સૅનો: વર્લ્ડ ચેમ્પિયન અને વર્લ્ડ નંબર વન ભારતે અહીં આજે ૪૧મી રેન્કવાળા ક્રિકેટના ટચૂકડા દેશ જાપાન (japan) સામે ટી-20 ઐતિહાસિક મૅચ માત્ર બે રનથી મહામહેનતે જીતી હતી.
વરસાદને લીધે આ મૅચ પાંચ-પાંચ ઓવરની થઈ ગઈ હતી. ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી.
ભારતીય ટીમ 30 બૉલમાં ચાર વિકેટે ફક્ત 32 રન બનાવી શકી હતી. જાપાનની ટીમે જવાબમાં એટલા જ બૉલમાં ત્રણ વિકેટે 30 રન બનાવ્યા હતા. બે વિકેટ વોશિંગ્ટન સુંદરે લીધી હતી, જ્યારે એક બૅટ્સમૅન રનઆઉટ થયો હતો.

શર્મનાક સ્થિતિ: ભારતના 30 બૉલમાં માત્ર 32 રન!
ભારતે વરસાદ (Rain)ના વિઘ્ન બાદ પહેલાં બૅટિંગ લીધા પછી નિર્ધારિત પાંચ ઓવરમાં 30 બોલમાં માત્ર 32 રન કર્યા હતા. ભારત (India)ના બૅટ્સમેનોએ શર્મનાક બૅટિંગ કરી હતી અને ભારતીય બોલર્સ પર વિજયનો બોજ નાખી દીધો હતો.
થોડા દિવસ પહેલાં કેટલાક વિશ્વવિક્રમો પોતાના નામે કરનાર ઓપનર અભિષેક શર્મા તેના પહેલા જ બૉલમાં શૂન્યમાં આઉટ થઈ ગયો હતો.
બીજો ઓપનર સંજુ સેમસન ફક્ત નવ રનમાં અને ઈશાન કિશન ત્રણ રનમાં વિકેટ ગુમાવી બેઠો હતો.
માત્ર પાંચ-પાંચ ઓવરની આ મૅચની પહેલી ત્રણ ઓવરમાં ભારતે 14 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને કેપ્ટન શ્રેયસ ઐયર 16 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. હિન્ઝેએ બે તેમ જ તાકાહાશી અને બેન્જામિન ઈતો-ડેવિસ નામના બોલરે એક-એક વિકેટ લીધી. જોકે જાપાનની ઈનિંગ્સમાં અક્ષર પટેલ અને રવિ બિશ્નોઇને વિકેટ નહોતી મળી.