મુંબઈ: આ વર્ષનો પ્રજાસત્તાક પર્વ ભારતીય સિનેમા માટે સુવર્ણ અક્ષરે લખાશે. દેશના ઇતિહાસમાં પહેલીવાર કર્તવ્ય પથ પર યોજાનારી પરેડમાં ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ભવ્ય ઝાંખી જોવા મળશે. આ ગૌરવશાળી ક્ષણે હિન્દી સિનેમાના દિગ્ગજ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી ફિલ્મ જગતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય ફિલ્મોની કલા અને તેના દાયકાઓ જૂના સફરને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ ખાસ આયોજન કર્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સંજય લીલા ભણસાલી દ્વારા તૈયાર કરવામાં આવેલી વિશેષ ઝાંખી ભારતીય સિનેમાની સંસ્કૃતિ અને તેની કલાત્મકતાને ઉજાગર કરશે. આ માત્ર પરેડ નથી, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાની ઓળખની ઉજવણી છે. આ ઉપરાંત, ઓસ્કર વિજેતા સંગીતકાર એમ.એમ. કીરાવાણી 'વંદે માતરમ'ની 150મી વર્ષગાંઠ નિમિત્તે એક નવી ધૂન પેશ કરશે. આ ખાસ પ્રસ્તુતિમાં દેશભરના અંદાજે 2,500 કલાકારો ભાગ લેશે, જે સમગ્ર માહોલને દેશભક્તિના રંગે રંગી દેશે.
સંજય લીલા ભણસાલી તેમની ભવ્ય ફિલ્મો અને ઝીણવટભરી કલાકારી માટે જાણીતા છે. 1996માં 'ખામોશી' થી શરૂઆત કરનાર ભણસાલીએ 'હમ દિલ દે ચુકે સનમ', 'દેવદાસ' અને 'બાજીરાવ મસ્તાની' જેવી માસ્ટરપીસ ફિલ્મો આપી છે. અત્યાર સુધીમાં સાત નેશનલ ફિલ્મ એવોર્ડ્સ અને પદ્મશ્રીથી સન્માનિત આ ફિલ્મમેકરે તાજેતરમાં 'હીરામંડી' દ્વારા OTT પ્લેટફોર્મ પર પણ સફળતા મેળવી છે. મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે ભારતીય સિનેમાની વિરાસતને રજૂ કરવા માટે ભણસાલીથી શ્રેષ્ઠ બીજો કોઈ વિકલ્પ હોઈ શકે નહીં.
હાલમાં સંજય લીલા ભણસાલી તેમના આગામી પ્રોજેક્ટ્સને લઈને ખૂબ જ વ્યસ્ત છે. તેઓ સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર સ્ટારર ફિલ્મ 'દો દીવાને શહેર મેં' ને કો-પ્રોડ્યુસ કરી રહ્યા છે, જે ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની છે. આ ઉપરાંત, તેમની સૌથી ચર્ચિત ફિલ્મ 'લવ એન્ડ વોર' છે, જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ જોવા મળશે. સિનેમાના આ દિગ્ગજ કલાકાર હવે રાષ્ટ્રીય મંચ પર ભારતની ફિલ્મી સફરને કેવી રીતે રજૂ કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.