Fri Jul 17 2026

Logo

એઆઈની તેજીને કારણે વૈશ્વિક અર્થતંત્રોમાં કે આકારની આર્થિક વૃદ્ધિઃ મૂડીઝ એનાલિટિક્સ

2026-07-16 20:10:53
Author: Darshana Visaria
Article Image

નવી દિલ્હીઃ તાજેતરમાં એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)માં આવેલી તેજીને કારણે કેટલાક દેશોમાં ઉદ્યોગ આગળ ધપી રહ્યા છે, જ્યારે કેટલાક દેશોમાં ઉદ્યોગ પાછળ ધકેલાઈ રહ્યા હોવાથી વૈશ્વિક અર્થતંત્રોમાં `કે'આકારની આર્થિક વૃદ્ધિ જોવા મળી રહી હોવાનું મૂડીઝ એનાલિટિક્સે આજે જણાવ્યું હતું. 

મૂડીઝ એનાલિટિક્સે તેના ગ્લોબલ ઈકોનોમી આઉટલૂકમાં વર્ષ 2026માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ 2.5 ટકા સુધી ધીમી પડશે, જ્યારે વર્ષ 2027માં માત્ર 2.8 ટકા વૈશ્વિક આર્થિક વૃદ્ધિનો અંદાજ મૂકયો છે. વધુમાં અહેવાલમાં જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની વધતી માગને કારણે વૈશ્વિક અર્થતંત્રોને મંદીથી બચાવી શકાય છે, પરંતુ ભૂરાજકીય જોખમો, અસ્ક્યામતોનાં મૂલ્યાંકનમાં આવતા દબાણ અને નાણાકીય બજારોમાં અસ્થિરતા અર્થતંત્રોને ધીમી વૃદ્ધિ તરફથી મંદી તરફ દોરી શકે છે. 

વૈશ્વિક અર્થતંત્રો બે જુદી જુદી ગતિથી દોડી રહ્યા છે. એઆઈની તેજીને કારણે અમુક ક્ષેત્રોમાં વૃદ્ધિ વધુ સારી છે, પરંતુ અમુક ક્ષેત્ર જે એઆઈથી ઓછા સંકળાયેલા છે તે ઝઝૂમી રહ્યા હોવાનું મૂડીઝ એનાલિટિક્સે ઉમેર્યું હતું. 

વધુમાં એજન્સીએ જણાવ્યું હતું કે એઆઈની તેજીએ ડેટા સેન્ટર રોકાણમાં વધારો કર્યો છે. ખાસ કરીને એશિયાના ટેક હેવી અર્થતંત્રોમાં નિકાસ અને વિશ્વભરના શૅરબજારનાં મૂલ્યાંકનમાં વધારો કર્યો છે. મધ્ય પૂર્વના દેશોમાં તણાવને કારણે અમેરિકા અને તેનાં વેપારી ભાગીદારો વચ્ચેનાં ઘર્ષણને કારણે ભાવમાં વધારો થવાની સાથે વેપારોના કાર્યકારી ખર્ચમાં વધારો થયો છે, પરિણામે અમુક દેશોમાં ઉદ્યોગ આગળ ધપી રહ્યા છે, તો અમુક દેશોમાં પીછેહઠ જોવા મળી રહી હોવાથી વૈશ્વિક અર્થતંત્રોમાં વર્ષ 2026માં કે આકારની વૃદ્ધિ જોવા મળશે, એમ એજન્સીએ ઉમેર્યું હતું.