Tue Jan 27 2026

Logo

White Logo

મુંબઈમાં પૂર્વ ઉપનગર અને શહેરમાં ૧૨ દિવસ ૧૦ ટકા પાણીકાપ નાગરિકોને પાણી સંભાળીને વાપરવાની પાલિકાની સલાહ...

4 days ago
Author: sapna desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈમાં આવતા મંગળવારથી બાર દિવસ માટે પૂર્વ ઉપનગર સહિત દક્ષિણ મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ લાદવામાં આવવાનો છે. તેથી પાણીકાપ સમયે મુંબઈગરાને પાણીને સંભાળીને વાપરવાની અપીલ કરવામાં આવી છે. આ સમય દરમ્યાન થાણે તથા ભિવંડીમાં જયાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પાણીપુરવઠો કરવામાં આવે છે ત્યાં પણ ૧૦ ટકા પાણીકાપ મૂકવામાં આવ્યો છે.

પાલિકાના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ પિસેમાં ‘ન્યૂમૅટિક ગેટ સિસ્ટમ’નું વાર્ષિક મેઈન્ટેનન્સનું સમારકામ કરવામાં આવવાનું છે. આ કામ મંગળવાર, ૨૭ જાન્યુઆરી, ૨૦૨૬થી શનિવાર, સાત ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી કરવામાં આવવાનું છે. તેથી શહેર અને પૂર્વ ઉપનગરના મોટાભાગના વિસ્તારોમાં પાણીપુરવઠાને અસર થશે. તેથી આ સમયગાળા દરમ્યાન અહીં ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવામાં આવ્યો છે.

દક્ષિણ મુંબઈના કોલાબાથી દાદર, પરેલ સુધીના વિસ્તાર તથા પૂર્વ ઉપનગરમાં મુલુંડ, ભાંડુપ, નાહુર, કાંજુરમાર્ગ, વિક્રોલી, ઘાટકોપર, કુર્લા, ચેમ્બુર, ગોવંડી અને દેવનાર જેવા વિસ્તારનો સમાવેશ થાય છે.

થાણેમાં ૧૨ દિવસ જુદા જુદા વિસ્તારમાં તબક્કાવાર પાણીકાપ
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા થાણે અને ભિવંડીને પણ પાણીપુરવઠો કરવામાં આવે છે. મુંબઈમાં ૧૨ દિવસ પાણીકાપ મૂકવામાં આવ્યો છે એ દરમ્યાન થાણેને આપવામાં આવતા પાણીપુરવઠામાં પણ પાલિકા દ્વારા ૧૦ ટકા પાણી ઓછું આપવામાં આવશે.  તેથી થાણેમાં ૨૭ જાન્યુઆરીથી સાત ફેબ્રુઆરી સુધીના ૧૨ દિવસના સમયગાળામાં  જુદા જુદા વિસ્તારમાં પાણીકાપ રહેશે. થાણે મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ થાણે  અને મુંબઈ મહાનગરપાલિકાને પાણીપુરવઠો કરનારા પિસેમાં ભાતસા નદી પણ બાંધવામાં આવેલા બંધમાં પાણીનું સ્તર વધારવા માટે બેસાડવામાં આવેલા ન્યુટિક ગેટ સિસ્ટમનું સમારકામ કરવામાં આવવાનું છે.

તે માટે ન્યુટિક ગેટ સિસ્ટમનું સમારકામ કરવા માટે નદીના પાણીનું સ્તર ઓછું કરવામાં આવ્યું હોવાથી આ સમયગાળામાં પિસેના પંમ્પિગ સ્ટેશન સેન્ટરમાં પાણીનું સ્તર  ઓછું થયું છે. તેથી થાણે મહાનગરપાલિકાને થનારા પાણીપુરવઠામાં ૨૦ ટકાનો ઘટાડો થયો હોવાથી થાણે શહેરને ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થઈ રહ્યો છે. એ પાર્શ્ર્વભૂમિ પર થાણે મહાનગરપાલિકાએ આગામી ૧૨ દિવસ માટે પાણીનું શટડાઉન લઈને જુદા જુદા વિસ્તારમાં તબક્કાવાર પાણીકાપ મુક્યો છે.