Sat Sep 05 2026

Logo

ગોંદિયામાં રહેણાંક વિસ્તારમાં રીંછ ઘૂસતા ગભરાટઃ વન વિભાગની બચાવ કામગીરી નિષ્ફળ

2026-07-17 21:21:14
Author: Mumbai Samachar Team
ગોંદિયામાં રહેણાંક વિસ્તારમાં રીંછ ઘૂસતા ગભરાટઃ વન વિભાગની બચાવ કામગીરી નિષ્ફળ

ગોંદિયા: મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં આવેલા ગોંદિયા શહેરના કેટલાક રહેણાંક વિસ્તારોમાં સ્લોથ રીંછ જોવા મળતાં સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આને પગલે વન વિભાગે તેને પકડવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ વિભાગના કર્મચારીઓ તેને પકડી શક્યા નહોતા.

આ સ્લોથ રીંછને સૌપ્રથમ ગુરુવારે રાત્રે ગણેશનગર વિસ્તારમાં અને શુક્રવારે સવારે નજીકના ગોવિંદપુર વિસ્તારમાં જોવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે બચાવ કામગીરી દરમિયાન પ્રાણી ત્યાંથી ભાગી ગયું હતું અને કલેક્ટર કચેરીની પાછળ આવેલા નજીકના ખેતરોમાં અદ્રશ્ય થઈ ગયું હતું.

ગણેશનગરમાં સ્લોથ રીંછ જોવા મળ્યા બાદ આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ વિજય ધાન્ડે અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રશાંત હુમાનેના નેતૃત્વમાં વન વિભાગની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. 

રેપિડ રિસ્પોન્સ ટીમને પણ બોલાવવામાં આવી હતી અને શહેર પોલીસની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. વરસાદને કારણે બચાવકર્મીઓ માટે મુશ્કેલીઓ આવી હતી. તકનો લાભ લઈને તે પ્રાણી ત્યાંથી ગાયબ થઈ ગયું હતું, તેમ તેમણે જણાવ્યું હતું.

બચાવ કામગીરી દરમિયાન રાજેન્દ્ર ગૌતમ નામના વન રક્ષકને ઈજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે કેટીએસ સરકારી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એસીએફ ધાંડેએ જણાવ્યું હતું કે તેઓ હજુ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. 

છેલ્લાં બે વર્ષમાં આ બીજી વખત સ્લોથ રીંછ ગોંદિયા શહેરની રહેણાંક વસાહતમાં આવી ચડ્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ વન વિભાગના અધિકારીઓ પાસે આવી ઘટનાઓ રોકવા માટે જરૂરી પગલાં લેવાની માંગ કરી છે.