Tue Oct 06 2026

Logo

શું શરદ પવારની NCP મહાયુતિમાં જોડાશે? જયંત પાટીલ અને એકનાથ શિંદેની મુલાકાત પર સુનીલ તટકરેનું મોટું નિવેદન

2026-07-17 20:00:05
Author: Mumbai Samachar Team
શું શરદ પવારની NCP મહાયુતિમાં જોડાશે? જયંત પાટીલ અને એકનાથ શિંદેની મુલાકાત પર સુનીલ તટકરેનું મોટું નિવેદન

મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ એનડીએ ગઠબંધનમાં સામેલ થશે અને જયંત પાટીલને રાજ્યના નાણા પ્રધાનનું પદ મળશે, તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તે સંદર્ભમાં જયંત પાટીલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે મુલાકાત કરતાં આ ચર્ચાને વધુ બળ મળ્યું છે. 

આ પૃષ્ઠભૂમિ પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ)ના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેએ મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, "એકનાથ શિંદે અને જયંત પાટીલની મુલાકાત પાછળ કોઈ અલગ રાજકીય સમીકરણ હોય તેવું લાગતું નથી. 

જયંતરાવ મહારાષ્ટ્રના રાજકારણના એક અનુભવી નેતા છે. તેઓ સાત વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે અને લાંબા સમય સુધી રાજ્યનું નેતૃત્વ કર્યું છે. તેઓ સીએમ અને નાયબ મુખ્ય પ્રધાનને કોઈ અન્ય કે અંગત કારણોસર પણ મળી શકે છે. મને આ મુલાકાતમાં કંઈ અયોગ્ય લાગતું નથી.

વધુમાં તેમણે ઉમેર્યું કે, "શરદ પવાર છેલ્લા ઘણા વર્ષોથી રાજ્ય અને કેન્દ્રના રાજકારણનો મુખ્ય હિસ્સો રહ્યા છે. તેમનો પક્ષ પણ રાષ્ટ્રીય સ્તરનો છે, તેથી પવાર સાહેબના પક્ષને તેમની પોતાની પદ્ધતિથી આગળ વધવાનો અને કોની સાથે જવું તે નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર છે." સુનીલ તટકરે કહ્યું હતું.
 
આ સમયે સુનીલ તટકરેએ નાણા મંત્રાલય પર રાષ્ટ્રવાદી કોંગ્રેસનો દાવો ફરી એકવાર દોહરાવ્યો હતો. તેમણે કહ્યું કે, નાણા ખાતું રાષ્ટ્રવાદી કોંગ્રેસને મળવું જોઈએ, એવી અમારી માંગ છે. 

સુનેત્રા પવારના નેતૃત્વમાં અમે આ સંદર્ભે ટૂંક સમયમાં મુખ્ય પ્રધાનને મળવાના છીએ. પવાર સાહેબના પક્ષના સહયોગીઓ સરકારમાં સામેલ થવાની ચર્ચાઓ પર તેમણે કહ્યું કે, "તેમના પક્ષને પોતાની પદ્ધતિથી આગળ વધવાનો પૂરો અધિકાર છે. તેમના પક્ષે કોની સાથે જવું, એ તેમનો પ્રશ્ન છે."