Tue Jan 27 2026

Logo

White Logo

કાશ્મીરી VS ઈરાની કેસર: કયુ કેસર છે એકદમ બેસ્ટ? અસલી નકલી કેસરનો તફાવત ઓળખો...

6 days ago
Author: Darshna Visaria
Video

ઈરાનમાં હિંસા, પ્રદર્શન અને મૃત્યુનો તાંડવ થમવાનું નામ નથી લઈ રહ્યો અને તમને જાણીને નવાઈ લાગશે કે ઈરાન એ જ દેશ છે જે દુનિયામાં સૌથી વધુ કેસર ઉગાડે છે. ઈરાન જ નહીં પણ વિશ્વભરમાં લાલ સોના તરીકે ઓળખાતું કેસર તેના સ્વાદ અને સ્વાસ્થ્યપ્રદ ગુણો માટે જાણીતું છે. ઈરાન દુનિયાનું લગભગ 90 ટકા કેસર પકવે છે, જ્યારે ભારતનું કાશ્મીરી કેસર તેની મર્યાદિત ખેતી અને શ્રેષ્ઠ ગુણવત્તાને કારણે વિશ્વનો સૌથી મોંઘો મસાલો ગણાય છે. તાજેતરમાં જ કાશ્મીરી કેસરને મળેલા GI ટેગે તેને વૈશ્વિક બજારમાં ઈરાની કેસર કરતા વધુ વિશ્વસનીય બનાવ્યું છે.

કાશ્મીરી કેસરનો રંગ ઘેરો લાલ હોય છે. તેનું મુખ્ય કારણ તેમાં રહેલું ક્રોસિન નામનું તત્વ છે. કાશ્મીરી કેસરમાં ક્રોસિનનું પ્રમાણ 8 ટકાથી વધુ હોય છે, જ્યારે ઈરાની કેસરમાં તે લગભગ 6.8 ટકા જેટલું હોય છે. આ જ કારણે કાશ્મીરી કેસરનો રંગ વધુ ઘટ્ટ અને અસરકારક હોય છે.

કાશ્મીરના પંપોરમાં કેસરના ફૂલોને હાથેથી તોડવામાં આવે છે અને તેને કુદરતી રીતે તડકામાં સુકવવામાં આવે છે. આ પરંપરાગત રીત તેના ઔષધીય ગુણોને જાળવી રાખે છે. બીજી બાજું ઈરાનમાં કેસરના મોટા જથ્થાને સુકવવા માટે ઘણીવાર આધુનિક મશીનો અને હીટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે, જે તેની કુદરતી સુગંધ અને તેલને થોડા અંશે ઘટાડી શકે છે.

વાત કરીએ કાશ્મીરી અને ઈરાની કેસર વચ્ચેના તફાવતની તો કાશ્મીરી કેસરના તાંતણા લાંબા અને જાડા હોય છે. તેની સુગંધ અત્યંત તીવ્ર અને મીઠી હોય છે, જે લાંબા સમય સુધી જળવાઈ રહે છે. ઈરાની કેસર પણ સુગંધિત હોય છે, પરંતુ કાશ્મીરી કેસરની સરખામણીએ તેની તીવ્રતા ઓછી હોય છે. સ્વાદમાં અસલી કાશ્મીરી કેસર સહેજ કડવું હોય છે, જે તેની શુદ્ધતાની નિશાની છે.

કઈ રીતે ચેક કરશો કેસર અસલી છે કે નકલી...

આજકાલ જમાનો ભેળસેળનો છે અને આ જ રીતે બજારમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરેલું નકલી કેસર પણ મળી રહી છે. આવી સ્થિતિમાં આપણે ખરીદેલું કેસર અસલી છે કે નકલી એ ઘરે બેઠા પણ તમે જાણી શકો છો. ચાલો જોઈએ શું છે આ સિમ્પલ ટિપ્સ... 

⦁    કેસર અસલી છે કે નકલી એ પાણીની મદદથી પણ ચેક કરી શકાય છે. આ માટે કેસરના થોડા તારને નવશેકા પાણીમાં નાખો. અસલી કેસર ધીમે-ધીમે પોતાનો રંગ છોડશે અને પાણીને સોનેરી પીળો (Golden Yellow) રંગ આપશે. જો પાણી તરત જ ઘાટું લાલ થઈ જાય, તો સમજવું કે તેમાં રંગની ભેળસેળ છે.
⦁    જો પાણીમાં નાખ્યા બાદ પણ અસલી કેસરના તાંતણા લાલ રંગના જ રહેશે અને તે સફેદ કે ફિક્કા નહીં પડે. જો તાર પોતાનો લાલ રંગ ગુમાવી દે, તો તે નકલી છે.
⦁    આ સિવાય કેસરની પરખ તેના સ્વાદ અને ગંધ પરથી પણ કરી શકાય છે. અસલી કેસરની સુગંધ મીઠી હોય છે પણ તેનો સ્વાદ કડવો હોય છે. જો કેસરનો તાર જીભ પર મૂકતા મીઠો લાગે, તો તેમાં ખાંડની ચાસણી કે કેમિકલની ભેળસેળ હોઈ શકે છે.
⦁    કેસરના તાંતણાને પાણીમાં પલાળ્યા પછી બે આંગળીઓ વચ્ચે ઘસો. અસલી કેસર ક્યારેય તૂટશે નહીં કે ભૂકો નહીં થાય, જ્યારે નકલી કેસર તરત જ ઓગળી જશે કે તૂટી જશે.

સ્વાસ્થ્ય માટેના ફાયદા

કાશ્મીરી કેસરમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે. તે યાદશક્તિ વધારવા, ડિપ્રેશન ઘટાડવા, પાચનતંત્ર સુધારવા અને ગર્ભાવસ્થા દરમિયાન સ્નાયુઓના દુખાવામાં રાહત આપવા માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે. તેના ઔષધીય ગુણોને કારણે જ તે આયુર્વેદમાં પણ વિશેષ સ્થાન ધરાવે છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમને પણ અસલી અને નકલી કેસરની પરખ કરવામાં મદદ કરો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...