Fri Sep 04 2026

Logo

બલૂચિસ્તાનમાં સેનાના કાફલા પર BLAનો મોટો હુમલો: 45થી વધુ પાકિસ્તાની સૈનિકના મોત, મેડિકલ ઇમરજન્સી જાહેર

Islamabad   2026-07-17 19:17:03
Author: Devayat Khatana
બલૂચિસ્તાનમાં સેનાના કાફલા પર BLAનો મોટો હુમલો: 45થી વધુ પાકિસ્તાની સૈનિકના મોત, મેડિકલ ઇમરજન્સી જાહેર

ChatGPT Image


ઇસ્લામાબાદ: પાકિસ્તાન માટે બલૂચિસ્તાન પ્રાંત એક મોટો પડકાર બની રહ્યો છે. ત્યાર બલૂચિસ્તાનમાં સેનાના કાફલા પર થયેલા મોટા હુમલાને પગલે સુરક્ષા તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો અનુસાર, બલૂચ લિબરેશન આર્મી (BLA) દ્વારા સેનાના કાફલા પર કરવામાં આવેલો આ હુમલો આ વર્ષનો સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે. BLAએ દાવો કર્યો છે કે આ હુમલામાં 45થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે, જોકે પાકિસ્તાન સરકાર અને સેના દ્વારા હજુ સુધી જાનહાનિના કોઈ સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.

મળતી વિગતો અનુસાર, આ હુમલા બાદ બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં આવેલી વિવિધ હોસ્પિટલોમાં મેડિકલ ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ ક્વેટા સહિતના મુખ્ય તબીબી કેન્દ્રોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા હોવાના અહેવાલ મળ્યા હતા. ઘાયલ થયેલા સુરક્ષાકર્મીઓને હોસ્પિટલોમાં ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, સેનાનો આ કાફલો લગભગ 10 જેટલી બસોમાં મુસાફરી કરી રહેલા જવાનોનો હતો, જેઓ રજા પર જઈ રહ્યા હતા. BLAએ આ કાફલાને જ મુખ્ય નિશાન બનાવ્યો હોવાનું જણાવ્યું છે. આ ઘટનાને પગલે ક્વેટા-કરાચી નેશનલ હાઈવેના કેટલાક હિસ્સાઓ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે અને સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જોકે, BLAના દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

ઉલ્લેખનીય છે બલૂચિસ્તાનમાં પાકિસ્તાન વિરોધી પ્રવૃતિઓ હવે ત્યાંની સરકાર માટે એક મોટો પડકાર બની ગઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં BLAએ સેનાના ઠેકાણાઓ અને સુરક્ષા ચોકીઓને સતત નિશાન બનાવી છે.