(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધવાની સાથે ક્રૂડતેલના ભાવમાં ધીમા પરંતુ મક્કમ ગતિએ થઈ રહેલા વધારાને કારણે અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી તંગ નાણાનીતિ જાળવી રાખે તેવી ભીતિ હેઠળ આજે લંડન ખાતે સોના અને ચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 3404ની અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 287થી 288ની પીછેહઠ જોવા મળી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વિશ્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3404ના ઘટાડા સાથે રૂ. 2,20,390ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ભાવમાં નરમાઈનું વલણ રહેતા વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 287ના ઘટાડા સાથે રૂ. 1,42,794 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 288ના ઘટાડા સાથે રૂ. 1,43,368ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવમાં ઘટાડો આવ્યો હોવા છતાં વધુ ઘટાડાના આશાવાદે રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ સુસ્ત રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 4105.97 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 0.6 ટકા ઘટીને 4114.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ વધુ 1.1 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 59.34 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તાજેતરમાં અમેરિકાના ઈરાન પર અને ઈરાનના અમેરિકાના સહયોગી દેશો પર થઈ રહેલા હુમલાઓને કારણે તેલના ભાવમાં તેજીનો અન્ડરટોન રહે તેવી શક્યતા અને ફેડરલ રિઝર્વ તંગ નાણાનીતિ અપનાવે તેમ હોવાથી સોનાના ભાવ ફરી આૈંસદીઠ 4000 ડૉલરની મનોવૈજ્ઞાનિક સપાટીએ પહોંચે તેવી શક્યતા બાયબીટના વિશ્લેષક હૅન ટૉને જણાવતા ઉમેર્યું હતું કે ક્રૂડ તેલના ભાવ વધતા ફુગાવામાં વધારો થતો હોય છે અને ફુગાવો નિયંત્રણમાં રાખવા કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદર વધારતી હોવાથી સોના અને ચાંદી જેવી કિંમતી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી નિરસ રહેતી હોય છે.
આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં વધારો કરે તેવી 58 ટકા શક્યતા બજાર વર્તુળો જોઈ રહ્યા છે. જોકે, હવે રોકાણકારોની નજર ક્રૂડતેલના ભાવની વધઘટ ઉપરાંત આગામી સપ્તાહે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા અને ફેડના ચેરમેન કેવિન વાર્શની ટેસ્ટીમનીના વક્તવ્ય પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.