Tue Sep 15 2026

Logo

પથ્થરથી માથું છૂંદી બાળકીની હત્યા બદલ ખેતમજૂરની ધરપકડ: દુષ્કર્મની આશંકા

2026-07-17 20:02:38
Author: Yogesh C. Patel
પથ્થરથી માથું છૂંદી બાળકીની હત્યા બદલ ખેતમજૂરની ધરપકડ: દુષ્કર્મની આશંકા

વર્ધા: વર્ધા જિલ્લામાં 12 વર્ષની બાળકીની ઘરમાં પથ્થરથી માથું છૂંદી હત્યા કરવામાં આવતાં પોલીસે પાસેના ખેતરમાં કામ કરનારા મજૂરની ધરપકડ કરી હતી. હત્યા પહેલાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની શંકા પોલીસે સેવી હતી.

પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (એસપી) સૌરવ કુમાર અગરવાલે જણાવ્યું હતું કે બાળકીનો મૃતદેહ બુધવારની સાંજે તેના ઘરમાંથી મળી આવ્યો હતો. પથ્થરથી માથું છૂંદીને તેની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે સવાંગી પોલીસે ગુનો નોંધ્યો હતો.

પ્રાથમિક તપાસ બાદ હત્યામાં કથિત રીતે સંડોવાયેલા 30 વર્ષના ખેતમજૂરની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી બાળકીના પરિવારથી પરિચિત હતો. બાળકીના ઘર નજીકના ખેતરમાં જ તે કામ કરતો હતો.
એસપીએ જણાવ્યું હતું કે હત્યા પહેલાં બાળકી પર જાતીય હુમલો કરાયો હતો કે કેમ તે અંગે તબીબી અભિપ્રાય લેવામાં આવશે.

પ્રાથમિકતાના તબક્કે આ કેસની તપાસ પૂરી કરવામાં આવશે અને કોર્ટને ફાસ્ટ-ટ્રેક ખટલો ચલાવવાની વિનંતી કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)