Sat Sep 05 2026

Logo

બહેનો માટે હવે 'સાડી યોજના' પોસાતી નથીઃ રોહિણી ખડસેએ સરકાર પર સાધ્યું નિશાન

2026-07-17 20:08:07
Author: Mumbai Samachar Team
બહેનો માટે હવે 'સાડી યોજના' પોસાતી નથીઃ રોહિણી ખડસેએ સરકાર પર સાધ્યું નિશાન

જળગાંવ: મુખ્યમંત્રી માજી લાડકી બહિણ યોજનાના ભારે પ્રચાર બાદ હવે રાજ્યના કાપડ વિભાગે આર્થિક તંગીનું કારણ આગળ ધરીને રાજ્યની ગરીબ મહિલાઓને મળતી મફત સાડી યોજના બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે હવે રાજકીય વાતાવરણ ગરમાયું છે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પક્ષનાં મહિલા પ્રદેશ અધ્યક્ષ રોહિણી ખડસેએ મહાયુતિ સરકાર પર અત્યંત આકરા પ્રહારો કર્યા હતા.

રોહિણી ખડસેએ કહ્યું કે, ૨૧૦૦ કે ૧૫૦૦ રૂપિયાની વાત તો છોડો, હવે લાડકી બહેનો માટે દેવેન્દ્ર ફડણવીસજી અને એકનાથ શિંદે સાહેબને સાડી પણ પોસાતી નથી? ચૂંટણી પહેલાં વચનોનો વરસાદ વરસાવ્યા બાદ હવે આર્થિક તંગીનું બહાનું ધરીને એક પછી એક યોજનાઓ બંધ કરવામાં આવી રહી છે. તેમણે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનની સરખામણી મિલકત હડપવા માટે બહેનને છેતરનારા ભાઈ સાથે કરીને આકરા પ્રહારો કર્યા હતા. 

મહિલાઓના નામે રાજકારણ કરીને તેમની જ યોજનાઓમાં કાપ મૂકવો એ એક વિશ્વાસઘાત હોવાનો આરોપ લગાવતા, સરકારે મહિલાઓને આપેલા વચનો પૂરા કરવા જોઈએ અને યોજનાઓ અંગે પોતાની સ્પષ્ટ ભૂમિકા જાહેર કરવી જોઈએ, તેવી માંગ પણ રોહિણી ખડસેએ કરી હતી. 

મહારાષ્ટ્રની શિંદે સરકાર દ્વારા જૂન ૨૦૨૩માં શરૂ કરાયેલી 'કેપ્ટિવ માર્કેટ યોજના' અંતર્ગત ગરીબ અંત્યોદય પરિવારોની મહિલાઓને દર વર્ષે દિવાળી પર મફત સાડી અપાતી હતી, જેનાથી પાવરલૂમ ઉદ્યોગને પણ ટેકો મળતો હતો.
પરંતુ, રાજ્યની આર્થિક તંગી અને વધતા નાણાકીય બોજને કારણે સરકારે હવે આ યોજના કાયમ માટે બંધ કરી દીધી છે. વાર્ષિક ૧૦૦ કરોડના બજેટવાળી આ યોજના બંધ થવાથી આ વર્ષે રાજ્યના ૨૫ લાખ ગરીબ પરિવારોની મહિલાઓને દિવાળી પર મફત સાડી મળશે નહીં.

વધુ જુઓ...