ક્લાઈમેટ ચેન્જ એ હવે માત્ર પર્યાવરણ પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તે આપણી રોજબરોજની લાઈફ સ્ટાઈલ અને એમાં પણ ખાસ કરીને 'ઊંઘ' પર ગંભીર અસર કરી રહ્યું છે. હાલમાં જ સામે આવેલા એક રિપોર્ટ મુજબ, સતત વધતા જતાં તાપમાનને કારણે વિશ્વભરના લોકો દર વર્ષે સરેરાશ 56 કલાકની ઊંઘ ગુમાવી રહ્યા છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે ઊંઘનો આ અભાવ હૃદયરોગ, માનસિક તણાવ, નબળી રોગપ્રતિકારક શક્તિ અને કાર્યક્ષમતામાં ઘટાડો જેવી ગંભીર સમસ્યાઓ નોતરી શકે છે.
ક્લાયમેટ સેન્ટ્રલ દ્વારા કરવામાં આવેલા આ વિશ્લેષણમાં વિશ્વના 1,338 શહેરોનો અભ્યાસ કરવામાં આવ્યો છે, જેમાં ભારતના 107 શહેરો સામેલ છે. રિપોર્ટ અનુસાર દક્ષિણ ભારતના શહેરોમાં લોકો વર્ષે 78થી 91 કલાકની ઊંઘ ગુમાવી રહ્યા છે, જેમાંથી 8થી 9 કલાકની ઊંઘ સીધી રીતે ક્લાઈમેટ ચેન્જને આભારી છે. આ બધા વચ્ચે દેશના મહાનગરોમાં ચેન્નઈ સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં લોકો વર્ષમાં અંદાજે 93 કલાક ઓછી ઊંઘ લે છે. ત્યારબાદ મુંબઈ (84 કલાક) અને કોલકાતા (80 કલાક)નો નંબર આવે છે.
બેંગલુરુ અને દહેરાદુન જેવા શહેરો કે જેઓ એક સમયે ઠંડી રાતો માટે જાણીતા હતા, ત્યાં પણ હવે તાપમાનનો પારો સતત ઉંચેને ઉંચે જઈ રહ્યો છે. બેંગલુરુમાં 1970ના દાયકામાં લોકો વર્ષે 59 કલાકની ઊંઘ ગુમાવતા હતા, જે 2025 સુધીમાં વધીને 67 કલાક થઈ ગઈ છે.
વાત કરીએ આ સમસ્યાની રાજ્યવાર અસરની તો મહારાષ્ટ્રના 22 શહેરોમાં રહેતા લોકો વર્ષે સરેરાશ 76.3 કલાકની ઊંઘ ગુમાવી રહ્યા છે. જ્યારે ઉત્તર પ્રદેશના 11 શહેરોમાં લોકોની વાર્ષિક ઊંઘમાં આશરે 69 કલાકનો ઘટાડો થયો છે, જેમાંથી લગભગ પાંચ કલાકનો ઘટાડો માત્ર વધતા તાપમાનને કારણે છે.
રિપોર્ટ દર્શાવે છે કે 1970ના દાયકાની સરખામણીએ આજે વધતા તાપમાનને કારણે થતી ઊંઘની અછત લગભગ બમણી થઈ ગઈ છે. જો રાત્રિના તાપમાનમાં આ જ ગતિએ વધારો થતો રહ્યો, તો ભવિષ્યમાં ઊંઘને લગતી સમસ્યાઓ અને તેની સાથે જોડાયેલા સ્વાસ્થ્ય પડકારો વધુ વિકટ બની શકે છે.
નિષ્ણાતોના મતે, આ માત્ર એક રિપોર્ટ નથી, પરંતુ એક ચેતવણી છે કે પર્યાવરણમાં આવતા બદલાવ આપણી પાયાની જરૂરિયાત એવી ઊંઘને પણ છીનવી રહ્યા છે.