Mon Sep 07 2026

Logo

સુપ્રીમ કોર્ટે રેલવેને ભાષા સુધારવા નિર્દેશ આપ્યો, સેકન્ડ ક્લાસ શબ્દ બદલવો પડશે

2026-07-17 21:47:24
Author: Chandrakant Kanoja
સુપ્રીમ કોર્ટે રેલવેને ભાષા સુધારવા નિર્દેશ આપ્યો, સેકન્ડ ક્લાસ શબ્દ બદલવો પડશે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ભારતીય રેલવેને મુસાફરોની સુરક્ષા અને ઉપયોગમાં લેવામાં આવતા શબ્દોમાં સુધારો કરવાનો નિર્દેશ આપ્યો છે.કોર્ટે રેલવે દ્વારા અલગ અલગ દસ્તાવેજમાં ઉપયોગમાં લેવાતો સેકન્ડ કલાસ એટલે કે દ્રિતીય શ્રેણી શબ્દ પર વાંધો ઉઠાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે આ રીતે કોઇ પણ વ્યક્તિને સંબોધિત કરવી બંધારણની મૂળ ભાવનાથી વિપરીત છે.  

કોચમાં મુસાફરીના આધારે વર્ગ નક્કી કરવામાં આવે 

સુપ્રીમ કોર્ટે રેલવેને નિર્દેશ આપ્યો હતો કે મુસાફરનો વર્ગ તેમના દ્વારા કરવામાં આવેલા ખર્ચ કરતાં તેઓ કયા કોચમાં મુસાફરી કરી રહ્યા છે તેના આધારે નક્કી થવો જોઈએ. તેથી ભવિષ્યમાં આ વર્ગનો ઉલ્લેખ મુસાફરને બદલે ફક્ત કોચ અથવા ડબ્બાના સંદર્ભમાં કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે રેલવે સુરક્ષા વ્યવસ્થા અને મુસાફરોની સુવિધાઓ સંબંધિત મુદ્દાઓ પર પણ ટિપ્પણી કરી હતી. 

કર્મચારીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવાની જરૂર 

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રેલવે માર્ગદર્શિકાની વિવિધ જોગવાઈઓને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે વધુ કર્મચારીઓની જરૂર છે. રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવાની જરૂર છે. આધુનિકીકરણના આ તબક્કા દરમિયાન રેલવેમાં યુવાનોને રોજગારી પૂરી પાડવાથી તેમને માત્ર સ્થિર આજીવિકા જ નહીં મળે પણ મુસાફરોના જીવન બચાવવામાં પણ મદદ મળશે.