(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સતત ચાર સત્ર સુધી ડૉલર સામે રૂપિયામાં ધોવાણ થયા બાદ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને સંભવિતપણે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ હાજર બજારમાં હસ્તક્ષેપ કર્યો હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયાની પીછેહઠને બે્રક લાગી હતી અને સત્રના અંતે રૂપિયો 12 પૈસાના સુધારા સાથે 96.30ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, પશ્ચિમ એશિયાના તણાવમાં વધારો અને ક્રૂડતેલના ભાવ વધી આવ્યા હોવાથી એકંદરે રૂપિયા પરનું દબાણ જળવાઈ રહ્યું હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 96.42ના બંધ સામે સુધારાના અન્ડરટોને 96.35ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 96.41 અને ઉપરમાં 96.26ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 12 પૈસા વધીને રૂ. 96.30ના મથાળે બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો 17 પૈસા નબળો પડ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ કરવા બદલ ઈરાનના માળખાકીય ક્ષેત્ર પર હુમલા કરવાની ધમકી ઉચ્ચાર્યા બાદ આજે ઈરાનના પુલો પર આક્રમક હવાઈ હુમલાઓ કર્યા હતા અને તેના વળતા જવાબમાં ઈરાને અમેરિકાના પશ્ચિમ એશિયાના સહયોગી દેશો પર પણ હુમલા કર્યાના અહેવાલ હતા. જોકે, આજે રિઝર્વ બૅન્કના હસ્તક્ષેપ બાદ ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાનું ફિનરેક્સ ટ્રેઝરી એડવાઈઝર્સ એલએલપીનાં ટેઝરી હેડ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનિલ કુમાર ભણસાળીએ જણાવતા ઉમેર્યું હતું કે હાલના તબક્કે રૂપિયાના સુધારા માટેનાં નક્કર પરિબળોના અભાવ અને વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના વધતા ભાવને ધ્યાનમાં લેતા ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહેતાં 96થી 96.55 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે સાધારણ 0.01 ટકા ઘટીને 100.75 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.60 ટકા વધીને બેરલદીઠ 85.58 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 964.58 પૉઈન્ટનો અને 261.55 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો, પરંતુ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 4205.56 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલ હતા.