બેંગ્લુરુ: કર્ણાટકના ધારવાડમાં એક ચોંકાવનારી ઘટના જાણવા મળી છે, જ્યાં ડૉક્ટર પત્નીએ તેના ડૉક્ટર પતિની કથિત રીતે હત્યા કરી હતી અને ૮ વર્ષના પુત્રને ગંભીર ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં, હત્યા પછી પત્ની મોબાઈલ ફોનમાં સ્ક્રોલ કરતી રહી હતી, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. જોકે, આ બનાવને લઈ શિક્ષિત ફેમિલી અને સમાજવ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા કર્યાં છે.
Horror in Dharwad: A doctor was allegedly killed by his wife inside their apartment, while their 8-year-old son was also stabbed and is battling for his life. Police have registered a murder case and launched an investigation. #Dharwad #Karnataka #CrimeNews #BreakingNews pic.twitter.com/IE0UiHROZT
— Pooja Talwar (@PoojaTalwar21) July 16, 2026
ઘટનાની મળતી વિગતો પ્રમાણે બુધવારે ધારવાડમાં ૪૫ વર્ષીય ડૉક્ટર કિરણ હોનનવરની પત્ની ડૉક્ટર પ્રિયંકા દ્વારા કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. દંપતીના આઠ વર્ષના પુત્ર પર પણ છરીનો ઘા કરવામાં આવ્યો હતો અને તે એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પડોશીઓ દ્વારા ચેતવણી આપવામાં આવતા પોલીસ પહોંચી ત્યારે એપાર્ટમેન્ટમાં લોહીના છાંટા ઊડેલા દેખાયા હતા. ઘટનાસ્થળ પરથી મળેલા એક વીડિયોમાં ડૉ. હોનનવરની પત્ની લાંબી થઈને ફોન પર સ્ક્રોલ કરતી જોવા મળી હતી, જ્યારે તેમના પતિ અને પુત્ર લોહીના ખાબોચિયામાં પડેલા જોવા મળ્યા હતા. એનો વીડિયો વાયરલ થયા પછી લોકોએ બનાવ અંગે દુખની લાગણી અનુભવી હતી.
આ મર્ડર પછી હુબલી-ધારવાડ પોલીસ કમિશનર એન શશીકુમાર ગુનાના સ્થળે પહોંચ્યા અને જોયું કે ઘાયલ બાળક હજુ પણ શ્વાસ લઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું, તેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. પોલીસે કહ્યું હતું કે ફ્લેટમાં ફક્ત પતિ, પત્ની અને બાળક હતું. ઘરમાં કોઈ બળજબરીથી પ્રવેશ્યું હોવાનું જાણવા મળ્યું નહોતું. આ કેસમાં તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવશે. પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવશે, એમ પણ પોલીસે જણાવ્યું હતું.
ઉપલબ્ધ માહિતી અનુસાર જ્યારે કિરણના સંબંધીઓ અને મિત્રોએ મંગળવારે રાત્રે અને ફરીથી બુધવારે સવારે ફોન કર્યો ત્યારે પ્રિયંકાએ ફોન ઉપાડ્યો હતો, પહેલા તેમને કહ્યું કે તે આરામ કરી રહ્યો છે અને પછી તે ફરજ પર ગયો છે. કોઈ જવાબ ન મળતાં બુધવારે સાંજે પરિવારના સભ્યોને દંપતીના ફ્લેટની મુલાકાત લીધી, ત્યારે તેઓએ પિતા અને પુત્રને લોહીથી લથપથ હાલતમાં પડેલા જોયા, જ્યારે આરોપી પલંગ પર સૂતા સૂતા તેનો ફોન સ્ક્રોલ કરી રહી હતી.
શશીકુમારે જણાવ્યું હતું કે ચિરાયુ હોસ્પિટલના એનેસ્થેટિસ્ટ ડૉ. કિરણ હોન્નાવર, તેમની પત્ની, પ્રિયંકા કટ્ટનહલ્લી, જે એમબીબીએસ ગ્રેજ્યુએટ છે અને નેત્રવિજ્ઞાનમાં એમએસની ડિગ્રી ધરાવે છે, અને તેમના આઠ વર્ષના પુત્ર સાથે પવન હાઇ સ્કૂલની સામે છઠ્ઠા માળના એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેમણે ઉમેર્યું હતું કે કિરણના પરિવારના સભ્યો વારંવાર તેમની પાસે જતા હતા.
ઘટનાનું વર્ણન કરતાં કમિશનરે જણાવ્યું કે પોલીસને એક રૂમમાં લોહીથી લથપથ ડૉ. કિરણ મૃત હાલતમાં પડેલા મળી આવ્યા હતા. તેમના ૮ વર્ષના દીકરાને પણ છરીના ઘા વાગ્યા હતા. પ્રાથમિક તપાસ પછી પોલીસે જણાવ્યું હતું કે અમને હજુ સુધી ખબર પડી નથી કે બાળક પર ક્યારે હુમલો કરવામાં આવ્યો હતો. તે હજુ જીવતો હોવાથી, અમે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો. શશિકુમારે જણાવ્યું કે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઘટના ક્યારે બની અને તેનું કારણ શું હતું.
પ્રાથમિક તપાસ મુજબ, ઘટના સમયે ફક્ત પતિ, પત્ની અને બાળક એપાર્ટમેન્ટની અંદર હતા, અને હજુ સુધી કોઈ બહારની વ્યક્તિ ઘરમાં ઘૂસી હોવાના કોઈ સંકેત નથી. તેમણે વધુમાં કહ્યું કે પડોશીઓ સવારથી જ પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પ્રિયંકાએ તેમને કહ્યું કે તે ઘરની અંદર છે અને તેનો પતિ બહાર ગયો છે.
કમિશનરે જણાવ્યું હતું કે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. અમે વિગતવાર તપાસ કરીશું કે ખરેખર શું થયું, પ્રિયંકાએ કોની સાથે વાત કરી, તેમને શું કહ્યું અને એપાર્ટમેન્ટની અંદરની ઘટનાઓનો ક્રમ શું હતો. જોકે, આ બનાવે સોશિયલ મીડિયા પર લોકોએ અનેક સવાલ કરી રહ્યા છે, જેમાં ઉચ્ચવર્ગ શિક્ષિત ઘરોમાં આ પ્રકારના બનાવ થાય તો સામાન્ય લોકોની શું વાત કરવાની. આ પ્રકારના બનાવો સમાજવ્યવસ્થા અંગે પણ જોખમો નિર્દેશ કરે છે એમ પણ લોકોએ જણાવ્યું હતું.