયન ટીમે એ ટેસ્ટ એક દાવ અને 174 રનની મદદથી જીતી લીધી હતી. સોબર્સે અણનમ 365 રનની ઇનિંગ્સ બાદ પાકિસ્તાન સામેની એ જ સિરીઝની પછીની બે ઇનિંગ્સમાં અનુક્રમે 125 રન અને અણનમ 109 રન કર્યા હતા.
The BCCI mourns the passing of Sir Garfield Sobers, a true icon of the game and one of cricket's greatest-ever all-rounders.
— BCCI (@BCCI) July 17, 2026
His extraordinary achievements, lasting influence on Caribbean cricket and immeasurable contribution to the global game have left an enduring legacy that… pic.twitter.com/5263SNLezn
છ બૉલમાં છ છગ્ગા ફટકારનાર પ્રથમ
ગૅરી સોબર્સ પ્રથમ કક્ષાની ક્રિકેટમાં ઓવરના તમામ છ બૉલમાં છ સિક્સર ફટકારનાર વિશ્વના પ્રથમ બૅટ્સમૅન હતા. તેમણે એ સિદ્ધિ 1968માં નૉટિંગમશર વતી ગ્લેમોર્ગન સામેની મૅચમાં મેળવી હતી.