Sun Oct 04 2026

Logo

મૃત યુનિયન નેતાના નિવાસસ્થાને રેઇડ: 5.26 કરોડની રોકડ, સોનું-ચાંદી, હથિયાર અને 6,350 કારતૂસો જપ્ત

2026-07-11 18:43:40
Author: Yogesh C. Patel
મૃત યુનિયન નેતાના નિવાસસ્થાને રેઇડ: 5.26 કરોડની રોકડ, સોનું-ચાંદી, હથિયાર અને 6,350 કારતૂસો જપ્ત

છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં મૃત ભૂતપૂર્વ યુનિયન નેતાના નિવાસસ્થાને રેઇડ પાડવામાં આવી હતી, જેમાં 5.26 કરોડની રોકડ, સોનું-ચાંદી, હથિયાર તેમ જ 6,350 કારતૂસો જપ્ત કરવામાં આવી  હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.1980 અને 1990ના યુનિયન નેતા બાબા ફરઝાનના મિત્મિતા નિવાસસ્થાને શુક્રવારે પોલીસે રેઇડ પાડી હતી. બાબા ફરઝાન વિરુદ્ધ ચાર ક્રિમિનલ કેસ દાખલ હતા અને ડાયાબિટીસને કારણે ગયા મહિના તેનું મોત થયું હતું.

ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઇમ) શશિકાંત સાતવે કહ્યું હતું કે અમે 5.26 કરોડની બિનહિસાબી રોકડ, 151 ગ્રામ સોનું અને 3.9 કિલોગ્રામ ચાંદી, 12 અને 0.22 બોરની ચાર રાઇફલ અને બે પિસ્તોલ ઉપરાંત કારતૂસો જપ્ત કરી હતી. છમાંથી ચાર હથિયારનાં લાઇસન્સ છે, જ્યારે બાકીના બે અંગે તપાસ કરવામાં આવી રહી છે.જપ્ત કરાયેલી કારતૂસોમાં 12 બોરની 632, 7.65 બોરની 1,878 અને 0.22 બોરની 3,840 કારતૂસોનો સમાવેશ છે. એ સિવાય તલવાર અને ગુપ્તી જેવા શસ્ત્રો પણ ત્યાંથી મળી આવ્યાં હતાં, એમ સાતવે કહ્યું હતું.

બિનહિસાબી રોકડ 10,20,50 અને 200ના દરની નોટોના બંડલમાં હતી, જેની ગણવતી કરવા માટે પાંચ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બિનહિસાબી રોકડ ઉપરાંત સોનું-ચાંદી અંગે આવકવેરા વિભાગને માહિતી આપવામાં આવી છે. બાબા ફરઝાનની બીજી પત્નીને આ પ્રકરણે પૂછપરછ માટે તાબામાં લેવામાં આવી હોવાનું સાતવે જણાવ્યું હતું. (પીટીઆઇ)