મુંબઈ: ગોરેગામના નેસ્કો સેન્ટરના હૉલમાં આયોજિત મ્યુઝિક કોન્સર્ટમાં ડ્રગ્સના કથિત ઓવરડોઝને કારણે એમબીએના બે સ્ટુડન્ટનાં મૃત્યુના કેસમાં વનરાઈ પોલીસે 3,500 પાનાંનું આરોપનામું કોર્ટમાં દાખલ કર્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ 13માંથી 12 આરોપી વિરુદ્ધ ગુરુવારે ચાર્જશીટ દાખલ કરાઈ હતી, જેમાં માસ્ટરમાઈન્ડ આયુષ વિકી સાહિત્ય અને મહેશ ખેમલાનીનો સમાવેશ થાય છે. કોન્સર્ટમાં આવેલા મૃતકોના અમુક ક્લાસમેટ્સ સહિત 110 સાક્ષી ચાર્જશીટમાં નોંધવામાં આવ્યા છે.
ચાર્જશીટમાં આરોપી તરીકે એક ક્લાસમેટ, સિક્યોરિટી ગાર્ડ, કોન્સર્ટના આયોજકો અને કથિત ડ્રગ તસ્કરનાં નામ છે. આ કેસમાં પોલીસે બે શકમંદને ફરાર દર્શાવ્યા છે.એક આરોપી દીપેશ હેમવાની (23)ની વનરાઈ પોલીસે ગયા સપ્તાહે જ ધરપકડ કરી હતી. ઉલ્હાસનગરમાં રહેતા હેમવાનીને બે દિવસની પોલીસ કસ્ટડી પછી કોર્ટે અદાલતી કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. કોન્સર્ટમાં મૃત્યુ પામેલા બન્ને સ્ટુડન્ટે ડ્રગ્સનું સેવન કર્યું હતું. આ ડ્રગ્સ વિદેશથી હેમવાનીને ઘેર આવ્યું હતું અને પછી આગળ સપ્લાય થયું હતું. ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર હજુ ફરાર હોવાનું પોલીસનું કહેવું છે.
દક્ષિણ મુંબઈની પ્રતિષ્ઠિત મૅનેજમેન્ટ કૉલેજના વિદ્યાર્થીઓ 11 એપ્રિલે ગોરેગામના નેસ્કોમાં આયોજિત મ્યુઝિક કોન્સર્ટમાં ગયા હતા. ડ્રગ્સના કથિત ઓવરડોઝને કારણે એમબીએના બીજા વર્ષના સ્ટુડન્ટ શ્રેયા રાય (24) અને બિસ્માત સિંહ અમરજિત સિંહ ભાસીન (28)નાં મૃત્યુ થયાં હતાં, જ્યારે તેમની એક ફ્રેન્ડ શીતલને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.