મુંબઈ: બોલિવૂડની સૌથી લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઈઝી ‘ધમાલ’નો ચોથો ભાગ એટલે કે ‘ધમાલ 4’ (Dhamaal 4) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂક્યો છે. અજય દેવગન, રિતેશ દેશમુખ અને અરશદ વારસી જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ મલ્ટિસ્ટારર ફિલ્મે રિલીઝના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહેલા દર્શકોએ તેને જોરદાર પ્રતિસાદ આપ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ ફિલ્મની સ્ટારકાસ્ટની કોમિક ટાઈમિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
પ્રથમ દિવસની કમાણીમાં મોટો ઉછાળો
કમાણીની વાત કરવામાં આવે તો, ‘ધમાલ 4’ એ ભારતીય બોક્સ ઓફિસ પર અપેક્ષા કરતાં પણ વધુ સારી શરૂઆત કરી છે. શુક્રવારે રાત્રે 8 વાગ્યા સુધી ફિલ્મનું કલેક્શન આશરે 6.26 કરોડ રૂપિયાની આસપાસ હતું, પરંતુ મોડી રાતના શોમાં પ્રેક્ષકોની સંખ્યામાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો હતો. રાત્રિના શોમાં કલેક્શનમાં 7.49 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો, જેના કારણે ફિલ્મે તેના ઓપનિંગ ડે પર રૂપિયા 13.75 કરોડનું શાનદાર નેટ કલેક્શન મેળવ્યું છે.
સમગ્ર ભારતમાં પહેલા દિવસે આ ફિલ્મના કુલ 10,669 શો દર્શાવવામાં આવ્યા હતા, જેમાં સરેરાશ હિન્દી ઓક્યુપન્સી 24% થી વધુ નોંધાઈ હતી. રાત્રિના શોમાં તો ઓક્યુપન્સીનો ગ્રાફ 42% સુધી પહોંચી ગયો હતો. ભારતમાં‘ધમાલ 4’ નું ગ્રોસ કલેક્શન 16.50 કરોડ રૂપિયા રહ્યું છે. જો વૈશ્વિક સ્તરની વાત કરીએ તો, ઓવરસીઝ માર્કેટ એટલે કે વિદેશમાં પણ આ કોમેડી ડ્રામાને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. વિદેશી કમાણી ઉમેરતા આ ફિલ્મે પહેલા જ દિવસે વિશ્વભરમાં રૂપિયા 21.50 કરોડનું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન કરીને મેકર્સને ખુશ કરી દીધા છે.
સસ્પેન્સ અને કોમેડીનો ડબલ ડોઝ
ઇન્દ્ર કુમારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અજય દેવગન, રિતેશ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરી અને સંજય મિશ્રા જેવા ફ્રેન્ચાઈઝીના જૂના કલાકારોની સાથે રવિ કિશન, ઈશા ગુપ્તા, સંજીદા શેખ અને અંજલિ આનંદ જેવા નવા ચહેરાઓ પણ જોવા મળી રહ્યા છે. આ વખતે કહાણીમાં કોમેડીની સાથે સાથે ટ્રેઝર હન્ટ અને સસ્પેન્સનો પણ તડકો લગાવવામાં આવ્યો છે. ‘ધમાલ’ ફ્રેન્ચાઈઝીનો પહેલો ભાગ કલ્ટ ક્લાસિક સાબિત થયો હતો અને હવે આ ચોથા ભાગે પણ પહેલા જ દિવસે દર્શકોના દિલ જીતીને વીકેન્ડમાં મોટી કમાણી તરફ કદમ વધાર્યા છે.