Sat Jul 18 2026

Logo

અમદાવાદની કાયાપલટ માટે ₹ 2,720 કરોડની 'મેગા' ભેટ! જાણો શહેરમાં શું બદલાવ આવશે?

2026-07-17 21:39:05
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ અમદાવાદમાં વિકાસના જુદા-જુદા પ્રોજેક્ટ અંતર્ગત કુલ ₹2,720 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત અમદાવાદ શહેરના 6 મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે કુલ ₹2,720 કરોડની મંજૂરી આપવામાં આવી છે.આ યોજનાઓ અમલમાં આવતાં શહેરના જૂના ગટર નેટવર્કના પુનર્વસન, સ્માર્ટ વોટર મેનેજમેન્ટ, ગટર સ્લજમાંથી ગ્રીન એનર્જીનું ઉત્પાદન તેમજ ટ્રાફિક મેનેજમેન્ટને આધુનિક બનાવવામાં મોટી મદદ મળી રહેશે. આ અંગે અમદાવાદના મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદને દેશના અગ્રણી શહેરોમાં સ્થાન આપીને ₹2,720 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે.

શું કહ્યું અમદાવાદના મેયરે

જે સમગ્ર શહેર માટે ગૌરવની બાબત છે. ખાસ કરીને શહેરના વર્ષો જૂના ભૂગર્ભ ગટર નેટવર્કના પુનર્વસન માટે મળેલી મંજૂરીથી શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લાંબા ગાળે મોટો લાભ મળશે. આ યોજના હેઠળ કુલ ખર્ચના 50 ટકા હિસ્સાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે. જ્યારે 25 ટકા સહાય ગુજરાત સરકાર અને 25 ટકા સહાય કેન્દ્ર સરકાર તરફથી મળશે.

જે શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ સહયોગ સાબિત થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી એન્જિનિયર (WRM) વિભાગના વિજય પટેલે પ્રોજેક્ટની વિગતો આપતાં જણાવ્યું હતું કે, કુલ ₹2,720 કરોડના આ પ્રોજેક્ટમાં કોર્પોરેશનના હિસ્સાની 50 ટકા રકમ માટે બેંક ઓફ બરોડા તથા વર્લ્ડ બેંક પાસેથી લોન લેવામાં આવશે.

સહાયરૂપે મળશે મોટી રકમ

જ્યારે અંદાજે ₹680 કરોડ ગુજરાત સરકાર અને ₹680 કરોડ કેન્દ્ર સરકાર તરફથી સહાયરૂપે પ્રાપ્ત થશે. મંજૂર થયેલા પ્રોજેક્ટ્સમાં સૌથી મોટો હિસ્સો શહેરના જૂના ગટર નેટવર્કના પુનર્વસનનો છે. પશ્ચિમ વિસ્તારમાં 25 વર્ષથી વધુ જૂની થઈ ગયેલી અને વારંવાર બ્રેકડાઉન તથા સેટલમેન્ટની સમસ્યા ઊભી કરતી ગટર લાઈનોના પુનર્વસન માટે ₹850 કરોડ પૂર્વ વિસ્તાર માટે ₹550 કરોડ તેમજ બ્રિટિશકાળથી કાર્યરત મધ્ય અને દક્ષિણ ઝોનની જૂની ગટર લાઈનોના પુનર્વસન માટે ₹290 કરોડની યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવામાં આવશે. 

વૈજ્ઞાનિક રીતે સંચાલન કરાશે

આ અંતર્ગત અંડરપાસ, સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશનો, ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ (STP), સ્ટોર્મ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો સહિતની તમામ સુવિધાઓને SCADA સિસ્ટમ સાથે જોડવામાં આવશે. જેના પરિણામે રિયલ-ટાઇમમાં કેટલા પમ્પ કાર્યરત છે, તેમની ક્ષમતા, કામગીરીની કાર્યક્ષમતા અને સમગ્ર સિસ્ટમનું સ્માર્ટ મોનિટરિંગ શક્ય બનશે.

પશ્ચિમ ઝોન માટે મંજૂર કરાયેલી ₹480 કરોડની ઈન્ટિગ્રેટેડ સ્લજ મેનેજમેન્ટ ફેસિલિટી હેઠળ ગટર શુદ્ધિકરણ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા સ્લજનું વૈજ્ઞાનિક રીતે સંચાલન કરવામાં આવશે. બાયો-રેમેડિએશન પ્રક્રિયા દ્વારા સ્લજમાંથી બાયોગેસ અને ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવામાં આવશે. જે પર્યાવરણ સંરક્ષણ સાથે સર્ક્યુલર ઈકોનોમીને પણ પ્રોત્સાહન આપશે.

મહત્ત્વની સર્વિસ ટેક્નોલોજી આધારિત

આ ઉપરાંત ઈન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) અને ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમને પણ આ યોજના હેઠળ મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે શહેરની જાહેર પરિવહન વ્યવસ્થા વધુ આધુનિક, સુવ્યવસ્થિત અને ટેકનોલોજી આધારિત બનશે. આ તમામ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ અમદાવાદ શહેરના જૂના ગટર નેટવર્કના પુનર્વસનથી ગટર ઓવરફ્લો અને લીકેજ જેવી સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે.

સમગ્ર ગટર અને સ્ટોર્મ વોટર નેટવર્કનું રિયલ-ટાઇમ ડિજિટલ મોનિટરિંગ શક્ય બનશે. સ્લજમાંથી ગ્રીન એનર્જીના ઉત્પાદન દ્વારા પર્યાવરણમૈત્રી વિકાસને પ્રોત્સાહન મળશે. સાથે જ સ્માર્ટ ટેક્નોલોજી આધારિત પાણી અને પરિવહન વ્યવસ્થાપનથી અમદાવાદના શહેરી માળખાને વધુ આધુનિક, કાર્યક્ષમ અને ટકાઉ બનાવવામાં મહત્વપૂર્ણ મદદ મળશે.