Wed Sep 02 2026

Logo

રોહિત શર્માને એક ખાસ સંકેત આપવા સિલેક્ટરોએ યશસ્વીને પડતો મૂક્યો હતો?

2026-07-19 16:24:42
Author: Ajay Motiwala
રોહિત શર્માને એક ખાસ સંકેત આપવા સિલેક્ટરોએ યશસ્વીને પડતો મૂક્યો હતો?

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી વન-ડે રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો હોવાની જોરદાર અટકળ વચ્ચે ક્રિકેટ બોર્ડે એ અફવા (Speculation)ને ખોટી પાડતી સ્પષ્ટતા બે દિવસ પહેલાં કરી દીધી હતી, પરંતુ રોહિતના માતા-પિતા લંડન આવી ગયા હોવાથી રોહિતના રિટાયરમેન્ટની થોડી અટકળ તો થઈ જ રહી છે એવામાં એક અહેવાલમાં જણાવાયું છે કે રોહિતને કોઈક પ્રકારનો સંકેત આપવા સિલેક્ટરોએ આ સિરીઝની ટીમમાં યશસ્વી જયસ્વાલને સામેલ ન કરીને રોહિતને સમાવ્યો હતો.

કહેવાય છે કે પસંદગીકારોએ જાણી જોઈને યશસ્વીને ડ્રૉપ કર્યો હતો કે જેથી તેઓ રોહિતને ઇશારામાં કહી શકે કે તેને કારણે એક યુવા ખેલાડીને ટીમની બહાર રાખવો પડ્યો છે.

ટૅલન્ટેડ ઓપનર યશસ્વી જયસ્વાલ ત્રણેય ફૉર્મેટની ટીમમાં સામેલ કરી શકાય એવો ખેલાડી હોવાનું ઘણાનું માનવું છે. જોકે તેનું કમનસીબ એ છે કે તેને મોટા ભાગે ટેસ્ટની ટીમમાં જ સિલેક્ટ કરવામાં આવે છે. તે ટી-20નો કે વન-ડેનો રેગ્યુલર પ્લેયર નથી.

રોહિતના પ્રબળ વિકલ્પ તરીકે યશસ્વીને જ ગણવામાં આવે છે. યશસ્વીએ 29 ટેસ્ટમાં 48.75ની સરેરાશે કુલ 2,535 રન બનાવ્યા છે જેમાં સાત સેન્ચુરી સામેલ છે. તેણે છ વન-ડેમાં બે સદી ફટકારી છે અને તેની બૅટિંગ-ઍવરેજ 70.00થી વધુ છે. યશસ્વીએ બાવીસ ટી-20 મૅચમાં 160.00થી વધુ સ્ટ્રાઇક-રેટથી 723 રન બનાવ્યા છે.