ચોમાસુ સત્રમાં રામ મંદિર દાન ચોરી અને મણિપુર હિંસા મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે
નવી દિલ્હી: સંસદના આગામી ચોમાસુ સત્રની શરૂઆતના બરાબર એક દિવસ પહેલા આજે પાટનગરમાં બોલાવવામાં આવેલી પરંપરાગત સર્વપક્ષીય બેઠકમાં હંગામો થયો હતો. અહીંની બેઠકમાં ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC)નાં બળવાખોર જૂથ ‘NCPI’ને આમંત્રણ આપવામાં આવતા વિપક્ષી દળના નેતાઓ ભડક્યા હતા અને વિરોધ પ્રદર્શન સ્વરૂપે બેઠક અધવચ્ચે છોડીને બહાર નીકળી ગયા હતા અને ગણતરીની મિનિટોના સાંકેતિક બહિષ્કાર બાદ વિપક્ષી નેતાઓ ફરીથી બેઠકમાં સામેલ થયા હતા.
સંસદીય બાબતોના પ્રધાને કેવી ચેતવણી આપી?
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠક બાદ સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ વિપક્ષને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો ગૃહમાં માત્ર હંગામો જ થશે તો ચર્ચા શક્ય બનશે નહીં. બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘સંસદ નહીં ચાલે તે લોકશાહી માટે યોગ્ય નથી. હંગામાથી વિપક્ષને જ રાજકીય નુકસાન થશે. સરકાર તમામ મુદ્દાઓ પર બિલ પસાર કરતા પહેલા ચર્ચા કરવા તૈયાર છે, જેથી નાના પક્ષોને પણ બોલવાની તક મળે’.
TMCના બાગી જૂથ અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું હતું કે NCPI પાસે 20 સાંસદનું સંખ્યાબળ છે. તેમણે લોકસભામાં અલગ બેઠક વ્યવસ્થાની માંગ કરી છે જે તદ્દન યોગ્ય છે અને હાલ આ મામલો સ્પીકર સમક્ષ વિચારણા હેઠળ છે. 20 ચૂંટાયેલા સાંસદોના હકને સરકાર અવગણના કરી શકે નહીં.
કોંગ્રેસના નેતા રામ મંદિર દાન ચોરીનો ઉલ્લેખ
કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ ચોમાસુ સત્ર દરમિયાન સરકારને ઘેરવાના સંકેત આપતા જણાવ્યું કે, વિપક્ષ દેશના વર્તમાન સળગતા મુદ્દાઓ પર સરકાર પાસે જવાબ માંગશે. તેમણે ખાસ કરીને અયોધ્યા રામ મંદિરમાં લાગેલી દાન ચોરીના કથિત કૌભાંડનો ઉલ્લેખ કર્યો હતો. કહ્યું કે, અયોધ્યામાં દાન ચોરી અત્યંત શર્મનાક છે અને તેના પર સરકારે સંવેદનશીલતા દાખવવી જોઈએ." આ ઉપરાંત વિપક્ષ દ્વારા વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલો અન્યાય, ખેડૂતોની સમસ્યા, ઈથેનોલ પોલિસી અને મણિપુર હિંસા જેવા ગંભીર મુદ્દાઓ પર સત્ર દરમિયાન અવાજ ઉઠાવવામાં આવશે.
શું છે સમગ્ર વિવાદ?
લોકસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલી પક્ષોની સ્થિતિ મુજબ, 20 બળવાખોર સાંસદોને હજુ પણ સત્તાવાર રીતે TMCનો ભાગ ગણવામાં આવ્યા છે, પરંતુ ગૃહમાં તેમને અલગ બેઠક ફાળવવાની મંજૂરી અપાઈ છે. આ બાગી જૂથના નેતા સુદીપ બંદોપાધ્યાયે દાવો કર્યો છે કે, "અમે ચંદ્રબાબુ નાયડુની TDP અને નીતીશ કુમારની JDU કરતાં પણ મોટી પાર્ટી છીએ. અમે સ્પીકરને તમામ દસ્તાવેજો સોંપ્યા છે. અમારું સભ્યપદ રદ થશે કે નહીં તે સ્પીકર નક્કી કરશે."
TMC સાંસદ મહુઆ મોઇત્રાનો આક્રોશ
વિપક્ષના વોકઆઉટ અંગે TMC સાંસદ મહુઆ મોઇત્રાએ જણાવ્યું કે, સ્પીકરે હજુ સુધી આ 20 અસંતુષ્ટ સાંસદોના વિલીનીકરણને કાનૂની મંજૂરી આપી નથી અને તેમની અયોગ્યતા અંગેની અરજીઓ હજુ પેન્ડિંગ છે. આમ છતાં ગેર-માન્યતા પ્રાપ્ત જૂથને સત્તાવાર બેઠકમાં કેમ બોલાવાયું? આ અલોકતાંત્રિક પ્રક્રિયાના વિરોધમાં કોંગ્રેસ, સપા, ડીએમકે, જેએમએમ અને શિવસેના (UBT) સહિતના આખા વિપક્ષે એક થઈને વોકઆઉટ કર્યો હતો.
બીજી તરફ, જેડીયુના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સંજય ઝાએ રામ મંદિર દાન ચોરી મામલે જણાવ્યું કે, આ ઘટના દુખદ છે અને તમામની આસ્થા સાથે જોડાયેલી છે. હાલ તપાસ સમિતિ કામ કરી રહી છે અને દોષિતોને સજા આપવાની કાનૂની પ્રક્રિયા ચાલુ છે, તેથી આ મુદ્દાનું બિનજરૂરી રાજકારણ ન થવું જોઈએ.