ઘણીવાર કામની વ્યસ્તતા વચ્ચે આપણે અનેક વખત આપણા નજીકના મિત્રો કે પરિવારના સભ્યોનો જન્મદિવસ ભૂલી જઈએ છીએ અથવા રાત્રે 12 વાગ્યે વિશ કરવા માટે જાગી શકતા નથી. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. થેન્ક્સ ટુ ટેકનોલોજીની મદદથી તમે વોટ્સએપ પર મેસેજ શિડ્યુલ કરી શકો છો, એટલે જો તમે સૂઈ પણ ગયા હશો તો પણ તમારો મેસેજ બરાબર રાત્રે 12 વાગ્યે સામેની વ્યક્તિને મળી જશે.
વોટ્સએપ અત્યારે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ બની ગયું છે, પરંતુ તેમાં હજુ સુધી સત્તાવાર રીતે 'શિડ્યુલ મેસેજ'નું ફીચર એન્ડ્રોઈડ યુઝર્સ માટે ઉપલબ્ધ નથી કરાવી આપવામાં આવ્યું. જોકે, એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સ કેટલીક ટ્રિક્સ અને થર્ડ-પાર્ટી એપ્સની મદદથી આ કામ સરળતાથી કરી શકે છે.
એન્ડ્રોઈડ યુઝર્સ માટે આ છે ઓપ્શન
1. એન્ડ્રોઈડ ફોનમાં મેસેજ શિડ્યુલ કરવા માટે 'SKEDit' જેવી એપ્સ ખૂબ જ લોકપ્રિય છે.
2. ગૂગલ પ્લે સ્ટોર પરથી SKEDit એપ ડાઉનલોડ કરો અને સાઇન-ઇન કરો.
3. એપ ખોલીને '+' આઇકોન પર ક્લિક કરો અને 'WhatsApp' પસંદ કરો.
4. હવે જે વ્યક્તિને મેસેજ મોકલવો છે તેનું નામ (Contact) પસંદ કરો.
5. તમારો બર્થડે મેસેજ ટાઈપ કરો.
6. ત્યાર બાદ તારીખ અને રાતે 12.00 વાગ્યાનો સમય સેટ કરો
7. 'Ask me before sending' વિકલ્પને બંધ કરી દો જેથી મેસેજ તમારી મંજૂરી વગર ઓટોમેટિક જતો રહે.
આઈફોન યુઝર્સ ઓન કરી લો આ સેટિંગ
1. આઈફોન યુઝર્સ કોઈ પણ થર્ડ-પાર્ટી એપ વગર 'Siri Shortcuts'ની મદદથી આ કરી શકે છે.
2. આઈફોનમાં Shortcuts એપ ખોલીને નીચે આપેલા 'Automation' ટેબ પર જાઓ.
3. 'Create Personal Automation' પર ક્લિક કરો અને 'Time of Day' પસંદ કરો.
4. રાત્રે 12 વાગ્યાનો સમય સેટ કરો અને 'Next' પર ક્લિક કરો.
5. 'Add Action' માં જઈને 'Send Message' સર્ચ કરો અને WhatsApp પસંદ કરો.
6. તમારો મેસેજ અને કોન્ટેક્ટ વિગત ભરો.
7. 'Ask Before Running' ઓપ્શન બંધ કરી દો. બસ, તમારો મેસેજ શિડ્યુલ થઈ ગયો!
જો તમે વોટ્સએપ બિઝનેસ વાપરો છો, તો તેમાં 'Away Message' નું ફીચર મળે છે. જોકે, આ પ્રોફેશનલ કામ માટે વધુ યોગ્ય છે. ચોક્કસ સમય માટે મેસેજ મોકલવા માટે ઉપર જણાવવામાં આવેલી રીત જ વધારે અસરકારક છે. થર્ડ-પાર્ટી એપ્સ વાપરતી વખતે કેટલીક સાવધાની રાખવી પણ જરૂરી છે કારણ કે આ એપ તમારા કોન્ટેક્ટ્સ અને મેસેજની એક્સેસ માંગે છે. હંમેશા વિશ્વાસુ એપ્સનો જ ઉપયોગ કરો. ખાતરી કરો કે રાત્રે 12 વાગ્યે તમારું ઇન્ટરનેટ કનેક્શન ચાલુ હોય, નહીં તો મેસેજ ફેઈલ થઈ શકે છે.