નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ઓપનર રોહિત શર્માની સંભવિત નિવૃત્તિ (RETIREMENT)ને લઈને જોરદાર ચર્ચા થઈ એ દરમ્યાન બીસીસીઆઇ તથા ટીમ મૅનેજમેન્ટનો અભિગમ અલગ છે, પરંતુ ભૂતપૂર્વ કૅપ્ટન કપિલ દેવે ચોંકાવી દે એવું નિવેદન આપ્યું છે. કપિલે કહ્યું છે કે ભારતીય ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓનું સ્થાન પણ `પાક્કું' ન હોઈ શકે, પરંતુ જ્યાં સુધી આ અનુભવી બૅટ્સમેન સારું પ્રદર્શન કરતા રહે ત્યાં સુધી તેમને રમવાનો મોકો મળવો જોઈએ.
`હિટમૅન' તરીકે ઓળખાતો 39 વર્ષનો રોહિત અને `કિંગ કોહલી' તરીકે જાણીતો 37 વર્ષનો વિરાટ શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. જોકે ઇંગ્લૅન્ડ સામેની ત્રણ મૅચની વન-ડે સિરીઝની શરૂઆતની બે મૅચમાં ખરાબ પ્રદર્શનને લીધે રોહિતના ક્રિકેટ ભાવિ સામે સવાલ કરવામાં આવી રહ્યા છે. તેણે સિરીઝની પ્રથમ મૅચમાં 11 રન અને બીજી મૅચમાં 26 રન બનાવ્યા હતા.
કપિલ દેવ (Kapil Dev)એ કહ્યું છે કે `ક્રિકેટમાં ક્યારેય પણ કોઈનું સ્થાન સ્થાયી નથી હોતું. જે સતત સારું રમે એને જ રમવા મળે છે. તે કયો ખેલાડી છે એનાથી કોઈ ફરક નથી પડતો. મારું માનવું છે કે પ્રદર્શન પર નજર રાખો અને જે ખેલાડી જ્યાં સુધી સારું રમે ત્યાં સુધી તેને રમવા દો.'
કપિલ દેવે એવું પણ કહ્યું હતું કે `સિનિયર ખેલાડીઓના ભવિષ્યનો ફેંસલો કરવાનો અધિકાર સિલેક્ટરો અને ટીમ મૅનેજમેન્ટ પાસે છે. સચિન તેન્ડુલકરે જ્યારે સંન્યાસ લીધો ત્યારે તેનામાં ઘણું ક્રિકેટ બાકી હતું. આપણે જે મુદ્દે વાત કરી રહ્યા છીએ એમાં નિર્ણય લેવાનું કામ સિલેક્ટરોનું છે. હું એવું નહીં કહું કે કોને ટીમની બહાર રાખવો જોઈએ. એ કામ પસંદગીકારો અને ટીમ મૅનેજમેન્ટનું છે. હું તો માત્ર ટીવી પર મૅચ જોઈને મંતવ્ય આપી શકું. મારું એ પણ માનવું છે કે ભારત માટે સર્વશ્રેષ્ઠ ટીમ સિલેક્ટ કરવામાં આવશે એવો ભરોસો સિલેક્ટરો પર રાખવો જોઈએ. ટીમ હારે ત્યારે પણ આપણે તેમને જ સપોર્ટ કરવો જોઈએ. રોહિત કંઈ 20 વર્ષનો નથી. તે લગભગ 40 વર્ષનો છે અને દરેક ખેલાડીએ એક દિવસ સંન્યાસ લેવો જ પડતો હોય છે. જોકે તેણે માત્ર ભારતને નહીં, પણ દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓને જે ખુશી આપી એ બદલ તેને સલામ.'