Sun Sep 06 2026

Logo

સુરેન્દ્રનગરમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની 147 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં દોડધામ

2026-07-17 22:05:13
Author: Vimal Prajapati
સુરેન્દ્રનગરમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની 147 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં દોડધામ

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં આજે વહેલી સવારે એક સરકારી રહેણાંક શાળામાં ભોજન લીધા બાદ એકસાથે 147 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત અચાનક લથડતાં સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. તમામ બાળકીઓને પેટમાં અસહ્ય દુખાવો, ઉલ્ટી અને ઝાડા જેવા ફૂડ પોઈઝનિંગના લક્ષણો દેખાતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી હતી.

ગુરુવારે રાત્રે ખાધું હતું ભોજન, સવારે સ્થિતિ બગડી

આ કમનસીબ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કાલા તળાવ ગામ પાસે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં બની છે. આ રેસિડેન્શિયલ સ્કૂલમાં કુલ 215 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. પ્રાથમિક અહેવાલો મુજબ, ગુરુવારે રાત્રે હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને મેનૂ પ્રમાણે શાક, ભાખરી, ખીચડી અને ખીર પીરસવામાં આવી હતી. આ ભોજન લીધા બાદ શુક્રવારે સવારે એક પછી એક વિદ્યાર્થિનીઓ બીમાર પડવા લાગી હતી.

102 વિદ્યાર્થિનીઓ ચુડા CHCમાં દાખલ, તંત્ર એલર્ટ

ઘટનાની ગંભીરતાને જોતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બી.જી. ગોહિલ સહિતની તબીબી ટીમો અને સ્થાનિક વહીવટી તંત્ર તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયું હતું. ડૉ. ગોહિલના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત 147 વિદ્યાર્થિનીઓમાંથી 102 વિદ્યાર્થિનીઓની સારવાર ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલી રહી છે. જ્યારે અન્ય 45 વિદ્યાર્થિનીઓને વધુ સારી અને સઘન સારવાર માટે સુરેન્દ્રનગરની અન્ય બે હોસ્પિટલોમાં રિફર કરવામાં આવી છે. રાહતની વાત એ છે કે હાલ તમામ વિદ્યાર્થિનીઓની સ્થિતિ સ્થિર હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

ખાદ્યસામગ્રીના સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલાયા

આરોગ્ય વિભાગની કાર્યવાહીની વાત કરવામાં આવે તો, ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા રાત્રિના ભોજનમાં પીરસવામાં આવેલી ખીર, શાક અને અન્ય ખાદ્યસામગ્રીના સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ ઝેરનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ આખી ઘટનામાં શાળા વહીવટી તંત્રની એક મોટી બેદરકારી પણ સામે આવી છે, જેને કારણે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હોસ્ટેલમાં આટલી મોટી દુર્ઘટના ઘટી હોવા છતાં શાળા તરફથી વાલીઓને કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નહોતી. 

એક પીડિત વિદ્યાર્થિનીના માતાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, "મારી બે દીકરીઓ આ સ્કૂલમાં ભણે છે. આટલી મોટી ઘટના બની ગઈ છતાં સ્કૂલમાંથી કોઈનો ફોન આવ્યો નથી. મને તો મારા એક સંબંધી દ્વારા આ વાતની ખબર પડી ત્યારે હું દોડીને હોસ્પિટલ આવી છું. આવી કટોકટીની સ્થિતિમાં શાળાએ વાલીઓને તુરંત જાણ કરવી જોઈએ’. અત્યારે શાળા તંત્રની કામગીરી પર પણ શંકાઓ જઈ થઈ રહી છે.